ISROનો ચમત્કાર! ભારતના 4700-KG ઉપગ્રહ સાથે એલોન મસ્કનું રોકેટ ઉડ્યું
જ્યારે તમે અને હું સૂતા હતા ત્યારે ઇસરો અવકાશમાં બીજી સફળતા મેળવી રહ્યું હતું. હા, સોમવારે મોડી રાત્રે ઈલોન મસ્કના રોકેટે ઈસરોના GSAT-20 સેટેલાઈટને તેની પીઠ પર બાંધીને અવકાશમાં ઉડાન ભરી હતી. હકીકતમાં, એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટે મંગળવારે વહેલી સવારે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ISROના GSAT-20 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. ISROના 4700 kg GSAT-N2 સેટેલાઇટનો હેતુ દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.
હકીકતમાં, આ GSAT-N2 ઉપગ્રહને દૂરના અંતરિયાળ વિસ્તારોમાં ડેટા અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સક્ષમ કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ISROનું માર્ક-3 લોન્ચ વાહન જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં મહત્તમ 4000 કિલો વજન લઇ જઈ શકે છે, પરંતુ GSAT-N2નું વજન 4700 કિલો હતું. આ માટે ભારતને એવા રોકેટની જરૂર હતી, જે આ વજનદાર વસ્તુને અવકાશમાં લઈ જઈ શકે. એટલા માટે ઈસરોએ આ મિશન માટે સ્પેસએક્સના લોન્ચ વ્હીકલની મદદ લીધી હતી. સ્પેસએક્સ સાથે ઇસરોનું આ પ્રથમ વ્યાપારી સહયોગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, GSAT-N2ને GSAT-20 તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ઉચ્ચ-થ્રુપુટ સંચાર ઉપગ્રહ છે, જે KA-બેન્ડમાં કામ કરે છે. તેને ન્યૂઝપેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)દ્વારા વિકસાવવામાં આવ્યું છે. NSILએ અવકાશ વિભાગ હેઠળ ISROની વ્યાપારી શાખા છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડે X પર આ લોન્ચ વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
ISROએ જણાવ્યું હતું કે, GSAT-N2 સેટેલાઇટ બહુવિધ સ્પોટ બીમ ધરાવે છે અને તેને નાના યુઝર ટર્મિનલ્સ દ્વારા મોટા યુઝર બેઝને ટેકો આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ISRO અનુસાર, GSAT-N2ની મિશન લાઇફ 14 વર્ષ છે અને તેમાં 32 યુઝર બીમ છે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં 8 સાંકડા સ્પોટ બીમ અને 24 પહોળા સ્પોટ બીમ બાકીના ભારતને આવરી લે છે. આ બીમને સમગ્ર ભારતમાં હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે. સેટેલાઇટનું KA-બેન્ડ હાઇ-થ્રુપુટ કોમ્યુનિકેશન પેલોડ આશરે 48 Gbpsનું થ્રુપુટ પૂરું પાડે છે.
UR રાવ સેટેલાઇટ સેન્ટર, બેંગલુરુના ડાયરેક્ટર ડૉ. M શંકરનએ જણાવ્યું હતું કે, 'એકવાર કાર્યરત થઈ ગયા પછી, આ સ્વદેશી ઉપગ્રહ વૈશ્વિક નકશા પર ભારતમાં ઈન્-ફ્લાઇટ ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર તફાવત પૂરો કરશે.' ડૉ. M શંકરનએ વાતને વધુ ભાર આપતા કહ્યું કે, 'આ ભારતનો વધારે થ્રુપુટવાળો ઉપગ્રહ અને અત્યંત માંગવાળા KA-બેન્ડમાં વિશિષ્ટ રીતે સંચાલન કરવા માટેનો એકમાત્ર ઉપગ્રહ છે.'
અત્યાર સુધી ભારતમાં લેન્ડિંગ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સે તેમની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડતી હતી. કારણ કે ભારત આ અગાઉ ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટીને મંજૂરી આપતું ન હતું. પરંતુ નિયમોમાં તાજેતરના ફેરફારો પછી હવે ભારતીય એરસ્પેસમાં ઈન્-ફ્લાઇટ ઈન્ટરનેટ એક્સેસની મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો હેઠળ, 3,000 મીટરથી વધુની ઊંચાઈએ ઉડતા વિમાનમાં Wi-Fi સેવાઓની મંજૂરી છે. જો કે, ફ્લાઇટ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની પરવાનગી હોય તો જ મુસાફરો આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp