માયાવતીએ ગુસ્સામાં કેમ કહ્યું હવે હું ક્યારેય પેટાચૂંટણી નહીં લડું...

PC: twitter.com

ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો પછી બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ પત્રકાર પરિષદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) દ્વારા નકલી વોટ નાખવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ચૂંટણી પંચ આ છેતરપિંડી સામે કડક પગલાં નહીં લે ત્યાં સુધી તેમની પાર્ટી કોઈપણ પેટા ચૂંટણી લડશે નહીં. માયાવતીએ કહ્યું, 'પેટાચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને લોકોમાં EVMના દુરુપયોગની વાત ચાલી રહી છે, આ BSPને કમજોર કરવાનું કાવતરું છે. જે લોકશાહી માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાની વાત છે.'

માયાવતીએ ચૂંટણી પંચને નકલી મતદાન રોકવા માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી હતી. તેમણે આગળ કહ્યું, 'BSP સમર્થકો કોઈના કહેવામાં ન આવી જાય, વિરોધીઓથી સાવધાન રહેજો, આપણે એક થઈને રહેવું પડશે.'

BSP સુપ્રીમોએ ઉત્તર પ્રદેશ તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીએ ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી છે. આ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.

EVM અને નકલી મતદાનને લોકશાહી માટે મોટો ખતરો ગણાવતા તેમણે કહ્યું કે, 'આ અંગે જનતામાંથી અવાજો આવી રહ્યા છે. જ્યાં સુધી ચૂંટણી પંચ આ અંગે કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી અમારી પાર્ટી BSP ભવિષ્યમાં કોઈ પણ પેટાચૂંટણી લડશે નહીં.' જોકે, માયાવતીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો નિર્ણય માત્ર પેટાચૂંટણી પૂરતો મર્યાદિત રહેશે. તેમની પાર્ટી લોકસભા અને વિધાનસભાની મુખ્ય ચૂંટણી પહેલાની જેમ જ લડશે. તેમણે વધુમાં કહ્યું કે, પક્ષ ત્યારે જ પેટાચૂંટણી લડશે, જ્યારે ચૂંટણી પંચ ખાતરી આપશે કે તેમાં કોઈ ધાંધલ ધમાલ નહીં થાય.

અહીં તમને જણાવી દઈએ કે, માયાવતીની પાર્ટી BSPએ 14 વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી લડી હતી અને એમાં પાર્ટી ખરાબ રીતે હારી ગઈ. આ વખતની પેટાચૂંટણીની ખાસ વાત એ હતી કે, માયાવતી પોતે પ્રચાર કરવા મેદાનમાં નથી આવ્યા અને ન તો BSPનો કોઈ મોટો નેતા પેટાચૂંટણીના પ્રચારમાં જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે UPમાં સૌથી મજબૂત વોટબેંક ધરાવતી પાર્ટી માનવામાં આવતી BSP સંપૂર્ણ રીતે વેરવિખેર થતી જોવા મળી રહી છે. 9 બેઠકો પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને કુંડાર્કીમાં માત્ર 1036, મીરાપુરમાં 3248, કરહાલમાં 8409 અને સિસમાઉમાં માત્ર 1500 મત મળ્યા હતા. ફુલપુરમાં મતગણતરી દરમિયાન પક્ષના ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp