હરિયાણામાં કેમ હાર્યું કોંગ્રેસ, રાહુલ ગાંધીએ જણાવ્યું કારણ
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસમાં સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. હરિયાણામાં હાર પછી આજે કોંગ્રેસ નેતૃત્વએ રાજ્યના નેતાઓ સાથે તેની પ્રથમ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી.
સંગઠન મહાસચિવ K.C. વેણુગોપાલ, હરિયાણા પ્રદેશ પ્રમુખ ઉદય ભાન, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પ્રભારી દીપક બાબરિયા, હરિયાણા સુપરવાઈઝર અશોક ગેહલોત, અજય માકન, પ્રતાપ સિંહ બાજવાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે નેતાઓએ ચૂંટણીમાં અંગત હિતોને ઉપર રાખ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આખી ચૂંટણીમાં પાર્ટીનું હિત બીજા નંબર પર રહ્યું અને નેતાઓનું હિત તેના પર છવાઈ ગયું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામોની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
બેઠક પૂરી થયા પછી અજય માકને કહ્યું કે, પરિણામો ચોંકાવનારા અને અણધાર્યા હતા. તેમણે કહ્યું, 'આજે અમે એક બેઠક કરી અને હરિયાણામાં હારના કારણો પર ચર્ચા કરી. અમે અમારું વિશ્લેષણ ચાલુ રાખીશું... KC વેણુગોપાલ તમને પછીથી જણાવશે કે, આગળ શું પગલાં લેવામાં આવશે.'
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મીટિંગમાં કુમારી શૈલજા, રણદીપ સુરજેવાલા, કેપ્ટન અજય યાદવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
અગાઉ, ટ્વિટર પરની એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ કથિત EVM ખરાબી સામે 'ફરિયાદ' નોંધાવવાના પ્રયાસમાં ચૂંટણી પંચ સાથે સંભવિત બેઠકનો સંકેત આપ્યો હતો.
તેમણે X પર લખ્યું, 'અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.'
અહીં તમને જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJPએ 90માંથી 48 સીટો પર જંગી બહુમતી મેળવી છે. જ્યારે, દસ વર્ષથી સત્તામાં રહેલા BJP સામે સત્તા વિરોધી લહેરનો લાભ લેવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ 37 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ સિવાય INLDને 2 બેઠકો મળી છે. ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જોકે તેમણે હાઈકમાન્ડને મળ્યા પછી BJPને સમર્થન આપવાનું જાહેર કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp