હરિયાણા સરકારે કોઈ ઘટના બની નથી તેમ છતા આ જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દીધું
બ્રજ મંડળની યાત્રા પહેલા હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. નૂહમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
હરિયાણામાં બ્રજ મંડળ યાત્રાને લઈને નાયબ સિંહ સૈની સરકાર એલર્ટ પર છે. આના સંદર્ભે, હરિયાણા સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી નુહમાં મોબાઇલ ઇન્ટરનેટ અને બલ્ક SMS સેવા 24 કલાક માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. હરિયાણા સરકારના ગૃહ વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. ગયા વર્ષે બ્રજ મંડળની શોભાયાત્રા દરમિયાન નૂહમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. એટલે હરિયાણા સરકારે પાણી પહેલા પાળ બાંધી દીધી છે.
હરિયાણાના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અનુરાગ રસ્તોગીના આદેશ અનુસાર, જિલ્લામાં ઈન્ટરનેટ સેવા રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધી સ્થગિત રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે નુહ જિલ્લામાં તણાવ, વિવાદ, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન અને જાહેર શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાની સંભાવના છે.
સોમવારે હરિયાણાના નૂહમાં સોમવારે યોજાનારી બ્રજમંડળ જળાભિષેક યાત્રામાં હાથિન વિસ્તારના 500થી વધુ લોકો ભાગ લેશે. તેની તૈયારીઓ માટે લાલદાસ મંદિરમાં હિન્દુ સંગઠનોની બેઠક યોજાઈ હતી. હાથિનના ભક્તો 30 નાના વાહનો અને બે મોટી બસોમાં નૂહના ધાર્મિક સ્થળો માટે રવાના થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બજરંગ દળના પ્રાંતીય સંયોજક ભારત ભૂષણ શર્મા, બિજેન્દ્ર શાસ્ત્રી, રવિન કુમાર, નકુલ, નરેન્દ્ર શર્મા, પૂર્વ બાર એસોસિએશનના પ્રમુખ નરેશ શર્મા, મોતીરામ શર્મા, સુરેશ ચંદ સાધ, ઓમપ્રકાશ રાકેશ ગર્ગ વગેરે હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરે દ્વારા ખોટી માહિતી અને અફવાઓના ફેલાવાને રોકવા માટે પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન, નૂહ પોલીસે જણાવ્યું હતું કે યાત્રાના સુચારૂ સંચાલન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
નૂહ પોલીસે આ શોભાયાત્રા માટે પુરી તૈયારી કરી લીધી છે. 22 જુલાઇએ જળાભિષેક સૌથી પહેલાં નૂહના નલેશ્વર મંદિરમાં પહોંચશે, ત્યાંથી ફિરોઝપુર જિરકામાં આવેલા પાંડવ કાલિન શિવ મંદિર અને છેલ્લે શ્રૃંગેશ્વર મહાદેવ મંદિર સિંગારમાં પહોંચીના યાત્રાનું સમાપન કરવામાં આવશે.
ગયા વર્ષના રમખાણને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક કરી દેવામાં આવી છે. બ્રજ મંડળ યાત્રાની આખી વીડિયોગ્રાફી કરવામાં આવશે અને ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. પોલીસે કહ્યું છે કે, યાત્રામાં સામેલ થનારા લોકો હથિયાર, લાઠી સાથે નહીં રાખી શકશે અને જોરથી મ્યુઝીક પણ નહીં વગાડી શકશે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો આખી શોભાયાત્રા દરમિયાન તૈનાત રહેશે. આ વખતે પહાડ પર પણ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp