સુનિતા કેજરીવાલને મળ્યા કલ્પના સોરેન, કહ્યું- અમે બંને સાથે મળીને આ લડાઈ લડીશું

PC: indiatv.in

દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સતત તેમના તરફ પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન શનિવારે CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળવા પહોંચી હતી. કલ્પના સોરેને બેઠક પછી કહ્યું કે અમે બંને સાથે મળીને આ લડાઈ લડીશું. એમ પણ કહ્યું કે, બે મહિના પહેલા જે સ્થિતિ ઝારખંડમાં હતી, તે જ હવે અહીં દિલ્હીમાં છે. હેમંત સોરેન પણ ભ્રષ્ટાચાર સંબંધિત કેસને કારણે હાલમાં જેલમાં છે.

કલ્પના સોરેને કહ્યું, 'બે મહિના પહેલા ઝારખંડમાં બનેલી ઘટનાની જેમ, દિલ્હીમાં પણ કંઈક આવું જ બન્યું છે... હું સુનિતા કેજરીવાલને મળીને તેમનું દર્દ અને વેદના શેર કરવા આવી હતી. અમે સાથે મળીને વચન આપ્યું છે કે હવે અમે આ લડાઈ આગળ લઇ જઈશું અને લડીશું. આખું ઝારખંડ CM અરવિંદ કેજરીવાલની સાથે રહેશે.'

કલ્પના સોરેને કહ્યું કે, આજે હું કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીને પણ મળવા જઈ રહી છું અને ઝારખંડની સ્થિતિ અંગે ચર્ચા કરવા જઈ રહી છું. તેમણે દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે યોજાનારી વિપક્ષી ગઠબંધન INDIAની રેલીમાં સામેલ થવાની વાત કરી હતી. તેમણે દરેકને આ રેલીમાં આવવાની અપીલ પણ કરી છે.

આ સાથે જ શિબુ સોરેન દુમકાથી ચૂંટણી લડવાના સવાલ પર કલ્પના સોરેને કહ્યું કે, તમને આ અંગે બહુ જલ્દી જાણ કરવામાં આવશે.

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, 'હેમંત સોરેન એક મોટા વિપક્ષી નેતા હતા અને બિન-BJP રાજ્યમાં સારી સરકાર ચલાવી રહ્યા હતા, બધાએ જોયું કે, જે રીતે તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. જે રીતે CM અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા હતા. બધાએ પણ જોયું હતું. આજે કલ્પના સોરેન સુનિતા કેજરીવાલને મળવા આવી હતી, બંનેની સ્થિતિ લગભગ સરખી છે, કેન્દ્ર સરકારે બંનેના પતિઓને જેલમાં ધકેલી દીધા છે. આજે બંનેએ એકબીજા સાથે વાત કરી અને એકબીજાને આશ્વાસન આપ્યું છે.'

અહીં તમને જણાવી દઈએ કે, CM અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે કોર્ટે તેની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી હતી. કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp