UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ‘ભૂત’ને ડ્યૂટી, ક્લાર્ક સસ્પેન્ડ

PC: twitter.com

સરકારી તંત્રમાં કેટલી હદે બેદરકારી કે ફરજ ચૂક થતી હોય છે તેનો એક ગંભીર કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. લગભગ એક મહિના પહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનંદીબેન પટેલ એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ગયા હતા ત્યારે એવું બન્યું હતું કે ચીફ મેડિકલ ઓફિસર(CMO) ઓફિસના કલાર્કે લાંબા સમયથી મૃત એક કર્મચારીની ડ્યુટી ગોઠવી દીધી હતી. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની તપાસ કરવા માટે ફરજ પરની કોઈની નિમણૂક કરવાનું પણ તે ભૂલી ગયો હતો. હવે જ્યારે એક મહિના પછી આખી વાત બહાર આવી ત્યારે CMO ઓફિસના કલાર્કને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. લોલમલોલ પકડાઇ ત્યારે પગલાં લેવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 26 નવેમ્બરે બલિયામા વેલી જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ગયા હતા.ત્યારે એક મૃત કર્મચારીનું નામ ફરજ પર હોવાનું બતાવી દીધું હતું.

ચીફ મેડિકલ ઓફિસર વિજયપત દ્વિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, CMO ઓફિસના કલાર્ક બ્રિજેશ કુમારને શનિવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દ્રિવેદીએ કહ્યુ કે, આઝમગઢના એડિશનલ ડિરેક્ટરની ઓફિસમાંથી આદેશ આપવામાં આવ્યો છે.

વિજયપત દ્વિવેદીએ કહ્યું હતું કે, કલાર્ક બ્રિજેશ કુમારે રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ગંભીર ભૂલ કરી હતી. તેણે રાજ્યપાલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ સોંપી એવું બતાવ્યુ હતું. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે પણ કોઇ કર્મચારી ફરજ પર મુકવામાં આવ્યો નહોતો. બ્રિજેશ કુમાર સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ગંભીર ભૂલ થઇ છે એ વાતની જાણ થયા પછી આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં બ્રિજેશ કુમારની ભૂલ સામે આવી હતી. આવી લોલમલોલ તો અનેક વખત થતી હશે, પરંતુ આ તો ખબર પડી અને પગલાં લેવાયા.

આનંદીબેન પટેલ ભાજપના દિગ્ગજ નેતા છે અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને કારણે તેમણે ખુરશી ગુમાવવી પડી હતી. જો કે આનંદીબેનને એક કડક અને હાજર જવાબી નેતા તરીકે ઓળખવામાં આવે છે.

આનંદીબેન પટેલ તાજેતરમાં ગુજરાતની મુલકાતા આવ્યા હતા ત્યારે તેમણે સ્ટેજ પરથી કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રીએ આ બાબતે સર્વે કરાવવો જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp