હું હજી મરી નથી, મારું પેન્શન કેમ બંધ કરી દેવામાં આવ્યું છે?: વૃદ્ધ મહિલા
હું હજી મરી નથી, પણ જીવિત છું, છતાં મને મરેલી માનીને મારું પેન્શન કેમ બંધ કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, હવે હું જીવિત છું, તેનુ પ્રમાણ આપવા માટે હું ઘણા આંટા ફેરા મારી ચુકી છું, પરંતુ કોઈ મને જીવિત તરીકે સ્વીકારવા તૈયાર નથી. સાત મહિનાથી પેન્શન ન મળતાં, ફલોદી જિલ્લાની લોહાવત પંચાયત સમિતિની અમલા પંચાયતની રહેવાસી વૃદ્ધા અણચીએ પોતાની આપવીતી કહી સંભળાવી હતી.
અણચીએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2022 પહેલા તેને નિયમિત પેન્શન મળતું હતું. આ પછી જીવિત હોવાની કોઈ ખરાઈ કરવામાં ન આવી, જેના કારણે જવાબદારોએ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર તેને કાગળ પર મૃત જાહેર કરી દીધી. જેના કારણે તેમનું પેન્શન બંધ થઈ ગયું હતું. જ્યારે અણચી પેન્શન ફરીથી ચાલુ કરાવવા માટે બ્લોક ઓફિસ પર પહોંચી, ત્યારે તેને ખબર પડી કે, તે કાગળ પર મૃત છે, ત્યારે જવાબદાર લોકોને પણ આ ભૂલનો અહેસાસ થયો, પરંતુ તેમ છતાં ઓનલાઈન મૃત જાહેર કરાયેલી મહિલાને પુનર્જીવિત કરવામાં આવી રહી નથી. જેના કારણે વૃદ્ધા અણચીના પરિવારમાં સામાજિક સુરક્ષા પેન્શન વિના આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે.
મહિલા અણચીના પતિ ધરુરામે જણાવ્યું કે, લગભગ સાત મહિનાથી હું સામાજિક સુરક્ષા પેન્શન માટે ચક્કર લગાવી રહ્યો છું. અમારા પરિવારમાં પેન્શન જ એકમાત્ર જીવનનિર્વાહનું સાધન હતું. જ્યાં સુધી પંચાયત તરફથી પેન્શન મળતું હતું, ત્યાં સુધી બધું બરાબર રહ્યું હતું, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બર પછીથી પેન્શન મળતું બંધ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, ઓનલાઈન પેન્શન દસ્તાવેજોમાં 9 જૂને અણચીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
E મિત્ર સંચાલક રાણુલાલે કહ્યું કે, 'પેન્શન ધારક મહિલા અણચી હજી જીવિત છે. પરંતુ, સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે. મહિલાનું સિસ્ટમ પેન્શન વેરિફિકેશન કરતાં જાણવા મળ્યું કે, અણચી દેવીને પંચાયત સમિતિ લોહાવત દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે.'
વિકાસ અધિકારી, હેમારામે જણાવ્યું કે, 'અત્યારે હું બ્લોક હેડક્વાર્ટરની બહાર છું. આ બાબત મારા ધ્યાનમાં નથી. આ અંગે માહિતી મેળવીને આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. માત્ર ગ્રામ સેવકો જ તેમની સંબંધિત પંચાયતોમાંથી પેન્શન મોકલે છે. પેન્શન ચેકિંગ કરનારો ઑપરેટર આજે અહીં ઉપલબ્ધ નથી, તે આવ્યા પછી ચેક કરાવી લઈશું. મહિલાને તેમનો અધિકાર ચોક્કસ મળશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે સામાજિક ન્યાય વિભાગે નિયમો કડક બનાવ્યા છે. હવે પેન્શનની ખરાઈ કરવા માટે OTCની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે અને પેન્શનધારકે E મિત્ર ખાતે રૂબરૂ હાજર થઈને ફિંગર પ્રિન્ટ દ્વારા પેન્શનની ખરાઈ કરાવવી પડશે. વૃદ્ધો પણ વેરિફિકેશન કરાવવા માટે E મિત્ર સુધી પહોંચી રહ્યા છે, પરંતુ ઉંમરના આ તબક્કે આંગળીઓમાંથી ફિંગરપ્રિન્ટ ગાયબ થઈ રહ્યા છે. રાજ્યના લાખો વડીલોને વિભાગની નવી વ્યવસ્થાનો માર સહન કરવો પડી રહ્યો છે, કારણ કે ઉંમરના આ તબક્કે તેમના હાથ પરની રેખાઓ ગાયબ થઈ ગઈ છે, જેના કારણે તેઓ પેન્શન માટે ફિંગરપ્રિન્ટ દ્વારા વેરિફિકેશન કરાવી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp