મોદી આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષનું રાજીનામુ,ચૂંટણી અગાઉ પાર્ટી છોડી રહ્યા છે નેતા
હરિયાણામાં ભાજપના નેતાઓનો પાર્ટી છોડવાનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં એક બાદ એક ઘણા નેતા ભાજપ છોડીને કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓમાં જઇ ચૂક્યા છે. પાર્ટીને વધુ ઝટકો પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ગૃહ ક્ષેત્ર કરનાલથી લાગ્યો છે. અહી મોદી આર્મીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનોદ જુનેજાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. એ અનુંસધાને હરિયાણાના પટોડી વિધાનસભા ક્ષેત્રથી ટિકિટ ન મળવાથી નારાજ સુમેર સિંહ તંવરે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તંવર લાંબા સમયથી પાર્ટી માટે કામ કરી રહ્યા હતા.
હરિયાણામાં ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર થયા બાદ જ ભાજપમાં અફરાતફરી મચી છે. હરિયાણા ભાજપના OBC મોરચાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણ દેવ કાંબોજે પણ થોડા દિવસ અગાઉ પાર્ટી છોડી દીધી હતી. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માગી રહ્યા હતા. ભાજપ હરિયાણા કિસાન મોરચાના અધ્યક્ષ સુખવિન્દર માંડી અને કરનાલના પૂર્વ ધારાસભ્ય જયપ્રકાશ ગુપ્તા પણ પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. એવા નેતાઓની લાંબી લિસ્ટ છે, જેમણે ગત દિવસોમાં ભાજપનો સાથ છોડ્યો છે.
અસંધના પૂર્વ ધારાસભ્ય સરદાર બખ્શીશ સિંહ, પૂર્વ ધારાસભ્ય જિલેરામ શર્મા પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વિનોદ જુનેજા બાબતે વાત કરીએ તો તેઓ 2022માં નગર પાલિકાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય મોદી આર્મીમાં ઉપાધ્યક્ષ પદ પર કામ કરી રહ્યા હતા. મોદી આર્મીનું કામ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની યોજનાઓને સામાન્ય લોકો વચ્ચે પહોંચાડવાનું છે. વિનોદ જુનેજાનું કહેવું છે કે તેઓ 1989થી ભાજપ સાથે જોડાયેલા છે અને સતત પાર્ટી માટે કામ કરતાં રહ્યા, પરંતુ પાર્ટીએ હંમેશાં તેમને નજરઅંદાજ કર્યા. નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ટિકિટ માગી હતી, પરંતુ પાર્ટીએ તેમને નજરઅંદાજ કરી દીધા અને આ વખત પણ ટિકિટ ન આપી.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પણ પાર્ટી નેતાઓના બળવાથી ઝઝૂમી રહી છે, પરંતુ ભાજપમાં પાર્ટીના નેતાઓની નારાજગી અને તેને છોડવાના સમાચારો કંઈક વધારે જ છે. મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની, પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડોલી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા બળવાખોર અને નારાજ નેતાઓને મનાવવા માટે પરસેવો પાડી રહ્યા છે, પરંતુ ઘણી જગ્યાએ તેમણે સફળતા મળી નથી. એવામાં નારાજ અને બળવો કરીને ચૂંટણી લડી રહેલા નેતા હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાના ભાજપના સપના પર પાણી ફેરવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp