ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની EDએ કરી ધરપકડ, જાણો શું છે આરોપ

PC: Jagran.com

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી છે. સવારથી ED અધિકારીઓએ મુખ્યમંત્રી આવાસ પર ધામા નાંખ્યા હતા અને સતત હેમંત સોરેનની પુછપરછ કરવામાં આવી રહી હતી. જમીન કૌભાંડમાં મુખ્યમંત્રીની સંડોવણી હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અનેક વખત સમન્સ મોકલવા છતા સોરેન હાજર નહોતા થતા. ધરપકડ થવા પહેલા હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

હેમંત સોરેનને સોમવારે ED સમક્ષ હાજર થવા હતું, પરંતુ તેઓ હાજર થયા નહોતા. બાદમાં, જ્યારે ED દિલ્હીમાં તેના નિવાસસ્થાને પહોંચ્યું ત્યારે CM મળ્યા નહોતા. આ પછી રાજકીય બયાનબાજીનો તબક્કો પણ શરૂ થયો. ભાજપે તેમને ગુમ જાહેર કર્યા હતા.

ઝારખંડમાં બે કૌભાંડોમાં મની લોન્ડરિંગ સંબંધિત તપાસમાં EDએ સીએમ સોરેનની પૂછપરછ કરી છે. એક ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે અને બીજું જમીન કૌભાંડ. ખાણ કૌભાંડમાં ગયા વર્ષે 17 નવેમ્બરે ED દ્વારા સોરેનની પૂછપરછ કરવામાં આવી હતી. હાલ કથિત જમીન કૌભાંડમાં તેમની પૂછપરછ ચાલી રહી હતી.

જૂન 2022માં રાંચીના બરૈતુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. આ FIR રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ કલેક્ટર દિલીપ શર્માએ નોંધાવી હતી. જેમાં પ્રદીપ બાગચી નામના વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો હતો.

આરોપ હતો કે પ્રદીપ બાગચીએ નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય સેનાની એક પ્રોપર્ટી હડપ કરી હતી. જ્યારે EDએ તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 4.5 એકર જમીન બીએમ લક્ષ્મણ રાવની છે, જેમણે તેને આઝાદી પછી સેનાને સોંપી દીધી હતી.

એપ્રિલ 2023માં EDએ આ કેસમાં પ્રદીપ બાગચી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા સાતમાંથી બે અફસર અલી અને ભાનુ પ્રતાપ સરકારી કર્મચારી હતા. અફસર અલી સરકારી હોસ્પિટલમાં ગ્રેડ-3 નો કર્મચારી છે, જ્યારે ભાનુ પ્રતાપ રેવન્યુ સબ-ઇન્સ્પેક્ટર હતો, બાકીના તમામ જમીન માફિયાઓ સાથે સંકળાયેલા હતા અને બનાવટી દસ્તાવેજો દ્વારા જમીનોના વેચાણ સાથે સંકળાયેલા હતા.

 

ગયા વર્ષે જ 4 મેના રોજ EDએ IAS ઓફિસર છવી રંજનની પણ ધરપકડ કરી હતી. છવી રંજન રાંચીમાં બે વર્ષ સુધી ડેપ્યુટી કમિશનર હતા. તેમના પર આરોપ છે કે આ પદ પર રહીને તેમણે જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણમાં કથિત રીતે મદદ કરી હતી.

તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું કે નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. તે 1932 થી બતાવવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે પ્રફુલ્લ બાગચીએ આ જમીન સરકાર પાસેથી ખરીદી હતી. 90 વર્ષ પછી, 2021 માં, પ્રફુલ્લ બાગચીના પુત્ર પ્રદીપ બાગચીએ આ જમીન કોલકાતાની જગતબંધુ ટી એસ્ટેટ લિમિટેડને વેચી દીધી હતી.

દિલીપ ઘોષ જગતબંધુ ટી એસ્ટેટના ડિરેક્ટર છે. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે જમીન ખરેખર અમિત અગ્રવાલ નામના વ્યક્તિને ગઈ હતી. અમિત અગ્રવાલ મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીક હોવાનું કહેવાય છે. ગયા વર્ષે જૂનમાં EDએ દિલીપ ઘોષ અને અમિત અગ્રવાલની ધરપકડ કરી હતી.

ઇડીએ ગયા વર્ષે ઓગસ્ટમાં આ કથિત જમીન કૌભાંડમાં મહત્વની ધરપકડ કરી હતી. EDએ પ્રેમ પ્રકાશ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તે પણ મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના ગણાય છે.

EDએ હેમંત સોરેનને અત્યાર સુધીમાં 10 વખત સમન્સ મોકલ્યા હતા. પરંતુ સોરેન હાજર થતા નહોતા. આખરે બુધવારે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp