અયોધ્યામાં ખુલશે KFC, આ શરતે ખોલી શકશે
ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન પછી અયોધ્યામાં પ્રવાસીઓનું જાણે પુર આવ્યું હોય એમ લાગે છે. રામલલાના દર્શન કરવા માટે દરરોજ સરેરાશ લાખો લોકો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફૂડ કંપનીઓ પણ સતત તેમના આઉટલેટ ખોલવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ ખોલવામાં આવેલા ડોમિનોઝની અપાર સફળતા પછી, અધિકારીઓએ હવે US સ્થિત કેન્ટુકી ફ્રાઈડ ચિકન (KFC)નું આઉટલેટ ખોલવાની શક્યતાનો સંકેત આપ્યો છે. જો તેઓ માત્ર શાકાહારી ખાદ્યપદાર્થો વેચે છે તો તેમને મંજૂરી આપી શકાય છે.
મીડિયાના સૂત્રોએ અયોધ્યા સરકારના અધિકારી વિશાલ સિંહને ઉલ્લેખીને કહ્યું કે, 'US સ્થિત કંપની KFCએ અયોધ્યા-લખનઉ હાઈવે પર તેનું યુનિટ તૈયાર કર્યું છે. કારણ કે, અમે અયોધ્યામાં માંસાહારી ખોરાકના વેચાણને મંજૂરી આપતા નથી. જો તેઓ માત્ર શાકાહારી વસ્તુઓ વેચવાનું નક્કી કરે છે તો અમે KFCને અયોધ્યામાં જગ્યા આપવા માટે તૈયાર છીએ. અહીં તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં પંચકોસી માર્ગની અંદર માંસ અને દારૂ પીરસવા પર સખત પ્રતિબંધ છે. આ રૂટમાં પંચ કોસી પરિક્રમાનો સમાવેશ થાય છે, જે અયોધ્યાની આસપાસ 15-કિલોમીટરની યાત્રાધામ પરિક્રમા છે, જે રામાયણ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોની યાત્રા કરે છે.
તેમણે કહ્યું, 'અમારી પાસે ઘણી બધી મોટી મોટી ફૂડ ચેઈન આઉટલેટ્સ તરફથી અયોધ્યામાં તેમની દુકાનો સ્થાપવાની દરખાસ્ત આવેલી છે. અમે ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેમના માટે એકમાત્ર પ્રતિબંધ એ છે કે, તેઓ પંચ કોસીની અંદર માંસાહારી ખોરાક પીરસી શકશે નહીં.' અયોધ્યામાં માંસ ખાવા પરનો પ્રતિબંધ એ કોઈ અલગ વસ્તુ નથી. હરિદ્વારમાં પણ તેની શહેરની મર્યાદામાં આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવેલા છે. આના પરિણામે, KFC જેવી સંસ્થાઓ હરિદ્વાર શહેરની બહારના ભાગમાં, ખાસ કરીને હરિદ્વાર-રુરકી હાઇવે પર સ્થિત છે.
રાજ્ય સરકારના અનુમાનના આધારે, 17 એપ્રિલના રોજ રામ નવમી સુધી સાપ્તાહિક ધોરણે 10-12 લાખ મુલાકાતીઓ અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જો કે, તે પછી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેની અપેક્ષા છે. રાજ્ય પ્રવાસન વિભાગ રૂ. 2020 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવા તૈયાર છે, જ્યારે હાઉસિંગ ડિપાર્ટમેન્ટ રૂ. 3234 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp