મોદી કેબિનેટની એક બાદ એક મોટી જાહેરાત, ખરીફ પાકના 14 પાકો પર MSPને મળી મંજૂરી
2024 લોકસભાની ચૂંટણીના પરિણામ અને કેન્દ્રમાં ફરી એક વખત સરકાર બન્યા બાદ સરકાર એક્શન મોડમાં છે. બુધવારે મોદી કેબિનેટે ખેડૂતો સહિત વિભિન્ન ક્ષેત્રો માટે એક બાદ એક ઘણા નિર્ણયોને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે ખરીફ સીઝનના 14 પાકની MSPને મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટે એ સિવાય પણ ઘણા અન્ય મોટા નિર્ણય લીધા છે. આવો જાણીએ આ મામલે સંપૂર્ણ અપડેટ.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો પર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આજે કેબિનેટમાં ખેડૂત કલ્યાણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ પાક માટે 14 પાકો પર કેબિનેટે MSPને મંજૂરી આપી છે. ડાંગરની નવી MSP 2300 રૂપિયા કરી દેવામાં આવી છે જે ગત MSPથી 117 રૂપિયા વધારે છે. કપાસની નવી MSP 7121 રૂપિયા અને બીજા પ્રકાર માટે 7521 રૂપિયા પર મંજૂરી આપી છે, જે ગત MSPથી 501 રૂપિયા વધારે છે.
ખરીફ સીઝનના પાક માટે MSPની જાહેરાત કરતા કેન્દ્રીય કેબિનેટના નિર્ણય પર અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી કે, આ નિર્ણયથી ખેડૂતોને MSPના રૂપમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયા મળશે. એ ગત સીઝનની તુલનામાં 35,000 કરોડ રૂપિયા વધારે છે. કેન્દ્રીય મંત્રી મંડળે મહારાષ્ટ્રના વધાવનમાં મોટા જહાજો માટે 76,200 કરોડ રૂપિયાના ખર્ચે નવા પોર્ટના વિકાસને મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પોર્ટની ક્ષમતા 23 મિલિયન ટિયુ (Teu) હશે. તેની ક્ષમતા 298 મિલિયન ટન હશે. આ પોર્ટથી 12 લાખ રોજગાર પણ ઉત્પન્ન થવાનું અનુમાન છે.
મોદી કેબિનેટે વારાણસી એરપોર્ટના વિકાસ અને નવા ટર્મિનલ, રનવે વિસ્તાર માટે 2869.65 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એ સિવાય કેબિનેટે ભારતની પહેલી અપતટીય પવન ઉર્જા પરિયોજનાને મંજૂરી આપીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તે 1GW અપતટીય પરિયોજનાઓ હશે, જેમાંથી દરેકની ક્ષમતા 500 મેગાવોટ (ગુજરાત અને તમિલનાડુના કિનારે) હશે. આ ભારત માટે એક મોટો અવસર છે.
મહારાષ્ટ્રના વધાવનમાં દરેક હવામાનને ઉપયુક્ત ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ વિકસિત કરવાના નિર્ણય પર સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, IMEC એટલે કે મધ્ય ભારત- પૂર્વ યુરોપ કોરિડોરનું એક અભિન્ન અંગ હશે. તેનું નિર્માણ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના જોઇન્ટ વેન્ચર દ્વારા કરવામાં આવશે. એ દુનિયાના ટોપ-10 પોર્ટમાંથી એક હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp