'સરકારી યોજનાને અસર', BJP MPએ કહ્યું- સિમેન્ટના ભાવ વધારા પર સરકાર હસ્તક્ષેપ કરે

PC: x.com/brijmohan_ag

BJPના વરિષ્ઠ નેતા અને સાંસદ બ્રિજમોહન અગ્રવાલે છત્તીસગઢમાં સિમેન્ટના ભાવમાં ઝડપી વધારાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, સિમેન્ટ ઉત્પાદકોના આ પગલાને તાત્કાલિક રોકવાની જરૂર છે. તેમણે કહ્યું કે, બેગ દીઠ રૂ. 50નો વધારો રસ્તાઓ, ઇમારતો, પુલ, શાળાઓ, કોલેજો અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના માળખાકીય પ્રોજેક્ટને અસર કરશે. BJP સાંસદે છત્તીસગઢ અને કેન્દ્ર સરકારને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

બ્રિજમોહન અગ્રવાલે 6 સપ્ટેમ્બરના રોજ CM વિષ્ણુદેવ સાંઈ, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય સ્પર્ધા પંચને લખેલા પત્રમાં આ મુદ્દાને હાઈલાઈટ કર્યો હતો. પત્રમાં તેમણે લખ્યું છે કે, 'છત્તીસગઢ ખનિજો, આયર્ન, કોલસા અને ઉર્જા સંસાધનોમાં સમૃદ્ધ રાજ્ય હોવા છતાં, સિમેન્ટ ઉત્પાદકોએ એક કાર્ટેલ બનાવ્યું છે અને 3 સપ્ટેમ્બરથી કિંમતોમાં ભારે વધારો કર્યો છે.'

તેમણે કહ્યું કે, સિમેન્ટ કંપનીઓનું વલણ છત્તીસગઢના નિર્દોષ લોકોને 'લૂંટવા'નું બની ગયું છે. સરકારે સિમેન્ટ ઉત્પાદકો સામે કડક પગલાં લેવાની જરૂર છે. સિમેન્ટ કંપનીઓને રાજ્યમાં ખાણો, કોલસો, ઉર્જા, સસ્તી વીજળી અને સસ્તી મજૂરી ઉપલબ્ધ છે, જ્યાં તેઓ તમામ સંસાધનોનું શોષણ કરી રહી છે.

BJP નેતાએ કહ્યું કે, કાચા માલથી લઈને ઉર્જા સુધી, ઉત્પાદન માટે જરૂરી દરેક વસ્તુ તેમને ઓછા દરે ઉપલબ્ધ છે. છત્તીસગઢમાં દર મહિને લગભગ 30 લાખ ટન (6 કરોડ બેગ) સિમેન્ટનું ઉત્પાદન થાય છે. 3 સપ્ટેમ્બર પહેલા સિમેન્ટની પ્રતિ થેલીની કિંમત 260 રૂપિયાની આસપાસ હતી જે વધારીને 310 રૂપિયાની આસપાસ કરવામાં આવી છે. એ જ રીતે, સરકારી અને લોક કલ્યાણના પ્રોજેક્ટ માટે સિમેન્ટ હવે પ્રતિ થેલી રૂ. 260ના ભાવે ઉપલબ્ધ થશે, જે અગાઉ રૂ. 210 પ્રતિ થેલી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, સિમેન્ટના ભાવમાં રૂ. 50 પ્રતિ થેલીનો અચાનક વધારો થવાથી રસ્તાઓ, ઇમારતો, પુલ, નહેરો, શાળાઓ, કોલેજો, આંગણવાડી ઇમારતો અને ગરીબો માટેની PM આવાસ યોજના સહિતના માળખાકીય પ્રોજેક્ટને અસર થશે. તમામ સરકારી પ્રોજેક્ટની કિંમત વધશે અને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવાનું મુશ્કેલ બનશે, જે રાજ્ય અને દેશના હિતમાં નથી. પૂર્વ રાજ્ય મંત્રીએ છત્તીસગઢ અને કેન્દ્ર સરકારને વિનંતી કરી કે, તેઓ સિમેન્ટ કંપનીઓની તાત્કાલિક બેઠક બોલાવે અને તેમને ભાવ વધારો પાછો ખેંચવા કહે, જેથી રાજ્યના લોકોને રાહત મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp