સરકારી હોસ્પિટલના ICUમાં ઉંદર દર્દીની આંખ કોતરી ગયો, દર્દીનું મોત

PC: dainikbhaskar.com

કોરોનાની મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવારમાં લાલીયાવાડીના કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો શરમજનક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. મુંબઈની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીની એક આંખ ઉંદર કોતરી ગયો હતો અને બુધવારના રોજ આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટના મુંબઈની રાજાવાડી હોસ્પિટલની છે. જે દર્દીની આંખ ઉંદર કોતરી ગયો હતો તે દર્દીનું નામ શ્રીનિવાસ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર મુંબઈના કુર્લાના કમાની વિસ્તારમાં 24 વર્ષનો શ્રીનિવાસ તેના પરિવારની સાથે રહેતો હતો. રવિવારના રોજ શ્રીનિવાસને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તેને મુંબઈની રાજાવાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે હોસ્પિટલમાં શ્રીનિવાસની તપાસ કરીને તેને મગજનો તાવ ચડી ગયો હોવાના કારણે અને કિડનીમાં દુખાવો થતો હોવાના કારણે ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવાર ICUમાં દાખલ કર્યા બાદ મંગળવારની રાત્રિના સમયે શ્રીનિવાસની એક આંખ માંથી લોહી નીકળતું હતું. તેથી શ્રીનિવાસના પરિવારના સભ્યોએ આ બાબતે ડૉક્ટરોને માહિતી આપી હતી.

ડૉક્ટરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શ્રીનિવાસની એક આંખ ઉંદરે કોતરી નાખી છે. જેના કારણે પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. ડૉક્ટરની તપાસમાં એવું પણ સામે આવ્યુ હતું કે, ઉંદર માત્ર દર્દીની પાપણો કોતરી ગયો હતો. આંખની અંદર કોઈ પણ પ્રકારની ઈજા થઇ ન હતી અને બુધવારના રોજ સારવાર દરમિયાન શ્રીનિવાસનું મોત થયું હતું.

આ વાત મુંબઈના મેયર કિશોરી પેડણેકરના ધ્યાનમાં આવતા તેમને તપાસના આદેશ આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વરસાદના કારણે ઉંદર હોસ્પિટલના દરવાજાના ગેપમાંથી અંદર આવી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ICU વિભાગ નીચલા માળે હોવા છતાં હોસ્પિટલ ચારેબાજુથી બંધ છે પરંતુ વરસાદના કારણે લગભગ દરવાજાના વચ્ચેના ગેપથી ઉંદર આવી ગયો હશે. આવી ઘટના વારંવાર ન થાય તેના માટે ઉપાય કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ જ પ્રકારની ઘટના ચાર વર્ષ પહેલા શતાબ્દી હોસ્પિટલમાં સામે આવી હતી. તેમાં પણ કોમામાં રહેલા દર્દીની આંખ ઉંદર કોતરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp