હિંદુ બહેનોએ ઈદગાહ માટે 1.5 કરોડની જમીન દાન આપી દીધી, કહ્યું- પિતાની ઈચ્છા...
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુરમાં બે બહેનોએ ધાર્મિક એકતાની મિસાલ રજૂ કરી છે. આ બંને બહેનોએ પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 1.5 કરોડ રૂપિયાની કિંમતની જમીન ઈદગાહ કમિટીને દાનમાં આપી દીધી છે. સરોજ રસ્તોગી અને અનીતા રસ્તોગીના આ નિર્ણયના મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઈદના અવસર પર ઈદગાહમાં તમામ લોકોએ આ બંને બહેનોના સ્વર્ગવાસી પિતાની આત્માની શાંતિ માટે દુઆ પણ માંગી હતી.
સરોજ રસ્તોગી અને અનીતા રસ્તોગી નામની બે બહેનો પોતાના પરિવારની સાથે દિલ્હીના મેરઠમાં રહે છે. હાલમાં જ બંને બહેનોના સંબંધીઓ પાસેથી તેમને જાણવા મળ્યું કે, તેમના પિતા બૃજનંદન પ્રસાદ રસ્તોગી ઈદગાહની પાસે આવેલી જમીનને દાનમાં આપી દેવા માગતા હતા, જેને કારણે ઈદગાહનો વિસ્તાર થઈ શકે, પરંતુ 2003ના વર્ષમાં બૃજનંદનના અચાનક નિધનથી પરિવારના સભ્યોને તેમની અંતિમ ઈચ્છા વિશે જાણકારી ના મળી શકી અને વાત ત્યાં જ અટકી પડી હતી.
(જમીનના દસ્તાવેજ ઈદગાહ સમિતિને આપ્યા)
પરંતુ, જેવી આ બંને બહેનોને પોતાના પિતાની અંતિમ ઈચ્છા વિશે જાણકારી મળી એટલે તેમણે કાશીપુરમાં રહેતા પોતાના ભાઈ રાકેશ રસ્તોગીને જમીન દાનમાં આપી દેવાની વાત કહી. રાકેશે પણ પિતાની અંતિમ ઈચ્છાનું સન્માન કરતા તે જમીનને દાનમાં આપી દેવા માટે હાં પાડી દીધી હતી. ત્યારબાદ બંને બહેનોએ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને જમીન ઈદગાહ કમિટીને દાનમાં આપી દીધી હતી.
ઈદગાહ કમિટીની સભ્ય હસીન ખાને બંને બહેનો સરોજ રસ્તોગી અને અનીતા રસ્તોગીના વખાણ કરતા કહ્યું હતું કે, સરોજ રસ્તોગી અને અનિતા રસ્તોગી બંને અમારી બહેનો છે. ઈદગાહના વિસ્તાર માટે તેમણે પોતાની ચાર વીંઘા જમીન દાનમાં આપી દીધી છે. આ જમીનની બાઉન્ડ્રી ઈદગાહના પશ્ચિમવાળા રસ્તા સુધી જાય છે. હું સમગ્ર કોમ તરફથી તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આશા રાખુ છું કે, આગળ પણ તમામ ધર્મોના લોકો એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp