મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, પથ્થરબાજી, લાઠીચાર્જમાં 38 પોલીસકર્મીને ઈજા
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ માટેનું આંદોલન આંદોલનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણમાં ફેરવાઈ ગયું. જાલના જિલ્લાના અંતરવાલી સારથીમાં પોલીસે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ઘણા લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કેટલાક ઇજાગ્રસ્તો આંતરવલી ગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.
મીડિયા સાથેની વાતમાં એક તબીબે જણાવ્યું હતું કે તેમની પાસે 30થી 40 લોકો પ્રાથમિક સારવાર માટે આવ્યા હતા. કેટલાક લોકોના શરીરમાંથી લોખંડના છરા પણ કાઢવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. આંદોલનમાં ઇજા પામેલા લોકોઅ મીડિયાને કહ્યું હતું કે, અમારું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ તુટી પડી હતી અને લાઠી ચાર્જ કરી દીધો હતો. પોલીસના લાઠી ચાર્જમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો પણ ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ માટેનો વિરોધ શુક્રવારે હિંસક બન્યો, જેમાં 38 પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા. અંબાડ તાલુકામાં ધુલે-સોલાપુર રોડ પરના અંતરવાલી સારથી ગામમાં હિંસક ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ગ્રામીણ લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે હવામાં કેટલાંક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતું. જો કે અધિકારીઓએ ફાયરીંગની પૃષ્ટિ કરી નથી.
મનોજ જરાંગેના નેતૃત્વમાં વિરોધીઓ મંગળવારથી મરાઠા સમુદાય માટે અનામતની માંગ સાથે ગામમાં ભૂખ હડતાળ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પોલીસે ડોક્ટરોની સલાહ પર જરાંગેને હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સમસ્યા શરૂ થઈ.
જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાંત રહેવાની અપીલ કરી હતી અને જાહેરાત કરી હતી કે હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવશે.નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે પથ્થરબાજી પછી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
રાજકીય રીતે પ્રભાવિત મરાઠા સમુદાયને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી અનામતને અગાઉ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આંદોલન હિંસક બન્યું હતું કારણ કે કેટલાક લોકોએ રાજ્ય પરિવહનની બસો અને ખાનગી વાહનોને નિશાન બનાવ્યા હતા.જાલના જિલ્લાના પોલીસ અધિક્ષક તુષાર દોશીએ મોડી રાત્રે જણાવ્યું કે પથ્થરમારામાં 32 પોલીસકર્મીઓ અને છ અધિકારીઓ ઘાયલ થયા છે.
તેમણે તેમને જણાવ્યું કે ગંભીર ઈજાગ્રસ્તોની જાલના સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોમાં બે નાયબ પોલીસ અધિક્ષક અને પાંચ મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેએ પણ પોલીસ દ્વારા બળપ્રયોગની નિંદા કરી અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું કે પોલીસે કોના આદેશ પર લાઠીચાર્જ કર્યો હતો?
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ફડણવીસે કહ્યું હતું કે કેટલાંક પ્રદર્શનકારીઓએ પોલીસને ઘેરી લીધી હતી.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યુ કે,સરકાર કોઈપણ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકવાની મંજૂરી આપી શકે નહીં.પોલીસે એવી રીતે લાઠીચાર્જ કર્યો કે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી. જો પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ ન કર્યો હોત તો સ્થિતિ વધુ વણસી હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp