લસણના ભાવ આસમાને છે, ચોરોએ દુકાનના તાળા તોડી 8 બોરીની ચોરી કરી
લસણના વધતા ભાવથી સામાન્ય ગ્રાહકો પરેશાન છે. એક મહિનામાં લસણના ભાવમાં બે વખત વધારો થયો છે, જેના કારણે લસણ 300 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે. વધતા જતા ભાવ વચ્ચે અજાણ્યા ચોરોએ ઉત્તર પ્રદેશના મહોબામાં શાકભાજી માર્કેટમાં ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ દુકાનનું શટર તોડી રૂ.60 હજારની કિંમતનું લસણની 8 બોરીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહોબામાં ઠંડી વધવાની સાથે ચોરીના બનાવો પણ વધવા લાગ્યા છે.
દુકાનદારે માલની ગણતરી કરીને તપાસ કરી તો લસણની 8 બોરીઓ ગાયબ મળી આવી હતી. દુકાનમાં ચોરીની ઘટના અંગે પીડિત દુકાનદારે લેખિત ફરિયાદ આપી શહેર કોતવાલી પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરીની આ ઘટના શહેરના કિરત સાગર વિસ્તારમાં ચાલતા હોલસેલ શાક માર્કેટમાં બની હતી. જ્યાં વધતી ઠંડી વચ્ચે અજાણ્યા ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ મોસમી ચોરો સક્રિય બન્યા છે, જેઓ કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી આસાનીથી ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસના ડર વગર ચોરો લસણની ચોરી કરીને ભાગી ગયા હતા. એવું કહેવાય છે કે, બટાકા, ડુંગળી અને લસણના જથ્થાબંધ વિક્રેતા મોહમ્મદ ઈમરાન જ્યારે શાકમાર્કેટમાં પોતાની દુકાન ખોલી તો તેને દુકાનનું શટર તૂટેલું જોવા મળ્યું. ત્યારપછી દુકાનમાં રાખેલ માલસામાનની સરખામણી કરવામાં આવતાં લસણની આઠ બોરીઓ ગાયબ હોવાનું જણાયું હતું. જેની બજાર કિંમત આશરે 60 હજાર રૂપિયા છે. આ જોઈને દુકાનદારના હોશ ઉડી ગયા.
શાકમાર્કેટમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. પીડિત દુકાનદારનું કહેવું છે કે, શાકમાર્કેટમાં દારૂડિયા અને ગુંડા તત્વો ફરતા રહે છે, જેના કારણે આ ચોરીની ઘટના બની હતી. આવી સ્થિતિમાં શાકભાજી વેચનારાઓ સલામતીને લઈને ચિંતિત છે. દુકાનદારે પોલીસને જાણ કરી ફરિયાદ પણ નોંધાવી છે.
શાકભાજીના વેપારીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરી છે. જથ્થાબંધ શાકભાજી વિક્રેતા મોહમ્મદ ઈમરાને જણાવ્યું કે, તેનું 60 હજાર રૂપિયાનું લસણ ચોરાઈ ગયું છે અને તેણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે. મહોબા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, શાકમાર્કેટમાંથી લસણની ચોરીની ફરિયાદ મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ચોરો પકડાઈ જશે અને લસણ રિકવર થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp