ભારતે UAE પાસે તેલ ખરીદીને બદલામાં રૂપિયામાં ચુકવણી કરી, આનાથી શું ફાયદો?

PC: livemint-com.translate.goog

ભારતે ઐતિહાસિક પગલા ઉઠવતી વખતે અને ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધતા ભારતે પ્રથમ વખત UAEને ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરી છે. આ પગલું મુખ્યત્વે દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ છે. ભારત તેની 85 ટકાથી વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. આ માટે તેણે મોટા પ્રમાણમાં ડૉલરમાં ચૂકવણી કરવી પડતી હતી.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) પાસેથી 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે. આ સિવાય રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતે જુલાઈમાં અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના બદલામાં ભારતીય રૂપિયામાં ચુકવણી કરવા માટે સંયુક્ત આરબ અમીરાત સાથે કરાર કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે અન્ય સપ્લાયર્સ સાથે આ પ્રમાણેના સોદાની શોધમાં છે.

વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલરના વર્ચસ્વને પડકારવા માટે, ભારત જેવા ઘણા દેશો વેપાર માટે US ડૉલરનો ઉપયોગ કરવાથી દૂર જઈ રહ્યા છે અને તેના બદલે સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા માટે સંમત થઈ રહ્યા છે. આ શ્રેણીમાં, વેપાર કરાર હેઠળ, નવી દિલ્હી હવે UAE અને સાઉદી અરેબિયાના તેલ નિકાસકારો સાથે રૂપિયામાં ચુકવણી કરવા માટે વાતચીત કરી રહી છે.

તાજેતરના મીડિયા અહેવાલો કહે છે કે, ભારત રશિયન તેલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

ભારતની મધ્યસ્થ બેંક, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ક્રોસ બોર્ડર પેમેન્ટ્સમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોને રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે. RBI અત્યાર સુધીમાં 22 દેશો સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સંમત થઈ છે.

હકીકતમાં, આમ કરવાથી માત્ર ભારતીય ચલણનું પરિભ્રમણ વૈશ્વિક બનશે એટલું જ નહીં, પરંતુ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડૉલરની માંગ ઘટાડવામાં પણ મદદ કરશે. આ સાથે વૈશ્વિક ચલણમાં ઘટાડાથી ભારતીય અર્થતંત્રને ઓછી અસર થશે. તેલની ખરીદી માટે ડૉલરમાં ચૂકવણી કરવાની પરંપરા 1970ના દાયકાથી ચાલી રહી છે.

ભારતનો તેના રાષ્ટ્રીય ચલણમાં ચૂકવણી કરવાનો નિર્ણય ભૌગોલિક રાજકીય અને આર્થિક તણાવ વચ્ચે આવ્યો છે, કારણ કે, USએ રશિયા અને ઈરાન સાથે ડૉલરમાં વેપાર પર એકતરફી પ્રતિબંધ મૂક્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા ડિસેમ્બરમાં PM નરેન્દ્ર મોદી અને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ તેમના દેશોની સંબંધિત એજન્સીઓને ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા અને બંને દેશો વચ્ચે વિકાસ પરિયોજનાઓ માટે ધિરાણ લાગુ કરવા માટે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp