કન્યાઓએ વરરાજા વગર કર્યા લગ્ન, જાતે વરમાળા પહેરતી જોવા મળી, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના બલિયામાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી સામે આવી છે. 25 જાન્યુઆરીએ અહીં 568 યુગલોએ લગ્ન કર્યા હતા. પરંતુ આમાં મોટી સંખ્યામાં વરરાજાઓ વગર કન્યાના લગ્ન કરાવી દીધા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલીક કન્યાઓએ પોતે જાતે જ વરમાળા પહેરી લે છે. ઘણી કન્યાઓ પહેલેથી જ પરિણીત હોવાનું કહેવાય છે. આટલું જ નહીં, ઘણા સગીરો વરરાજા બનીને તેમના ગળામાં જાતે જ વરમાળા પહેરી રહ્યા છે. હાલમાં આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન સરકારી ખર્ચે કરવામાં આવે છે. મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર 51 હજાર રૂપિયા આપે છે. દરેક જિલ્લામાં તેનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ક્રમમાં બલિયા જિલ્લામાં 568 યુગલોના લગ્ન કરાવાયા હતા. પરંતુ હવે તે છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે. સેંકડો કન્યાઓને વરરાજા વગર પરણાવી દીધી હતી. ઘણી નવવધૂઓ તો પોતાના હાથથી જ તેમના ગળામાં માળા પહેરે છે. બુરખો પહેરેલી ઘણી મુસ્લિમ દુલ્હનોએ પણ પોતાના હાથે માળા પહેરી હતી. વિસ્તારના લોકોનું કહેવું છે કે, આ સમૂહલગ્નમાં 90 ટકા વર-કન્યા નકલી હતા. એવી અનેક મહિલાઓનો સમાવેશ થાય છે, જેમના લગ્ન પાંચ વર્ષ પહેલા થઇ ગયા હતા. લગ્ન સમારોહમાં કેટલાક વરરાજા સગીર પણ હતા. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી રાજીવ કુમાર યાદવનું કહેવું છે કે, બ્લોક લેવલેથી વેરિફિકેશન રિપોર્ટના આધારે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા કરવામાં આવશે.
પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આમાંની ઘણી યુવતીઓ ફરવા માટે આવી હતી અને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવા માટે નકલી કન્યા તરીકે બેસાડી દેવામાં આવી હતી. જેથી કાગળ પર ગણતરી બતાવી શકાય અને સરકારી તિજોરીમાંથી પૈસા લઇ લેવામાં આવે છે.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ત્યાર પછી હોબાળો મચી ગયો હતો. આ મામલે બાંસદીહ વિધાનસભાના BJP ધારાસભ્ય કેતકી સિંહે કહ્યું કે, આ ઘટનાની જાણ થઇ છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. આ ગરીબો સાથે રમત રમાઈ છે. જિલ્લા પ્રશાસને પણ તપાસ ટીમ બનાવી છે. FIRનો આદેશ આપવામાં આવ્યો છે.
હાલમાં CDOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 20 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ મળતું ભંડોળ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 પાત્રોની તપાસમાં 8 લોકો નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમની સામે કેસ નોંધવામાં આવશે અને વસૂલાત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp