કેવી રીતે નક્કી થાય છે,કઈ જગ્યાએ ઉમેદવારનું નામ EVMમાં દેખાશે,જાણો શું છે નિયમો

PC: paytm.com

લોકસભા ચૂંટણી 2024માં આજે એટલે કે સોમવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં લોકો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો માટે મતદાન કરી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ મત આપવા માટે થાય છે. EVM મત આપવામાં અને મત ગણતરીમાં મદદ કરે છે. મતદાન કરતા પહેલા લોકો માટે એ જાણવું જરૂરી છે કે, EVMમાં કયા ઉમેદવારનું નામ પહેલા આવશે અને કોનું નામ પાછળથી આવશે. પરંતુ આ અંગે કોઈ મૂંઝવણ નથી. કારણ કે ચૂંટણી પંચે આ માટે પહેલાથી જ નિયમો અને ધોરણો નક્કી કરી લીધા છે.

EVMમાં ઉમેદવારનું નામ કયા નંબર પર દેખાશે તે, જે તે રાજ્યની ભાષા દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યોમાં સરકારી કામની જે ભાષા હોય છે તેના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે જ ઉમેદવારોના નામ ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો પંજાબમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, તો ઉમેદવારોના નામ ગુરુમુખી લિપિના મૂળાક્ષરો અનુસાર EVMમાં સેટ કરવામાં આવશે. જો તે રાજ્યની ભાષા હિન્દી હશે તો ઉમેદવારોના નામ હિન્દી મૂળાક્ષરો અનુસાર EVMમાં મૂકવામાં આવશે. મેટ્રો શહેરોમાં ઉમેદવારોના નામ હિન્દી અથવા તે રાજ્યની ભાષા સાથે અંગ્રેજીમાં લખવામાં આવે છે, જેથી ત્યાં રહેતા અન્ય રાજ્યોના બિન-હિન્દી ભાષી મતદારો પણ ઉમેદવારોના નામ સરળતાથી વાંચી શકે.

રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોના નામ સૌથી પહેલા EVMમાં નાખવામાં આવે છે. તે પછી રજિસ્ટર્ડ માન્યતા પ્રાપ્ત પક્ષોના ઉમેદવારોના નામ આવે છે. રજિસ્ટર્ડ અપ્રમાણિત પક્ષોના ઉમેદવારોના નામ તેના પછી ત્રીજા નંબરે રાખવામાં આવે છે. આ પછી અપક્ષ ઉમેદવારોના નામ રહેતા હોય છે. છેલ્લે, NOTAનો વિકલ્પ મતદારો માટે રાખવામાં આવ્યો છે. ઉમેદવારોના નામ ચૂંટણી પંચના નિયમો મુજબ તમામ ભાગોમાં સમાન રીતે મૂકવામાં આવશે.

એક EVMમાં વધુમાં વધુ 64 ઉમેદવારોના નામ લખી શકાય છે. એટલે કે એક EVM વડે 64 ઉમેદવારો માટે મતદાન થઈ શકશે. ખરેખર, એક યુનિટમાંથી 16 ઉમેદવારો માટે મતદાન થઈ શકે છે. એક કંટ્રોલ યુનિટ સાથે ચારથી વધુ બેલેટ યુનિટ જોડી શકાતા નથી. જો કોઈ મતવિસ્તારમાં 64થી વધુ ઉમેદવારો હોય તો ત્યાંનું ચૂંટણી પંચ EVMની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરાવવાનો નિર્ણય લઈ શકે છે.

એક EVMમાં 3840 મત પડી શકે છે. ભારતમાં સ્થાપિત મતદાન કેન્દ્રો અથવા બૂથમાં, એક કેન્દ્રમાં મહત્તમ 1500 મતો જ પડે છે. વધુ મતદારોના કિસ્સામાં બીજું બૂથ બનાવવામાં આવે છે. EVMની ક્ષમતાને ધ્યાનમાં લેતા, એક કેન્દ્ર માટે એક મશીન પર્યાપ્ત છે.

1982માં પહેલીવાર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઝાદી પછી 70ના દાયકા સુધી ચૂંટણી પંચ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવતું હતું. કેરળના પરાવુર વિધાનસભા ક્ષેત્રના 50 મતદાન મથકો પર સૌપ્રથમ EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી હારી ગયેલા E.C. જોસે EVMથી થયેલું મતદાન અને પરિણામોને કોર્ટમાં પડકાર્યા હતા. કોર્ટે જોસની અરજી સ્વીકારી હતી અને પુનઃ મતદાનનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp