2 પત્ની 8 બાળકોના પિતા મંત્રીની સલાહ 'ખૂબ બાળકો પેદા કરો, PM મોદી ઘર આપશે'
રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ બુધવારે ખૂબ જ ખરાબ સલાહ આપી છે. તેમણે લોકોને વધુ બાળકો પેદા કરવા કહ્યું છે. એટલું જ નહીં, તેમણે ખાતરી આપી છે કે કોઈ સમસ્યા નહીં થાય, કારણ કે PM નરેન્દ્ર મોદી તેમને રહેવા માટે છત આપશે.
રાજસ્થાનના આદિજાતિ વિસ્તાર વિકાસ મંત્રી ખરાડીએ કહ્યું કે, PM મોદીનું સપનું છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે અને તેના માથા પર છત ન હોય. અહીં તમને જણાવી દઈએ કે, ખરાડીને બે પત્નીઓ અને 8 બાળકો છે જેમાં 4 પુત્ર અને 4 પુત્રીઓ છે. આખો પરિવાર દયાપુરના કોટડા તાલુકાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર નીચલા થાલા ગામમાં રહે છે. ખરાડી માટીના મકાનો (કેલુપોસ)માં રહે છે. તેમની સાદગીની ચર્ચા આ પહેલા પણ ઘણી વખત થઈ ચૂકી છે.
ખરાડીએ મંગળવારે ઉદયપુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આ વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે, 'PM નરેન્દ્ર મોદીનું સપનું છે કે, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે કે તેના માથા પર છત ન હોય. તમે ખુબ વધારે બાળકો પેદા કરો. PM નરેન્દ્ર મોદી તમને ઘર આપશે, તો પછી વાંધો શું છે? મંત્રી ખરાડીએ આ નિવેદન આપતા જ પ્રેક્ષકોમાં હાજર લોકો હસવા લાગ્યા હતા અને સ્થળ પર હાજર જનપ્રતિનિધિઓ એકબીજાની સામે જોતા જોવા મળ્યા હતા.
ખરાડીએ લોકોને 2024ની લોકસભા ચૂંટણીમાં ફરીથી PM નરેન્દ્ર મોદીને મત આપવા વિનંતી કરી અને કહ્યું કે, BJPની આગેવાની હેઠળનું કેન્દ્ર વિવિધ જન કલ્યાણના પગલાં રજૂ કરી રહ્યું છે. આ પ્રસંગે CM ભજનલાલ શર્માએ આદિજાતિ વિસ્તાર વિકાસ મંત્રી સાથે મંચ શેર કર્યો હતો. ઉદયપુરના નાઈ ગામમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા શિબિર' માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો.
મંત્રી ખરાડીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રએ LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર હવે ઉજ્જવલા યોજના હેઠળ લોકોને 450 રૂપિયામાં સિલિન્ડર પ્રદાન કરી રહી છે. ખરાડી 2023ની વિધાનસભા ચૂંટણીમાં ઝડોલથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 15મી રાજસ્થાન વિધાનસભા દરમિયાન 2022માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. ખરાડીને તાજેતરમાં રાજ્યમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp