જો ભાજપ આવું કરશે તો અરવિંદ કેજરીવાલ BJP માટે પ્રચાર કરશે

PC: etvbharat.com

છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે BJP પર આકરા પ્રહારો કર્યા હતા અને આ દરમિયાન તેમણે દિલ્હીમાં BJP અને કેન્દ્ર સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ. UPમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ તે નિષ્ફળ ગઈ છે.

'જનતા કી અદાલત' કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેજરીવાલે PM મોદીના 10 વર્ષના કાર્યકાળ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આ લોકોએ 10 વર્ષમાં કંઈ કર્યું નથી. PM મોદી આવતા એક વર્ષમાં 75 વર્ષના થઈ જશે, તો ઓછામાં ઓછું કંઈક તો કરીને જાઓ. દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો PM મોદી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા NDA શાસિત 22 રાજ્યોમાં મફત વીજળીની જાહેરાત કરશે તો હું BJP માટે પ્રચાર કરીશ.

દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં 'જનતા કી અદાલત' કાર્યક્રમને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યું, 'હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં BJPની ડબલ એન્જિન સરકારનો અંત આવી રહ્યો છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ આવું જ થશે. લોકો સમજી ગયા છે કે, ડબલ એન્જિનની સરકાર એટલે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર. દિલ્હીની ચૂંટણી આવી રહી છે. દિલ્હીમાં આવીને તેઓ (BJP) કહેશે કે ડબલ એન્જિનની સરકાર બનાવો. પછી તમે પૂછો કે હરિયાણામાં 10 વર્ષ સુધી ડબલ એન્જિનની સરકાર કેમ હતી. તેઓએ શું કર્યું છે કે, લોકો તેમના નેતાઓને તેમના ગામમાં જવા દેતા નથી?'

કેજરીવાલે કહ્યું, 'UPમાં છેલ્લા 7 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. લોકસભાની ચૂંટણીમાં તેમની બેઠકો અડધી થઈ ગઈ હતી. મણિપુરમાં પણ 7 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. મણિપુર બે વર્ષથી સળગી રહ્યું છે.'

કેજરીવાલે વધુમાં કહ્યું કે આ દિવસોમાં દિલ્હીમાં આટલા ગુનાઓ થઈ રહ્યા છે, દિલ્હીની સુરક્ષા બગડી ગઈ છે. મેં દિલ્હીની બસોમાં બસ માર્શલની નિમણૂક કરી હતી અને બસોની સુરક્ષાની સારી વ્યવસ્થા કરી હતી પરંતુ તેમને પણ BJPના લોકોએ હટાવી દીધા હતા. તમારાથી દિલ્હીની સુરક્ષા સંભાળી શકાતી નથી, મેં સારી બસ સુરક્ષા કરી હતી, તેને તો રહેવા દો, મેં જોયું કે, કેવી રીતે સૌરભ ભારદ્વાજ BJP નેતા વિજેન્દ્ર ગુપ્તાના પગે પડ્યા, જેથી બસ માર્શલને પુનઃસ્થાપિત કરવામાં આવે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું છે. દિલ્હીના લોકો ઇચ્છે છે કે હોસ્પિટલોમાં મફત દવાઓ મળે, તેમને મફત સારવાર જોઈએ છે, તેમને મફત વીજળી જોઈએ છે, તો પછી LG કોણ છે તેને રોકનારા? દિલ્હીને LGના શાસનમાંથી મુક્ત કરાવશે.

દિલ્હી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું, 'દિલ્હીની સુરક્ષા BJPના નિયંત્રણમાં છે, પોલીસ તેમની સાથે છે, તેમ છતાં દિલ્હીમાં ગુનાઓ પર અંકુશ કેમ નથી આવી રહ્યો? જ્યારે તેઓ સુરક્ષાની જવાબદારી નિભાવી શકતા નથી, તો પછી અન્યને તો કામ કરવા દો.' દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે, 'મને ખબર છે કે દિલ્હીની બસમાં મુસાફરી કરતી વખતે એક મહિલાને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી જ અમે બસોમાં માર્શલ તૈનાત કરવાનું શરૂ કર્યું. આ બસ માર્શલોએ ઘણા મોટા ગુનાઓને અટકાવ્યા છે અને ત્યાં સુધી કે બાળકોના અપહરણને પણ નિષ્ફળ બનાવ્યું છે.'

BJP સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, 'આ લોકો ગરીબ વિરોધી છે. ગરીબ પરિવારમાંથી આવતા અને 15,000 રૂપિયાનો પગાર મેળવતા 10,000 બસ માર્શલની નોકરી છીનવી લેવામાં આવી છે. આ લોકો ગરીબો વિરુદ્ધ કામ કરી રહ્યા છે.' કેજરીવાલે આરોપ લગાવ્યો કે, BJPએ ગરીબો માટે કામ કરતા ઘણા લોકોની નોકરીઓ ખતમ કરી દીધી છે. તેમણે કહ્યું, 'સ્લિપ બનાવતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, ગટર સાફ કરતા 1,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. વિધવાઓ, વૃદ્ધો અને DTC કર્મચારીઓનું પેન્શન પણ અટકાવી દેવામાં આવ્યું છે.' અંતમાં તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, 'આ લોકોને ગરીબોની હાય લાગશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp