પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટ કડક, ખાલી માફી નહીં ચાલે, સજા મળશે, તૈયાર રહો

PC: lalluram.com

પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG)એ કહ્યું કે, અમે આ મામલે સૂચન કર્યું છે કે, બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે, આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે.

જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, 'તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો, કોણે તૈયાર કર્યું? હું આશ્ચર્ય ચકિત છું.' જસ્ટિસ કોહલીએ કહ્યું કે, 'તમારે આવું સોગંદનામું ન આપવું જોઈતું હતું.' તેના પર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, ભૂલ! બહુ ટૂંકો શબ્દ. કોઈપણ રીતે અમે આ અંગે નિર્ણય લઈશું. કોર્ટે કહ્યું કે, અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમારા આદેશ પછી પણ? અમે આ મામલે આટલા ઉદાર બનવા માંગતા નથી. અમે એફિડેવિટને ફગાવી રહ્યા છીએ, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે આંધળા નથી! અમે બધું જોઈ શકીએ છીએ. આના પર મુકુલ રોહતગીએ કહ્યું કે, લોકોથી ભૂલો થતી હોય છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું, પછી જેઓ ભૂલ કરે છે તેમને ભોગવવું પણ પડે છે. ત્યારે તેમને તકલીફ ઉઠાવવી પડે છે. અમે આ મામલે એટલા ઉદાર બનવા માંગતા નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, 'આ ત્રણ ડ્રગ લાયસન્સિંગ અધિકારીઓને હમણાં સસ્પેન્ડ કરો. આ લોકો તમારા નાકની નીચે પ્રભુત્વ ધરાવે છે, શું તમે આ સ્વીકારો છો? આયુર્વેદ દવાઓનો બિઝનેસ કરતી તેનાથી જૂની કંપનીઓ પણ છે. કોર્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેઓ કહે છે કે, જાહેરાતનો હેતુ લોકોને આયુર્વેદિક દવાઓ સાથે જોડાયેલા રાખવાનો છે, જાણે કે તેઓ વિશ્વમાં આયુર્વેદિક દવાઓ લાવનાર પ્રથમ વ્યક્તિ છે.'

કોર્ટે કહ્યું, અમને રિપોર્ટ આપો, જેમાં 3 નોટિસ આપવામાં આવી હતી, તે પછી શું કાર્યવાહી કરવામાં આવી? ડ્રગ્સ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર મિથિલેશ કુમારને હિન્દીમાં ફટકારતા કોર્ટે કહ્યું, 'તમને શરમ આવવી જોઈએ.' તમે કયા આધારે કહ્યું કે ગુનેગારોને ચેતવણી આપવામાં આવશે? આ બાબતે તમે કયા કાનૂની વિભાગ અથવા એજન્સીની સલાહ લીધી? અમે હિન્દીમાં આનાથી વધુ સમજાવી શકતા નથી. તમારી સામે પગલાં કેમ ન લેવા જોઈએ? તમે પણ આમાં સંડોવાયેલા હતા એવું કેમ માનતા નથી? તમે એક્ટમાં જોયા વગર ચેતવણીની વાત લખી હતી, એક્ટમાં ચેતવણીની વાત ક્યાં છે? લોકો મરતા રહે, તમે ચેતવણી આપતા રહો છો, તમે ઘણું કામ કર્યું છે, હવે ઘરે બેસો. તમને બુદ્ધિ નથી આવી.'

આ દરમિયાન એક વ્યક્તિએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, મારી માતાએ આ જાહેરાત પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થયો નથી. કોર્ટે તે અરજીને દસ હજાર રૂપિયાના દંડ સાથે ફગાવી દીધી હતી. જસ્ટિસ કોહલીએ કહ્યું, તમે હેડલાઇન્સ બનવા માટે કોર્ટમાં વચ્ચે આવી રીતે ઝંપલાવ્યું અને આવી અરજી કેમ દાખલ કરી? આ ખોટા ઈરાદાથી દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પક્ષકાર બનવાની માંગ કરનાર જયદીપ નિહારેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, અરજદારની અરજી સાંભળવા યોગ્ય નથી. કોર્ટે આદેશ આપ્યો કે, 10,000 રૂપિયાનો દંડ એક સપ્તાહની અંદર એડવોકેટ વેલફેર ફંડમાં ભરવાનો રહેશે. કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, 2019માં તમારી માતાનું અવસાન થયું, તમે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp