ગડકરીનું દર્દ છલકાયું, કહ્યું- જે ખરાબ કામ કરે છે તેને ક્યારેય સજા થતી નથી, જે..

PC: jagran.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે તકવાદી નેતાઓની સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, વિચારધારામાં આવો ઘટાડો લોકશાહી માટે સારી બાબત નથી. તેમણે કહ્યું કે, એવા નેતાઓ છે જે પોતાની વિચારધારા પર અડગ છે, પરંતુ તેમની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.

કોઈનું નામ લીધા વિના ગડકરીએ કહ્યું, 'હું હંમેશા મજાકમાં કહું છું કે, સરકારમાં કોઈ પણ પક્ષ હોય, એક વાત ચોક્કસ છે કે, જે સારું કામ કરે છે તેને ક્યારેય સન્માન મળતું નથી અને જે ખરાબ કામ કરે છે તેને ક્યારેય સજા થતી નથી.'

મંત્રી અહીં એક મીડિયા સમૂહ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં સાંસદોને તેમના ઉત્તમ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. BJPના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'અમારી વાતચીત અને ચર્ચામાં મતભેદ એ અમારી સમસ્યા નથી. અમારી સમસ્યા વિચારોનો અભાવ છે.'

તેમણે કહ્યું, 'એવા લોકો પણ છે જે પોતાની વિચારધારાના આધારે દ્રઢ વિશ્વાસ સાથે ઉભા છે, પરંતુ આવા લોકોની સંખ્યા ઘટી રહી છે અને વિચારધારામાં જે પતન થઈ રહ્યું છે, તે લોકશાહી માટે સારું નથી.’ ગડકરીએ કહ્યું, ‘ન તો જમણેરી કે ડાબેરી, અમે જાણીતા તકવાદી છીએ, કેટલાક લોકો આવું લખે છે. અને દરેક જણ શાસક પક્ષ સાથે જોડાયેલા રહેવા માંગે છે.'

ગડકરીએ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને PM નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો ભારત લોકશાહીની માતા છે. આ વિશેષતાને કારણે આપણી લોકશાહી શાસન વ્યવસ્થા વિશ્વ માટે આદર્શ છે. તેમણે કહ્યું કે, રાજકારણીઓ આવે છે અને જાય છે, પરંતુ તેઓએ તેમના મતવિસ્તારના લોકો માટે જે કામ કર્યું છે તે આખરે મહત્વનું છે અને તેમને સન્માન મળે છે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના લોકસભા સભ્ય શશિ થરૂર અને બીજુ જનતા દળના રાજ્યસભા સભ્ય સસ્મિત પાત્રાને વર્ષના શ્રેષ્ઠ સંસદસભ્યના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બહુજન સમાજ પાર્ટી (BSP)ના સસ્પેન્ડેડ લોકસભા સભ્ય દાનિશ અલી અને CPI(M)ના રાજ્યસભા સભ્ય જોન બ્રિટાસને શ્રેષ્ઠ નવા સાંસદનો એવોર્ડ મળ્યો.

આ સમારોહમાં BJP સાંસદ મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અકાલી દળના સાંસદ હરસિમરત કૌર અને BJP સાંસદ સરોજ પાંડેને વર્ષની શ્રેષ્ઠ મહિલા સંસદસભ્યનો એવોર્ડ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp