મથુરા: શાહી ઇદગાહ વિવાદિત પરિસરનો સર્વે કરાશે, હાઇકોર્ટે અરજી સ્વીકારી

PC: ipleaders.in

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહના વિવાદિત પરિસરનો સર્વે કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ ચુકાદો આપ્યો છે. હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને કોર્ટે સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે વક્ફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે અરજી સાંભળવા યોગ્ય નથી.

હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. 16 નવેમ્બરે આ અરજીની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દિવસે, વિવાદિત જગ્યા સંબંધિત 18માંથી 17 અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. આ તમામ અરજીઓને સુનાવણી માટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ખસેડવામાં આવી હતી.

હાઈકોર્ટના ચુકાદા બાદ હવે કોર્ટ કમિશનર શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહની 13.37 એકર વિવાદિત જમીનનો સર્વે કરશે. આ સર્વે મે 2021માં જ્ઞાનવાપી, વારાણસીમાં કરાયેલા કમિશનરના સર્વે જેવો હશે. જેમાં કોર્ટ કમિશનરની ટીમ ત્યાં જઈને પુરાવા એકત્રિત કરશે અને કોર્ટને રિપોર્ટ આપશે.

હાઈકોર્ટના ચુકાદા બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું, આજે અમે માંગ કરી હતી કે મથુરામાં 13.37 એકર વિવાદિત જમીન યોગેશ્વર ભગવાન કૃષ્ણની છે. મસ્જિદ ખોટી રીતે કબજામાં છે. તે કબજો હટાવવો જોઈએ. 12 ઓક્ટોબર. 1968 કરારને ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ.

શ્રી કૃષ્ણ વિરાજમાનની અરજીમાં હરીશંકર જૈન, વિષ્ણુ જૈન અને રંજના અગ્નિહોત્રી અરજદાર છે. જસ્ટિસ મયંક જૈને એક પછી એક કેસની સુનાવણી કરી. પક્ષકારો વતી અરજીઓ અને એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. કેટલાકે પક્ષકાર બનવા માટે અરજી દાખલ કરી હતી, જ્યારે અન્યોએ સુધારો દાખલ કર્યો હતો. આ પછી, કોર્ટે અન્ય પક્ષને એટલે કે મુસ્લિમ પક્ષને સિવિલ વાદઅને અરજીઓ પર જવાબ આપવા માટે સમય આપ્યો હતો.

શ્રી કૃષ્ણ જન્મસ્થળ શાહી ઈદગાહ કેસમાં 12 ઓક્ટોબર 1968ના રોજ સમજૂતી થઈ હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘ, શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટની સહયોગી સંસ્થા અને શાહી ઇદગાહ વચ્ચેના આ કરારમાં 13.37 એકર જમીનમાંથી લગભગ 2.37 એકર જમીન શાહી ઇદગાહ માટે આપવામાં આવી હતી.

જો કે આ કરાર બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હિન્દુ પક્ષ આ કરારને ગેરકાયદે ગણાવી રહ્યું છે. હિન્દુ પક્ષના મતે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંઘને કરાર કરવાનો કોઈ અધિકાર નહોતો.

કોર્ટના નિર્ણય પછી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના વકીલ દિનેશ શર્માએ કહ્યું, મથુરામાં શ્રી કૃષ્ણનું એક ભવ્ય મંદિર હતું. તેના પર મોઘલ શાસકો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે કોર્ટ કમિશ્નર શાહી ઇદગાહ પરિસરમાં જશે. હવે એ દિવસ દુર નથી, જ્યારે અયોધ્યાની જેમ મથુરામાં પણ શ્રીકૃષ્ણનું ભવ્ય મંદિર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp