હરિયાણાની જીતે BJP-RSS વચ્ચેનું અંતર ઓછું કર્યું, હવે વારો મહારાષ્ટ્ર-ઝારખંડનો

PC: aajtak.in

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત BJP માટે ઘણા મોરચે અસરકારક સાબિત થઈ છે. એક તો મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભગવા પક્ષ અગ્રણી સ્થાને આવ્યો, બીજું તેણે પક્ષ અને સંઘ વચ્ચેનું અંતર ઘટાડવાનું પણ કામ કર્યું. અગાઉ એવી ચર્ચા હતી કે BJP અને RSS વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. પરંતુ, હરિયાણામાં BJPને હેટ્રિક ફટકારવામાં પાયાના સ્તરે સંઘ પરિવારની મહેનતે મોટો ફાળો આપ્યો. આનાથી BJP અને RSS વચ્ચેની પરસ્પર નિર્ભરતાની પુષ્ટી થઈ. હવે બંનેનું ધ્યાન મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પર છે. પક્ષ અને સંઘ બંનેનું મનોબળ વધ્યું છે અને તેઓ વધુ સારા ચૂંટણી પરિણામો આપવાની દિશામાં કામ કરી શકે છે.

ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના મથુરામાં સંઘની અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠક મળી હતી. આ દરમિયાન RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ ભારપૂર્વક કહ્યું હતું કે, સંઘ અને BJP વચ્ચે બધું બરાબર છે. હકીકતમાં, લોકસભા ચૂંટણી પહેલા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું હતું કે, પાર્ટીને તેના કામકાજ ચલાવવા માટે RSSની જરૂર નથી, કારણ કે તે હવે પોતાના દમ પર સક્ષમ છે. એવું કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીના ટોચના નેતાના આ નિવેદનથી BJP અને RSS વચ્ચેની તિરાડ વધી ગઈ છે. જો કે, થોડા સમય પછી હોસાબલેએ આવી બાબતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, સંઘે નડ્ડાના નિવેદનની ભાવનાને સમજી છે અને તે કોઈ તણાવનું કારણ નથી.

લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સંઘ પર આપવામાં આવેલા નિવેદન પર દત્તાત્રેય હોસાબલેને સવાલ કરવામાં આવ્યા હતા. તણાવનો દાવો કરતા અહેવાલો પર, તેમણે કહ્યું, 'અમે એક જાહેર સંસ્થા છીએ. અમારો કોઈપણ પક્ષ સાથે કોઈ વિવાદ નથી. ચોક્કસપણે BJP તરફથી તો નથી જ, કારણ કે અમે એવું કંઈ વિચારતા જ નથી. અમે બધાને મળીએ છીએ. અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી.' તેમણે કહ્યું કે, અમારે શા માટે નફરત કરાવી જોઈએ? ઊલટું હું કહું છું કે, જેઓ નફરતના બજારમાં પ્રેમની દુકાન ચલાવવા માગે છે તેઓ અમને મળવા જ નથી માંગતા.

BJPના નેતાઓ ભારપૂર્વક કહે છે કે, પાયાના સ્તરે પક્ષ અને સંઘના કાર્યકરો વચ્ચે કોઈ તણાવ નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલો આંચકો બંને પક્ષો માટે આંખ ખોલનારો હતો. તેઓએ ફરી એકવાર સાથે આવવાની જરૂરત અનુભવી. આ દિશામાં કામ પણ કરવામાં આવ્યું હતું અને હરિયાણાની ચૂંટણીમાં મળેલી જીતથી તેની પુષ્ટિ થઈ હતી. આનાથી સાબિત થયું કે, સંસ્થા અને તેમનું નેટવર્ક હજુ પણ ચૂંટણીમાં પરિવર્તન લાવી શકે છે. તાજેતરના સમયમાં રાંચી, પલક્કડ અને દિલ્હીમાં RSSની બેઠકો યોજાઈ હતી. આ દરમિયાન સંબંધો અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સંઘ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું, 'બંને વચ્ચે ક્યારેય કોઈ વૈચારિક સંઘર્ષ નહોતો, માત્ર કાર્યાત્મક મુશ્કેલીઓ હતી. આનો મહદઅંશે ઉકેલ આવી ગયો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp