શું BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય લેવાના છે?
હાલમાં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં, ઉદ્ધવ ઠાકરે અને તેમની ઉદ્ધવ સેના UBTનો કારમો પરાજય થયો. ખૂબ જ શરમજનક અને અપમાનજનક હાર પછી, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, અઘાડી (MVA)ના મુખ્ય પક્ષ, સેના UBTની અંદર વિખવાદ વધુ તીવ્ર બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તે લોકો છે, જેમણે પહેલા પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ પછી તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો. આ લોકોને કોંગ્રેસનો સંગાથ પહેલા પણ પસંદ ન હતો, પરંતુ તે સમયે ઉદ્ધવની સામે તેઓનું કંઈ ચાલ્યું ન હતું અને બધા મજબૂરીનું નામ આપીને મોઢું બંધ કરીને બેસી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં, જ્યારે BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને મહા વિકાસ આઘાડીનો સફાયો કરી નાખ્યો, ત્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીના નેતાઓને મોં ખોલવાનો મોકો મળી ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ જ નેતાઓ ઉદ્ધવ ઠાકરે પર આઘાડી છોડવા માટે માત્ર દબાણ જ નથી કરી રહ્યા, પરંતુ તેમાં વધારો પણ કરી રહ્યા છે.
મુંબઈથી આવી રહેલા ત્વરિત સમાચાર મુજબ, ઉદ્ધવ ઠાકરે દ્વારા આયોજિત એક બેઠકમાં, સેના (UBT)ના મોટાભાગના 20 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને શક્ય તેટલી વહેલી તકે મહાવિકાસ અઘાડી છોડવાની અપીલ કરી હતી.
આ વખતે મહારાષ્ટ્રમાં ક્યાંય પણ ઉદ્ધવની સેનાના એક પણ મૂળ કાર્યકર્તા ક્યાંય દેખાતા ન હતા. બીજી તરફ, શિવસેના અને CM એકનાથ શિંદેના દરેક શબ્દોની અસર તેના મતદારો પર પડી અને તેમના કાર્યકરોએ પૂરા ઉત્સાહ સાથે કામ કર્યું અને MVAને જડમૂળથી ઉખેડીને પોતાને શિવસેનાના અસલી વારસદાર સાબિત કર્યા.
એક અખબારમાં છપાયેલા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે હજી આ માટે તૈયાર નથી. ઉદ્ધવ સિવાય તેમના પુત્ર આદિત્ય અને તેમના પ્રવક્તા સંજય રાઉત ધારાસભ્યોની વાત સાંભળવા તૈયાર નથી. રાઉત હજુ પણ BJP સામે વિપક્ષી એકતા બતાવવાના નામે મહાવિકાસ અઘાડી ગઠબંધન જાળવવા આતુર છે.
આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે, શું ઉદ્ધવ ઠાકરે પોતાના અહંકારને કારણે ફરી એકવાર તેમના જુનિયર નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યોની અવગણના કરશે? MVA છોડવાના હિમાયતીઓ માને છે કે હવે શિવસેના(UBT) માટે અલગ રસ્તો તૈયાર કરવાનો સમય આવી ગયો છે. તમારા પોતાના દમ પર આગળ વધો અને કોઈની દયા પર ન રહો. આ પ્રકરણ વિશે, મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ પાર્ટીના સ્થાપક બાળા સાહેબ ઠાકરેને યાદ કર્યા અને કહ્યું, 'શિવસેના ક્યારેય સત્તાનો પીછો કરવા માટે બનાવવામાં આવી ન હતી. જ્યારે આપણે આપણી વિચારધારા પર અડગ રહીશું ત્યારે સત્તા તેની જાતે ખુદ તમારી પાસે કુદરતી રીતે આવશે.
જેઓ આઘાડીને છોડવા માટે દબાણ કરી રહ્યા છે તેઓ કહે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં તેમને એટલે કે 'ઉદ્ધવ સેના' (UBT)ને 9.95 ટકા મત મળ્યા, જે એકનાથ શિંદેની શિવસેના કરતા લગભગ 3 ટકા ઓછા હતા. જ્યારે છ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં સેના (UBT)ને 16.72 ટકા વોટ મળ્યા હતા. આ પરિણામોથી સ્પષ્ટ છે કે, જનતા તેમને શિવસેનાના અસલી વારસદાર માની રહી છે. પરિણામોની વાત કરીએ તો, સેના UBTને 20, કોંગ્રેસને 16 અને NCP (SP)ને 10 બેઠકો મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળા સાહેબ પોતે ક્યારેય CM બન્યા નથી. કિંગ બનવાને બદલે તે હંમેશા કિંગ મેકર જ રહ્યા. તેમની સંમતિ વિના મુંબઈમાં એક પાંદડું પણ ફરકતું ન હતું. પોતાની વાતને આગળ વધારતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, કોંગ્રેસથી સ્વતંત્ર થવાનો નિર્ણય શિવસેના (UBT)નો પાયો મજબૂત કરશે. એકનાથ શિંદેએ ભાગલા પછી મોટા ભાગના ધારાસભ્યો અને સાંસદોને પોતાની સાથે રાખ્યા હોવાથી, તેમના માટે અમારા પર પ્રશ્નો ઉઠાવવાનું સરળ બન્યું.'
કેટલાક એવા નેતાઓ છે, જેઓ સેના UBT પર કોંગ્રેસનો 'હાથ' છોડવા માટે દબાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, એકનાથ શિંદે હંમેશા બાળા સાહેબનું નામ ખૂબ આદર અને સન્માન સાથે લેતા હતા. આ સાથે શિંદેએ ઉદ્ધવ સેના (UBT) પર કોંગ્રેસ સાથે હાથ મિલાવીને બાળ ઠાકરેની વિચારધારા અને હિન્દુત્વ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો, જેના પર પાર્ટીના મુખ્ય કાર્યકર્તાએ તેમના પર વિશ્વાસ કર્યો. આનું પરિણામ એ આવ્યું કે, ત્યારથી અત્યાર સુધી સેના (UBT)ને ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેનું નામ નિશાન બધું જ બદલાઈ ગયું. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેના જૂના રાજકીય સહયોગીઓને ટોણો મારવાનો મોકો મળ્યો છે. આવા લોકો કહે છે કે, કોંગ્રેસ સાથે જવાથી તેમને 'ન માયા મળી કે ન રામ મળ્યા'.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp