ચાણક્યએ સાચુ કહેલુ વિદેશી મહિલાના પેટથી જન્મ લેનાર દેશનું ભલુ ન કરી શકેઃBJP નેતા
પોતાના બેફામ નિવેદનો માટે પ્રખ્યાત રાજસ્થાનની ભજનલાલ સરકારના લીડર મદન દિલાવર ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. કટ્ટર હિંદુ ઇમેજ ધરાવતા દિલાવરે આ વખતે રાહુલ ગાંધીને લઈને નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી દ્વારા હિંદુઓને લઈને આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ચાણક્યએ સાચું જ કહ્યું હતું કે, વિદેશી સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લેનાર વ્યક્તિ દેશનું કોઈ ભલું કરી શકે નહીં. દિલાવરે રવિવારે તેમના ઝૂંઝુનુ પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું હતું. ત્યાર પછી કોંગ્રેસ તેમના પર પ્રહારો કરી રહી છે.
આ પહેલીવાર નથી કે જ્યારે દિલાવરે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. અવાર-નવાર તેઓ એવા શબ્દોના બાણ છોડતા રહે છે કે તેનાથી હોબાળો મચી જાય છે. આ કારણે તેઓ ખુદ તો વિરોધીઓના નિશાના પર આવે જ છે સાથે જ, તેઓ વિપક્ષને તેમની સરકાર અને પાર્ટી પર પ્રહાર કરવાની તક પણ આપે છે. હિંદુત્વનો મુદ્દો હોય કે કોંગ્રેસનો, દિલાવર એવા નિવેદનો કરે છે કે, સામેની વ્યક્તિ ચોંકી જાય છે. તેઓ સરકારમાં હોય કે ન હોય, તેમના વિવાદાસ્પદ નિવેદનો રાજસ્થાનના રાજકારણનો એક ભાગ બની ગયા છે.
દિલાવરની આ શૈલી કડક હિંદુત્વની વિચારધારાને અનુસરનારાઓને ખૂબ જ પસંદ આવે છે, પરંતુ તે ક્યારેક તેમને ફસાવે પણ છે. હાલમાં જ તેણે આદિવાસીઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને ભારે હોબાળો થયો હતો. પોતાના નિવેદનમાં તેમણે આદિવાસી નેતાઓના DNA ચેક કરાવવાની વાત પણ કરી હતી, જેઓ પોતાને હિંદુ નથી માનતા. જેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે, કોંગ્રેસે આદિવાસી સમુદાયની માફી માંગવા અને મંત્રી પદ પરથી રાજીનામું માંગીને શેરીઓથી લઈને વિધાનસભા સુધી હંગામો કર્યો હતો.
મદન દિલાવરના વિવાદાસ્પદ નિવેદનોની યાદી આ પ્રમાણે છે: તેઓ શિક્ષણ મંત્રી બનતાની સાથે જ આ વર્ષની શરૂઆતમાં શાળાઓમાં હિજાબ પહેરેલી કેટલીક વિદ્યાર્થીનીઓના મુદ્દે તેમણે કહ્યું હતું કે સરકાર 'સરકાર' છે. તે જાણે છે કે ઓર્ડરનું પાલન કેવી રીતે કરવું. દરેક વ્યક્તિએ નિયત ગણવેશમાં શાળામાં આવવું પડશે.
ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા મદન દિલાવરે કોંગ્રેસ અધ્યક્ષની હડોટીની મુલાકાત પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે બારાંમાં મલ્લિકાર્જુન ખડગે નહીં, પરંતુ તેમનું ભૂત આવી રહ્યું છે. તેમણે બારાંના લોકોને ખડગેના ભૂતથી સાવધાન રહેવાની અપીલ કરી હતી.
વર્ષ 2021માં દિલાવરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે 'RSSને અનુશાસનહીન સંગઠન કહેનાર ડોટાસરા સંઘના શૌચાલયની બહાર ઉભા રહેવાને પણ લાયક નથી.' ત્યાર પછી તાજેતરમાં જ તેમણે કોટામાં ડોટાસરા પર ફરી હુમલો કર્યો હતો.
વર્ષ 2021માં, દિલાવરે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ દ્વારા કલમ 370 પર આપેલા નિવેદનનો પલટવાર કર્યો અને કહ્યું કે, હવે તે સમય ગયો જ્યારે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ કંઈ પણ કહેતી હતી. જે લોકો કલમ 370માં ફેરફાર કરવા માગે છે તેઓના આવા પ્રયાસ કરતા પહેલા તેમના હાથ કાપી નાખવામાં આવશે.
વર્ષ 2021માં જ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને તેમનું વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવ્યું હતું. તે સમયે દિલાવરે આક્ષેપ કર્યો હતો કે, આંદોલનમાં બેઠેલા ખેડૂતો દરરોજ ચિકન બિરયાની અને અન્ય સ્વાદિષ્ટ ભોજનની પાર્ટીઓ કરી રહ્યા છે. જેના કારણે બર્ડ ફ્લૂનો ખતરો સતત વધી રહ્યો છે.
વર્ષ 2021માં જ દિલાવરે એક સરપંચના પતિ સાથે થયેલા વિવાદ પછી અભદ્ર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, હા હું ખટીક છું. અમે ઘણા લોકોને સાજા કર્યા છે. બકારાઓની કતલ પણ કરી છે. જોકે, ત્યાર પછી તેમણે આ મામલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, મારે આવું ન કહેવું જોઈતું હતું.
આ પહેલા વર્ષ 2019માં તેમણે રાજ્યમાં બળાત્કારની ઘટનાઓને લઈને વિચિત્ર નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવતા દિલાવરે તો ત્યાં સુધી કહ્યું હતું કે, વર્તમાન સરકાર બળાત્કારીઓને સુરક્ષા આપે છે. તેઓ અહીં જ ન અટક્યા અને કહ્યું કે, જેમણે કોંગ્રેસને વોટ આપ્યો તે બળાત્કારી છે. તેઓ બદમાશો અને સામાજિક આતંકવાદીઓ છે.
દિલાવર રાજસ્થાન BJPમાં દલિત નેતા તરીકે એક મોટો ચહેરો છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોની યાદી ઘણી લાંબી છે. તેમનું તીક્ષ્ણ વલણ વિરોધીઓને હુમલો કરવાની પુષ્કળ તકો આપે છે. જો કે, જ્યારે પણ તેમના પર તેમના નિવેદનોનું ખોટું અર્થઘટન કરવાનો આરોપ લાગે છે, ત્યારે ઘણી વખત તેઓ કડક શબ્દોમાં કહે છે કે, તેમણે કંઈ ખોટું નથી કહ્યું. તેમની આ નિખાલસતા ઘણીવાર પક્ષને મૂંઝવણમાં મૂકે છે. પાર્ટીના નેતાઓ પણ તેમના નિવેદનો પર મૌન જાળવે છે અથવા ગમે તેમ કરીને તેમનો બચાવ કરતા જોવા મળે છે અને વિપક્ષ હંગામો મચાવતા રહી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp