જેવો બાંગ્લાદેશે પાસપોર્ટ કેન્સલ કર્યો,આ બાજુ વિઝા વધી ગયા,શેખ હસીના અહીં રહેશે!
બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટના બળવા પછી પદભ્રષ્ટ PM શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે ભારતમાં તેના વિઝાની મુદત લંબાવવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે, ભારત સરકારે શેખ હસીનાના વિઝાની મુદત વધારી દીધી છે, જેના પછી તેમના ભારતમાં રહેવાને લઈને કોઈ સમસ્યા નહીં રહે. બાંગ્લાદેશથી ભાગીને, શેખ હસીના ભારતમાં હિંડન એર બેઝ પહોંચ્યા હતા, જ્યાંથી તેને દિલ્હીના સેફહાઉસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે 23 ડિસેમ્બરે ભારત સરકારને શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી.
સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં શરણાર્થી કાયદાની ગેરહાજરીને કારણે શેખ હસીનાને હજુ સુધી કોઈ શરણાર્થીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આ પહેલા મંગળવારે બાંગ્લાદેશી સત્તાવાળાઓએ શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કરી દીધા હતા. તેમાંથી 22 કથિત અપહરણમાં સંડોવણીના આરોપોનો સામનો કરી રહ્યા છે, જ્યારે 75 અન્ય લોકો ગયા વર્ષે વિદ્યાર્થી વિરોધી આંદોલન દરમિયાન હત્યાના આરોપોનો સામનો કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. એ જ દિવસે શેખ હસીનાએ PM પદેથી રાજીનામું આપી દીધું અને ભારત આવી ગયા હતા. અત્યારે શેખ હસીના ભારતમાં રહે છે. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી, મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી.
યુનુસ ઘણી વખત શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી ચુક્યા છે. શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં ઘણા અપરાધિક કેસ પણ નોંધાયેલા છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં જાન્યુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે મોટી જીત મેળવી હતી. અવામી લીગે સંસદમાં 300માંથી 224 બેઠકો જીતી હતી. શેખ હસીના 2009થી બાંગ્લાદેશના PM હતા. તેઓ સૌથી લાંબા સમય સુધી PM પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા.
બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ (નિવૃત્ત) ALM ફઝલુર રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે, પંચના સભ્યો ભારત જઈને શેખ હસીનાની પૂછપરછ કરવા માંગે છે. 2009માં બાંગ્લાદેશ રાઈફલ્સ દ્વારા 74 લોકોની હત્યાની તપાસના ભાગરૂપે આ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે ઓગસ્ટમાં એવી અફવાઓને નકારી કાઢી હતી કે, તેમની માતાએ ભારતમાં આશ્રય માટે અરજી કરી છે અથવા તેના વિઝા રદ કરવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ મામલે ટિપ્પણી કરી અને કહ્યું કે, તે શેખ હસીના પર નિર્ભર કરે છે કે તેઓ ભવિષ્યમાં શું પગલાં લે છે. મંત્રાલયે કહ્યું હતું કે, ભારતનો આમાં કોઈ ચોક્કસ નિર્ણય નથી અને તે સંપૂર્ણપણે હસીનાની ઈચ્છા પર નિર્ભર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp