કોંગ્રેસ છોડી દેનારા સંજય નિરુપમ 19 વર્ષે ભાજપ નહીં આ પાર્ટીમાં જશે

PC: ndtv.in

મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સંજય નિરુપમ તેમની 'અલ્મા મેટર' શિવસેનામાં જોડાવા માટે તૈયાર છે, જેનું નેતૃત્વ હવે CM એકનાથ શિંદે કરી રહ્યા છે. અવિભાજિત શિવસેના પાર્ટી છોડ્યાના લગભગ બે દાયકા પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે શિવસેનાથી જ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.

વર્ષ 2005માં, સંજય નિરુપમ કોંગ્રેસમાં જોડાયા અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત થયા. તેમણે 2009ની ચૂંટણીમાં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક જીતી હતી, જેમાં BJPના દિગ્ગજ નેતા રામ નાઈકને નજીવા (થોડાક જ) અંતરથી હરાવ્યા હતા. તેમણે છેલ્લા 19 વર્ષો દરમિયાન કોંગ્રેસમાં અનેક પદો પર કામ કર્યું હતું અને કોંગ્રેસના રાજ્ય એકમનું નેતૃત્વ પણ કર્યું હતું.

ગયા મહિને કોંગ્રેસે સંજય નિરુપમને 'અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનો'ના આરોપમાં છ વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ બુધવારે શિવસેનાના અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, 'સંજય નિરુપમ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાશે.'

આ દરમિયાન, CM શિંદેએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદી મુંબઈમાં બે રેલીઓ કરે તેવી શક્યતા છે, જ્યાં 20 મેના રોજ મતદાન થવાનું છે. CM એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, શિવસેના, BJP અને NCP સહિત DyCM અજિત પવારની આગેવાની હેઠળની સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન મુંબઈની તમામ છ લોકસભા બેઠકો જીતશે.

અહીં તમને જણાવી દઈએ કે, આ બેઠક મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ દક્ષિણ મધ્ય મતવિસ્તારના પદાધિકારીઓ સાથે યોજાઈ હતી, જ્યાં શિવસેનાના ઉમેદવારો યામિની જાધવ, રવિન્દ્ર વાઈકર અને રાહુલ શેવાળે મેદાનમાં છે.

સંજય નિરુપમનું કોંગ્રેસમાંથી બહાર નીકળવું એ અપૂર્ણ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓનું પરિણામ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ નોર્થ વેસ્ટ મતવિસ્તારથી લડવા માંગતા હતા, પરંતુ MVA સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ડીલ મુજબ સીટ શિવસેના (UBT)ના હાથમાં આવી ગઈ. મૂળ બિહારના નિરુપમે 1990ના દાયકામાં પત્રકારત્વ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તેઓ અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર 'દોપહર કા સામના'ના સંપાદક બન્યા. તેમના કામથી પ્રભાવિત થઈને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ તેમને 1996માં રાજ્યસભામાં મોકલ્યા. જ્યારે શિવસેના મુંબઈના ઉત્તર ભારતીય મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે નિરુપમ તેના ફાયરબ્રાન્ડ ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. જો કે, તેમને આંચકો ત્યારે લાગ્યો જ્યારે 2005માં તેમને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું.

ત્યાર પછી કેટલાક મતભેદો સામે આવ્યા, જેના પરિણામે નિરુપમ 2005માં સેના છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે રામ નાઈકને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2009માં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. જો કે, 2014માં, તેમને તે જ મતવિસ્તારમાંથી BJPના ગોપાલ શેટ્ટીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

2017ની મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીમાં પાર્ટીની હાર પછી સંજય નિરુપમે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, નિરુપમે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ કોંગ્રેસ અને શિવસેના (અવિભાજિત)ની બનેલી ત્રિપક્ષીય મહા વિકાસ અઘાડીની રચનાનો વિરોધ કર્યો હતો. આ પછી, કોંગ્રેસ નેતૃત્વના આશીર્વાદ ધીમે ધીમે તેમના પર ઓછા થતા ગયા અને ગયા મહિને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp