મારી બરબાદીમાં એને ખુશી મળે છે,ગૌતમ સિંઘાનિયા વિવાદમાં હવે પિતાની એન્ટ્રી

PC: livemint.com

રેમન્ડ ગ્રુપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમના પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં વિજયપત સિંઘાનિયા પણ ઉતર્યા છે અને તેમણે તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર આકરું નિશાન સાધ્યું છે. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, મને રસ્તા પર જોઈને મતલબ કે મારી બરબાદી જોઇને પુત્ર ગૌતમ સિંઘાનિયાને ખુશી મળે છે.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રેમન્ડના CMD અને ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થાય છે. વર્ષ 2015માં તેમણે રેમન્ડની બાગડોર તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી છે. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કરી હતી.

વિજયપત સિંઘાનિયાએ વધુમાં કહ્યું કે, તેણે પોતાના પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી છે. જે માતા-પિતા પોતાના બાળકોને બધું જ આપે છે તેઓએ પહેલા ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું જોઈએ. હાલમાં, પત્ની નવાઝ મોદી સાથેના વિવાદને કારણે ચર્ચામાં આવેલા ગૌતમ સિંઘાનિયા, 2017માં તેમના પિતા વિજયપત સિંઘાનિયાને દક્ષિણ મુંબઈના રેમન્ડ હાઉસ અથવા જેકે હાઉસમાંથી બહાર ફેંકી દેવાના આરોપોને કારણે ચર્ચામાં હતા.

તાજેતરમાં જ પોતાના ઘરમાં આયોજિત દિવાળી પાર્ટી દરમિયાન નવાઝને એન્ટ્રી ન આપવામાં આવતા હવે છૂટાછેડાને લઈને હોબાળો થઈ રહ્યો છે. ગત 13 નવેમ્બરે ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર તેમના 32 વર્ષ જૂના સંબંધોના અંતની જાહેરાત કરી હતી.

પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતા વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે તેમના પુત્ર દ્વારા કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ બિઝનેસ નથી.ગૌતમે કંપનીના કેટલાક શેર આપવા સંમતિ દર્શાવી હતી, પરંતુ બાદમાં તેણે આમાંથી પણ પીછેહઠ કરી હતી. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા જેને કારણે આજે હું સર્વાઇવ કરી રહ્યો છું. હું આજે બચી ગયો છું, નહીંતર હું રસ્તા પર આવી જતે. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દા અંગે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘર બહાર કરી શકતો હોય તો પત્નીને પણ ઘર બહાર ફેંકી શકે છે. મને આજ સુધી ખબર નથી કે ગૌતમ શું છે?

કથિત રીતે આશરે રૂ. 11,000 કરોડની સંપત્તિના માલિક ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદીએ છૂટાછેડાના બદલામાં પોતાની અને તેની બે પુત્રીઓ નિહારિકા અને નીસા માટે મિલકતનો 75 ટકા હિસ્સો માંગ્યો હતો. બીજા જ દિવસે, તેમણેગૌતમ સિંઘાનિયા પર તેની અને તેની પુત્રી પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

નવાઝ મોદીએ છૂટાછેડાના બદલામાં ગૌતમ સિંઘાનિયા પાસેથી પ્રોપર્ટીમાં 75 ટકા હિસ્સો માંગ્યો તે અંગે વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ, અલગ થવાના કિસ્સામાં, પતિનો 50 ટકા હિસ્સો આપોઆપ પત્નીને મળી જાય છે, આવી સ્થિતિમાં, નવાઝને આ માટે લડવાની જરૂર નહીં પડે, એક સામાન્ય વકીલ પણ તેને આ મેળવી આપી શકે છે. જો કે, તેમણે કહ્યું કે ગૌતમ ક્યારેય હાર માનવાનો નથી, કારણ કે તેનું સૂત્ર છે ‘બધાને ખરીદો અને બધું ખરીદો’ આ તેણે મારી સાથે પણ કર્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp