આ કોલોનીના રહેવાસીઓ રોજ 2 કલાક મોબાઈલ-ટીવી વાપરતા નથી, જાણો કારણ

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મંડલેશ્વરની લક્ષ્મી નારાયણ એક્સટેંશન કોલોનીએ એક નોખી પહેલ શરૂ કરી છે. અહીંના રહેવાસીઓ રોજ બેથી ત્રણ કલાક મોબાઈલ અને ટીવી ચલાવતા નથી. કોલોનીની દરેક મહિલાઓ, પુરુષો અને બાળકો અલગ અલગ રમતો રમે છે કે એક્ટિવીટીઓ કરે છે. શનિવારે સંગીત પ્રોગ્રામનું આયોજન કરે છે.
પાછલા અમુક વર્ષોમાં સૌ કોઇ મોબાઈલ અને ટીવીમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ઘરની અંદર જ પરિવારના સભ્યો સાથે પણ વાત કરવાની તસ્દી લેતા નથી. એકબીજા સાથેનું અંતર વધી રહ્યું છે. થોડા સમય માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે તો વ્યક્તિ બેચેન થઇ જાય છે.
આ કોલોનીના રહેવાસી નવીન કુમાર જણાવે છે કે, તેમના અને કોલોનીના અમુક બાળકો સાંજના સમયે ઘરની બહાર રમતા રહેતા હતા. તેમને જોઇ મનમાં આવ્યું કે, આપણે પણ સાંજના સમયે મોબાઈલ અને ટીવીની દુનિયાથી બહાર નીકળી શારીરિક કે માનસિક રીતે પોતાને સ્વસ્થ રાખીએ. આ હેતુને લઇ કોલોનીના 7-8 પરિવારના લોકોએ નક્કી કર્યું કે હવેથી રોજ તેઓ રાતે 8 થી 10 વાગ્યા સુધી બે કલાક મોબાઈલનો ઉપયોગ કરશે નહીં.
કોલોનીના લોકો રોજ રાતે 8 વાગ્યે ઘરની બહાર નીકળે છે અને અન્ય એક્ટીવિટીઓ કરે છે. આ દરમિયાન કોઇ ફુટબોલ, બેડમિંટન કે સાઇકલિંગ કરે છે. મહિલાઓ ચેર રેસ રમે છે. અઠવાડિયાના એક દિવસ સંગીતનો પ્રોગ્રામ થાય છે. આ કોલોનીમાં 250થી વધારે પરિવાર રહે છે.
ફાયદા શું
કોલોનીના લોકોનું કહેવું છે કે, તેમની આ પહેલથી તેઓ સ્વસ્થ અને પોઝિટિવ એનર્જી અનુભવે છે. આ ઉપરાંત તેઓ સમયસર સૂઈ જાય છે. સમયથી ઊઠી જાય છે. આખો દિવસ કામ કર્યા પછી સાંજે રમવા માટે ઉત્સુક રહે છે.
કોલોનીની મહિલાઓ અનુસાર, પહેલા ઘરનું કામ કર્યા પછી તેઓ મોબાઈલમાં વ્યસ્ત થઇ જતા હતા. પણ હવે આ પહેલ પછી બધી મહિલાઓ અલગ અલગ રમત રમે છે. એકબીજા સાથે પરસ્પર સંબંધ પણ સારા થયા છે. જીવનમાં પરિવર્તન આવ્યું છે. બાળકો હવે મોબાઈલના સ્થાને શારીરિક રમત રમવાનું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp