હર્ષિત બની શાહબાઝે ભારતીય સેનામાં મેજર છે કહી 24 છોકરીને શિકાર બનાવી, અમદાવાદ...
તે દિવસ હતો 31મી ઓગસ્ટ 2024. અમદાવાદ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં મુસાફરની બેગ ચોરાઈ હોવાના સમાચાર પોલીસને મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. CCTV કેમેરા સ્કેન કરવામાં આવ્યા હતા અને એક ફૂટેજમાં ચોર દેખાયો હતો. બેગ ચોરનાર યુવક આ ટ્રેનનો મુસાફર હતો. હવે પોલીસે ફૂટેજ દ્વારા ટ્રેનમાં તેની સીટની તપાસ કરી અને રિઝર્વેશન ચાર્ટ પરથી જાણવા મળ્યું કે, આ સીટ હર્ષિત ચૌધરીના નામે બુક કરવામાં આવી હતી. બેગની ચોરી કરીને હર્ષિત ફરાર થઈ ગયો હતો. પોલીસે રિઝર્વેશન ચાર્ટમાંથી તેનો નંબર કાઢ્યો અને ફોનને સર્વેલન્સ પર મૂક્યો. નંબરનું લોકેશન દેશની રાજધાની દિલ્હીમાં મળી આવ્યું હતું.
તાત્કાલિક અમદાવાદ પોલીસની એક ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી. લોકેશના આધારે હર્ષિત ચૌધરીની તલાશી લેવામાં આવતા તે એક બારમાં દારૂ પીતો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે બેગની ચોરી અંગે તેની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે ભારતીય સેનામાં મેજર છે. તેણે પોલીસકર્મીઓને પણ દબડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને શંકા ગઈ અને તેણે ભારતીય સેના પાસેથી તેના વિશે માહિતી માંગી. જવાબ મળ્યો કે, ભારતીય સેનાના સંબંધિત યુનિટમાં હર્ષિત ચૌધરી નામનો કોઈ મેજર નથી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી અમદાવાદ લઈ આવી હતી.
હર્ષિત ચૌધરીને અમદાવાદ લાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એક એવી સ્ટોરી બહાર આવી જેણે પોલીસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા. એક દૈનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ બેગ ચોરીના આરોપમાં ઝડપાયેલા હર્ષિત ચૌધરીનું સાચું નામ મોહમ્મદ શાહબાઝ હોવાનું બહાર આવ્યું છે. શાહબાઝે હર્ષિત ચૌધરીના નામે આર્મી ID કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હતી. પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે, શાહબાઝ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાનો રહેવાસી છે અને તે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો. અમદાવાદ પોલીસ તેને અલીગઢ લાવીને પણ પૂછપરછ કરી હતી.
જ્યારે તેના મોબાઈલની તપાસ કરવામાં આવી તો પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. તેમાં 24 અલગ-અલગ મહિલાઓના ફોટા અને વીડિયો હતા. શાહબાઝે કબૂલાત કરી હતી કે, તે આર્મી ઓફિસર હોવાનો ઢોંગ કરીને અને લગ્નનું વચન આપીને હિન્દુ છોકરીઓને ફસાવતો હતો. તે તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો અને પછી તેમની પાસેથી પૈસા પડાવતો. છેલ્લા ત્રણ મહિનામાં શાહબાઝે 24 છોકરીઓને હર્ષિત ચૌધરી તરીકે ઓળખ આપીને પોતાની જાળમાં ફસાવી છે. તે છોકરીઓને ફસાવવા માટે નકલી આધાર કાર્ડ અને આર્મી ID કાર્ડનો ઉપયોગ કરતો હતો.
શાહબાઝે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે ખાસ કરીને નોકરી કરતી છોકરીઓને નિશાન બનાવતો હતો. તે સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા આવી છોકરીઓની શોધ કરતો હતો. 31 ઓગસ્ટના રોજ પણ તે યુવતીના પરિવારને મળવા વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદ ગયો હતો. જોકે, અહીં એક સીટ પર રાખેલી બેગ જોઈને તેણે પોતાનો ઈરાદો બદલ્યો અને ચોરી કરી લીધી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, શાહબાઝ 2015માં સેનાના 8 રાજરીફ દિલ્હી યુનિટમાં જોડાયો હતો. જો કે, જમ્મુ અને કાશ્મીર અને ત્યાર પછી ઉત્તર સિલીગુડીમાં તેની પોસ્ટિંગ દરમિયાન અનુશાસનહીનતાને કારણે જૂન 2024માં તેને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે તે આર્મી ઓફિસરની જેમ વાત કરવામાં હોશિયાર હતો.
જેમ જેમ પોલીસે શાહબાઝ પર પકડ મજબૂત કરી છે તેમ તેમ કેટલાક વધુ ખુલાસા સામે આવવા લાગ્યા છે અને આ દરમિયાન ઝારખંડની એક મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે શાહબાઝે તેની સાથે લગ્ન કર્યા છે. મહિલાએ જણાવ્યું કે, તે એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા શાહબાઝને મળી હતી, પરંતુ તેણે તેનું નામ હર્ષિત ચૌધરી હોવાનું જણાવ્યું હતું. ઓળખ તરીકે તેણે મહિલાને તેનું આર્મી ID કાર્ડ અને આધાર કાર્ડ પણ મોકલ્યું હતું. આ પછી, માર્ચ 2023માં, તેણે અલીગઢના એક મંદિરમાં મહિલા સાથે લગ્ન કર્યા. જોકે, લગ્ન પછી તેનું વર્તન બદલાઈ ગયું અને તેણે મહિલા સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે, શાહબાઝ પહેલેથી જ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp