રાજ્યસભામા મમતા દીદીના સાંસદે IT મંત્રી પાસેથી પેપર છીનવી ફાડી નાંખ્યા, Video

PC: navbharattimes.indiatimes.com

સંસદના ઉપલા ગૃહ રાજયસભામાં ત્યારે ભારે હંગામો મચી ગયો જયારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી(TMC)ના સાંસદે આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપરો છીનવી લીધા હતા અને ફાડી નાંખ્યા હતા. જુદા જુદા મુદ્દાઓ પર વિપક્ષોના હંગામાને કારણે સંસદની કાર્યવાહીમાં સતત ત્રીજા દિવસે પણ વિક્ષેપ પડયો હતો. 3 કેન્દ્રીય કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ લોકસભામાં હંગામો કર્યો હતો જેને કારણે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી. દેશના રાજકારણના વરવાં દ્રશ્યો બનેં ગૃહોમાં જોવા મળી રહ્યા છે.

તો બીજી તરફ રાજયમાં કોવિડ-19 મહામારીની બીજી લહેર વખતે ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતને લઇને હંગામો ચાલું રહ્યો હતો. જેને કારણે સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે અટકાવી દીધી હતી.હવે ઉપલા ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે 11 વાગ્યે ફરી શરૂ થશે.

રાજયસભામાં આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ કથિત પેગાસસ જાસૂસી પર પોતાનું નિવેદન આપવા ઉભા થયા ત્યારે વિપક્ષોએ ભારે શોરબકોર મચાવી દીધો હતો. આ વચ્ચે ટીએમસીના સાંસદે તેમના હાથમાંથી કોપી છીનલી લીધી હતી અને ગૃહમાં જ બધાની સામે ફાડી નાંખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસી સાંસદ શાંતનુ સેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ગૃહમાં બીજેપીના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ ટીએમસીના વલણને બેહદ નિરાશાજનક હોવાનું કહ્યું હતું. ટીએમસી સાંસદ શુભેન્દુ રોયે સંસદની બહાર મીડિયાના સવાલના જવાબ આપ્યા ન હતા.

દાસગુપ્તાએ કહ્યું હતું કે વિપક્ષને સવાલ પુછવાનો અધિકાર છે, પરંતુ ચર્ચાને બદલે ગૃહની અંદર અને બહાર આ રીતનો માત્ર હંગામો જ જોવા મળ્યો. આ બિલકુલ નિયમોની વિરુધ્ધ છે અને મને લાગે છે કે આની ભરપૂર નિંદા થવી જોઇએ. તો ભાજપના અન્ય સાસંદ મહેશ પોદ્દારે પણ પોતાની નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે ટીએમસી તો પશ્ચિમ બંગાળમાં વિપક્ષોની હત્યા અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર  સુધી કરે છે, એટલે સંસદ સભ્ય કઇ પણ કરી શકે છે. પોદ્દારે કહ્યું કે આજે તેમણે પેપર ફાડી નાંખ્યા, કદાચ કાલે કપડાં પણ ફાડી નાંખે તો નવાઇ નહીં લાગશે.

બીજી તરફ કોંગ્રેસ અને કેટલાંક અન્ય પક્ષોના સભ્યોએ કૃષિ કયાદા બાબતે લોકસભામાં હંગામો શરૂ કરતા કાર્યવાહી શરૂ થતાના 10 મિનિટ પછી બપોરે 12 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. છેલ્લાં 3 દિવસથી લોકસભા અને રાજયસભામાં માત્ર હંગામા સિવાય કશું થતું નથી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp