દરેક ઘરમાં 22 મી જાન્યુઆરીએ શ્રી રામ જ્યોતિ પ્રગટાવો: PM નરેન્દ્ર મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પહેલા PM મોદીએ પુનર્વિકસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ એરપોર્ટને મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે PMએ અયોધ્યા ધામમાં ઉપસ્થિત રહેવાની ખુશી વ્યક્ત કરતાં પોતાના રોડ શો દરમિયાન પવિત્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગની નોંધ લીધી હતી. PMએ કહ્યું હતું કે, વિશ્વ 22મી જાન્યુઆરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. હું ભારતના દરેક કણ અને વ્યક્તિનો ભક્ત છું, હું પણ આગામી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે આતુર છું.

PMએ 1943માં આ દિવસે આંદામાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે તિરંગો લહેરાવ્યો હોવાથી 30 ડિસેમ્બરનાં મહત્ત્વને નોંધ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીની ચળવળ સાથે સંકળાયેલા આ પ્રકારનાં શુભ દિવસે આજે આપણે અમૃત કાલનાં સંકલ્પને આગળ વધારી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનાં અભિયાનને અયોધ્યાથી નવી ઊર્જા મળી રહી છે અને તેમણે વિકાસ યોજનાઓ માટે અયોધ્યાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રીય નકશા પર અયોધ્યાને પુનઃ સ્થાપિત કરશે.

PMએ જણાવ્યું હતું કે, વારસાની સારસંભાળ રાખવી એ વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટેનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું હતું કે, આજનું ભારત પ્રાચીન અને આધુનિક એમ બંને બાબતોને સામેલ કરીને આગળ વધી રહ્યું છે. તેમણે રામ લલ્લાનાં ભવ્ય મંદિરને 4 કરોડ ગરીબ નાગરિકો માટે પાકા મકાનો સાથે જોડીને આ મુદ્દાને વિસ્તૃત રીતે સમજાવ્યો હતો કે ડિજિટલ ઇન્ડિયામાં હરણફાળ ભરીને આસ્થાનાં સ્થળોનું નવીનીકરણ; 30,000થી વધુ પંચાયત ભવનો સાથે કાશી વિશ્વનાથ ધામ; 315થી વધુ મેડિકલ કોલેજો સાથે કેદાર ધામનું નવીનીકરણ; હર ઘર જલ સાથે મહાકાલ મહાલોક; વિદેશથી હેરિટેજ કલાકૃતિઓને પાછા લાવવાની સાથે અવકાશ અને સમુદ્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરાઈ છે.

તેમણે આગામી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું કે 'આજે અહીં પ્રગતિની ઉજવણી છે, કેટલાક દિવસો પછી પરંપરાના પર્વ આવશે, આજે આપણે વિકાસની ભવ્યતા જોઈએ છીએ, કેટલાક દિવસો પછી આપણે વારસાની દિવ્યતા અનુભવીએ છીએ. વિકાસ અને વારસાની આ સામૂહિક શક્તિ ભારતને 21મી સદીમાં આગળ લઈ જશે. ખુદ મહર્ષિ વાલ્મીકિએ વર્ણવેલા અયોધ્યાના પ્રાચીન મહિમાનો ઉલ્લેખ કરીને PMએ અયોધ્યાને આધુનિકતા સાથે જોડીને તેની ભવ્યતાને પાછી લાવવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.

PM મોદીએ કહ્યું કે, માત્ર અવધ ક્ષેત્ર જ નહીં, પરંતુ અયોદય સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસને નવી દિશા આપશે. તેમણે ભવ્ય મંદિરના પગલે પવિત્ર શહેરમાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓના અંદાજિત વધારા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, આ માંગને પહોંચી વળવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

PMએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિ રામાયણ જ્ઞાનનો માર્ગ છે, જે આપણને શ્રી રામ સાથે જોડે છે. આધુનિક ભારતમાં આવેલું મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપણને અયોધ્યા ધામ અને ભવ્ય-ભવ્ય રામ મંદિર સાથે જોડશે. પ્રથમ તબક્કામાં એરપોર્ટ વાર્ષિક 10 લાખ મુસાફરોનું સંચાલન કરી શકે છે અને બીજા તબક્કા પછી મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 60 લાખ મુસાફરોને સેવા પૂરી પાડશે. તેમણે માહિતી આપી હતી કે, અયોધ્યા ધામ રેલવે સ્ટેશન 10,000 લોકોનું સંચાલન કરે છે, હવે નવીનીકરણ પૂર્ણ થયા પછી આ સંખ્યા 60 હજાર સુધી પહોંચી જશે. એ જ રીતે તેમણે જણાવ્યું હતું કે, રામ પથ, ભક્તિ પથ, ધર્મ પથ અને શ્રી રામ જન્મભૂમિ પથ, કાર પાર્કિંગ, નવી મેડિકલ કોલેજો, સરયુજીનાં પ્રદૂષણને અટકાવવા, રામ કી પેડીનું કાયાપલટ, ઘાટનું અપગ્રેડેશન, પ્રાચીન કુંડોનું નવીનીકરણ, લતા મંગેશકર ચોક અયોધ્યાને નવી ઓળખ આપી રહ્યાં છે અને પવિત્ર શહેરમાં આવક અને રોજગારીની નવી તકો ઊભી કરી રહ્યાં છે.

PMએ વંદે ભારત અને નમો ભારત પછીની નવી ટ્રેન શ્રેણી 'અમૃત ભારત' ટ્રેનો વિશે માહિતી આપી હતી તથા પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યામાંથી પસાર થઈ રહી છે એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં લોકોને આજે આ ટ્રેનો દોડાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં. PMએ ગરીબોની સેવાની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો, જે આધુનિક અમૃત ભારત ટ્રેનો અંતર્ગત છે. જે લોકો ઘણીવાર તેમના કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરે છે, અને જેમની પાસે એટલી આવક નથી, તેઓ પણ આધુનિક સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે હકદાર છે. આ ટ્રેનોની રચના ગરીબોનાં જીવનની ગરિમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. PMએ વિકાસને વિરાસત સાથે જોડવામાં વંદે ભારત ટ્રેનોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાશીથી દોડી હતી. આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના 34 રૂટ પર ચાલી રહી છે. વંદે ભારત કાશી, કટરા, ઉજ્જૈન, પુષ્કર, તિરુપતિ, શિરડી, અમૃતસર, મદુરાઈ, આસ્થાના આવા દરેક મોટા કેન્દ્રને જોડે છે. આ શ્રેણીમાં, આજે અયોધ્યાને વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળી છે, એમ PM મોદીએ જણાવ્યું હતું.

PMએ દેશના તમામ ભાગોમાં 'યાત્રાઓ'ની પ્રાચીન પરંપરાઓની યાદી આપી હતી અને કહ્યું હતું કે, અયોધ્યાધામમાં ઊભી કરવામાં આવેલી સુવિધાઓથી શ્રદ્ધાળુઓની ધામ સુધીની યાત્રા વધુ આરામદાયક બનશે.

PMએ તમામ 140 કરોડ ભારતીયોને શ્રી રામ જ્યોતિને પ્રજ્વલિત કરવા જણાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદ્ભાગ્યે આપણા બધાના જીવનમાં આવી છે. PM મોદીએ કહ્યું કે, આપણે દેશ માટે એક નવો સંકલ્પ લેવો પડશે અને તેને નવી ઉર્જાથી ભરવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉપસ્થિત રહેવાની દરેકની ઇચ્છાને ધ્યાનમાં રાખીને PMએ દરેકને વિનંતી કરી હતી કે તેઓ 22મી જાન્યુઆરીના કાર્યક્રમ પછી જ અયોધ્યાની મુલાકાતનું આયોજન કરે, કારણ કે અયોધ્યા સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેમણે દરેકને 23 જાન્યુઆરી પછી તેમની મુલાકાતનું આયોજન કરવા જણાવ્યું હતું. અમે 550 વર્ષ સુધી રાહ જોઈ, થોડો વધુ સમય રાહ જુઓ,, તેમણે વિનંતી કરી.

ભવિષ્યમાં અસંખ્ય મુલાકાતીઓ માટે અયોધ્યાના લોકોને તૈયાર કરતાં PMએ સ્વચ્છતા પર ભાર મૂકવાની વાત પર ભાર મૂક્યો હતો અને અયોધ્યાને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા જણાવ્યું હતું. ભવ્ય રામ મંદિર માટે, 14 જાન્યુઆરી, મકરસંક્રાંતિના દિવસથી દેશભરના યાત્રાધામો પર સ્વચ્છતાનું એક મોટું અભિયાન શરૂ કરવું જોઈએ.

PMએ ઉજ્જવલા ગેસ કનેક્શનનાં 10 કરોડમાં લાભાર્થીનાં ઘરની મુલાકાત લેવાનો પોતાનો અનુભવ પણ વર્ણવ્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લામાં પ્રથમ મે, 2016નાં રોજ શરૂ થયેલી ઉજ્જવલા યોજનાએ આટલી બધી મહિલાઓને ધુમાડામાંથી બહાર કાઢવામાં મદદ કરી છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં 10 કરોડ મફત જોડાણો સહિત 18 કરોડ ગેસ જોડાણો પ્રદાન કરવામાં આવ્યાં છે, જે અગાઉનાં 50-55 વર્ષમાં ફક્ત 14 કરોડ કનેક્શન હતાં.

PMએ પોતાની સંપૂર્ણ તાકાત સાથે લોકોની સેવા કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આજકાલ કેટલાક લોકો મને પૂછે છે કે મોદીની ગેરંટીમાં આટલી તાકાત કેમ છે. મોદીની ગેરંટીમાં એટલી તાકાત છે કારણ કે મોદી જે કહે છે તે કરે છે. આજે દેશને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે કારણ કે મોદી જે ગેરંટી આપે છે તેને પૂરી કરવા માટે પોતાના તમામ પ્રયાસો કરે છે. અયોધ્યાની આ નગરી પણ આની સાક્ષી છે. અને આજે હું ફરી એકવાર અયોધ્યાના લોકોને વિશ્વાસ અપાવીશ કે આ પવિત્ર સ્થળના વિકાસમાં અમે કોઈ કસર છોડીશું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp