ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા બ્રિટિશ રાજ કરતા પણ વધારે વધી ગઇ: રિપોર્ટ

PC: agniban.com

દેશના ટોચના અમીરોની સંપત્તિ રેકોર્ડ હાઇ લેવલ પર છે. નાણાકીય વર્ષ 2022-23ના આંકડા અનુસાર, ટોચના એક ટકા અમીરોની આવકમાં 22.6 ટકા હિસ્સો છે અને સંપત્તિમાં 40.1 ટકા હિસ્સો છે, જે એક રેકોર્ડ હાઇ લેવલ છે. આ મામલે ભારતીય અમીરોએ અમેરિકા જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ વાત વર્લ્ડ ઇનઇક્વિલિટિ લેબના રિસર્ચ પેપરમાંથી સામે આવી છે. આ રિસર્ચ પેપર નીતિન કુમાર ભારતી, લુકાસ ચાન્સેલ, થોમસ પિકેટી અને અનમોલ સોમાંચી જેવા પીઢ અર્થશાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પેપર બિલિયોનેર રાજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ રાજની સરખામણીએ હવે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે વધુ અસમાનતા છે.

બિલિયોનેર રાજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં બ્રિટિશ રાજની સરખામણીએ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારે છે. આઝાદી પછી, 1980 ના દાયકાની શરૂઆત સુધી આવક અને સંપત્તિનું અંતર ઘટવાનું શરૂ થયું પરંતુ તે પછી તે વધવા લાગ્યું અને 2000 ના દાયકાની શરૂઆતથી આકાશને આંબી ગયું. જો કે, જો આપણે સંપત્તિના સ્તરની વાત કરીએ તો, આ તફાવત 2014-15 અને 2022-23 વચ્ચે ઝડપથી વધ્યો હતો.

રિસર્ચ પેપરમાં જણાવ્યા મુજબ, 1960 અને 2022 ની વચ્ચે દેશની સરેરાશ આવકનું સ્તર વાર્ષિક સરેરાશ 2.6 ટકાના દરે વધ્યું. 1960 અને 1990 ની વચ્ચે, દેશનો વાસ્તવિક વિકાસ દર વાર્ષિક 1.6 ટકા હતો, જ્યારે 1990 અને 2022 ની વચ્ચે તે વાર્ષિક 3.6 ટકાના દરે વધ્યો હતો. અમીરોની સંપત્તિની વાત કરીએ તો ટોચના 10 ટકા અમીરોની આવકનો હિસ્સો આઝાદી સમયે 40 ટકાથી ઘટીને 1982માં 30 ટકા થઈ ગયો હતો. જોકે, 2022માં તે વધીને 60 ટકા થઈ ગયો છે. નીચેના 50 ટકા લોકો પાસે નેશનલ વેલ્થની માત્ર 15 ટકા સંપત્તિ છે.

અલગ-અલગ ઇન્કમ ગ્રુપમાં ઘણી અસમાનતા છે. ટોચના 1 ટકા અમીરોની સરેરાશ સંપત્તિ 5.4 કરોડ રૂપિયા છે, જે સરેરાશ ભારતીયોની સંપત્તિ કરતાં લગભગ 40 ગણી વધારે છે. જ્યારે નીચેના 50 ટકા લોકો પાસે સરેરાશ 1.7 લાખ રૂપિયા અને મધ્યમ 40 ટકા લોકોની સરેરાશ સંપત્તિ 9.6 લાખ રૂપિયા છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિકરણનો ફાયદો માત્ર અમીરો સુધી જ નહીં પરંતુ સામાન્ય ભારતીયો સુધી પહોંચવો જોઈએ, આ માટે આવક અને સંપત્તિને લગતા ટેક્સ માળખાનું નવું સ્વરૂપ લાવવું જરૂરી છે.

આ સિવાય સરકારે શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં મોટા પાયે રોકાણ કરવું જોઈએ. રિપોર્ટ અનુસાર, જો નાણાકીય વર્ષ 2022-23માં 167 સૌથી ધનાઢ્ય પરિવારો પર 2 ટકાનો સુપર ટેક્સ લાદવામાં આવે, તો તેનાથી રાષ્ટ્રીય આવકના 0.5 ટકા આવક થતે, જે અસમાનતા સામે લડવામાં મદદ કરી શકતે, એટલું જ નહીં સરકાર પાસે રોકાણ માટે મૂડી પણ આવતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp