INDIA ગઠબંધનનું ધ્યાન આ 3 રાજ્યો પર છે, BJP માટે મુશ્કેલી
લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી, INDIA બ્લોકના સહયોગીઓ મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી જીતીને તેમની લીડ મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. એવું આંકવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી આ ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામોની રાજકીય અસર ભવિષ્યમાં પણ પડી શકે છે.
INDIA એલાયન્સમાં સામેલ વિપક્ષી પાર્ટીઓ લોકસભા ચૂંટણીમાં પોતાની સફળતાથી ખૂબ જ ઉત્સાહિત છે. હવે તે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરવા માંગે છે. આ ત્રણેય રાજ્યો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચૂંટણી માટે તૈયાર છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને લાગે છે કે, આ રાજ્યોના પરિણામોની દેશની રાજનીતિ પર મોટી અસર પડશે. આથી તેમણે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેમનો ઉદ્દેશ્ય પરસ્પર એકતા મજબૂત કરવાનો અને ચૂંટણીમાં લીડ મેળવવાનો છે. આ સાથે જ તમામ વિરોધ પક્ષો જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીની પણ રાહ જોઈ રહ્યા છે અને તેની તૈયારીમાં વ્યસ્ત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ત્રણ રાજ્યોની સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને લાગે છે કે, આ રાજ્યોના પરિણામોની દેશની રાજનીતિ પર મોટી અસર પડશે.
ઝારખંડમાં સત્તાધારી ગઠબંધને ચૂંટણી પહેલા હેમંત સોરેનને ફરીથી CM બનાવીને પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. JMM નેતા હેમંત સોરેનને જેલમાંથી જામીન મળ્યા પછી JMM-કોંગ્રેસ-RJD-CPI (ML) ગઠબંધને આ નિર્ણય લીધો છે. વિપક્ષી નેતાઓના જણાવ્યા અનુસાર, ગઠબંધને હવે ચૂંટણી પહેલા જનતા સુધી પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ઘણી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે, જેમાં સરકારી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. CM હેમંત સોરેન પોતે આ અભિયાનનું નેતૃત્વ કરશે. આ દરમિયાન તેઓ ઘણા સરકારી વિભાગોમાં યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેમજ આવી બેઠકોનું આયોજન કરવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે ગરીબી રેખા નીચે જીવતી 21 વર્ષથી ઉપરની દરેક મહિલાને રાજ્ય સરકાર દ્વારા માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય કેબિનેટ ટૂંક સમયમાં આદિવાસી અને લઘુમતી સમુદાયોના કલ્યાણ માટે નવા પગલાં લઈ શકે છે. આ તમામ પ્રયાસોનો હેતુ ચૂંટણી પહેલા જનસમર્થન મેળવવાનો છે.
મહા વિકાસ આઘાડી (MVA)માં શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (SCP)નો સમાવેશ થાય છે. આ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટણીમાં BJP અને તેના સાથી પક્ષો સામે મળેલી જીતનું પુનરાવર્તન કરવા માંગે છે. MVA નેતાઓએ તેમના રાજકીય અને નીતિગત સંકલનના પ્રદર્શન તરીકે એક સામાન્ય ચૂંટણી ઢંઢેરા સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાનું વચન આપ્યું છે. MVA ગઠબંધને પણ એકતામાં 11 બેઠકો માટે આગામી વિધાન પરિષદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, જેથી BJPને વધારાની બેઠક જીતવાથી રોકી શકાય.
MVAના એક નેતાએ જણાવ્યું હતું કે, 'જોકે સીટ વહેંચણી અંગેની વાટાઘાટો પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ એક વાત પર વ્યાપક સર્વસંમતિ છે કે, સાથી પક્ષોએ જાહેરમા કોઈપણ વાત કર્યા વગર સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ.' વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, MVA ગઠબંધન કિસાન અને મઝદૂર પાર્ટી ઓફ ઈન્ડિયા (PAW) અને SP જેવા પક્ષોને કેટલીક બેઠકો આપીને વિધાનસભા ચૂંટણીમાં તેની પહોંચ વધારવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તેમના પ્રતિસ્પર્ધી NCP અને શિવસેનાના કેટલાક ધારાસભ્યો અને નેતાઓને તેમની બાજુમાં લઈને ચૂંટણી પહેલા હલચલ મચાવી શકે છે.
હરિયાણામાં અડધી લોકસભા બેઠકો (5) જીત્યા પછી કોંગ્રેસનું મનોબળ ઊંચું છે. જ્યારે, BJP સરકાર સતત ત્રીજી વખત પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ જીત સાથે કોંગ્રેસને આશા છે કે, રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં BJP સરકાર સામે સત્તા વિરોધી વલણ, નેતૃત્વનો અભાવ, સહયોગી JJPથી અલગ થવું, કૃષિ અને અગ્નિવીર મુદ્દે કેન્દ્ર પ્રત્યે ખેડૂતો અને સૈન્ય પરિવારોમાં નારાજગીએ કોંગ્રેસનો ઉત્સાહ વધાર્યો છે, તેમ છતાં કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, BJPનો સામનો કરવા માટે, હરિયાણા કોંગ્રેસના જૂથવાદી નેતાઓએ આંતરિક એકતા મજબૂત કરવી પડશે અને તેમનો સામાજિક આધાર વિસ્તારવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp