રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાઇ ગયું, હવે આ નામથી ઓળખાશે

PC: shaandaarjenie.com

કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રપતિ ભવનામાં આવેલા મુઘલ ગાર્ડનનું નામ બદલી નાંખ્યું છે. સરકારે શનિવારે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. આ પહેલાં પણ મુઘલ શાસકોના નામ પર જે રસ્તાના નામ હતા તે બદલી નંખાયા હતા. ઔરંગઝેબન રોડનું નામ બદલીને APJ અબ્દુલ કલામ કરી દેવમાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ ભવનનો મુઘલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ જાણીતો છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ ગાર્ડનનેદેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને જનતા માટે ખોલવામાં આવે છે.

15 એકરમાં ફેલાયેલ આ બાગ બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. એક કહેવત છે કે મુઘલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનની આત્મા છે. મુઘલ ગાર્ડનનો એક ભાગ ગુલાબની ખાસ જાતો માટે જાણીતો છે.; રાષ્ટ્રપતિ ભવન અને મુઘલ ગાર્ડનની ડિઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી.

મુઘલ ગાર્ડન 12 વિભાગમાં વહેંચાયેલો છે તેમાં રોઝ ગાર્ડન તેમજ બાયો ડાયવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકેન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક છે. જ્યાં લોકો ફરવા જતા વિવિધ પ્રકારના ફૂલો જોઈ શકે છે. અહીં તમને ટ્યૂલિપ, મોગરા-મોતિયા, રજનીગંધા, બેલા, રાત કી રાની, જુહી, ચંપા-ચમેલી જેવા અનેક પ્રકારના ફૂલો જોવા મળશે.

રાષ્ટ્રપતિ ભવન દ્રારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,અમૃત ઉદ્યાન (મુઘલ ગાર્ડન) 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી, તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ અહીં હાજર સુંદર ફૂલોનો આનંદ માણી શકશે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાનમાં ફક્ત તે જ લોકોને જવાની મંજૂરી આપવામાં આવશે, જેઓ ઓનલાઈન એડવાન્સ બુકિંગ દ્વારા પાસ લઈને આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર, સાવચેતીના ભાગરૂપે વોક-ઇન એન્ટ્રીની સુવિધા નહીં હોય. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે પણ વોક-ઇન એન્ટ્રીની સુવિધા નહોતી. ત્યારે પણ જેમણે એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું તેમને જ ગાર્ડન પ્રવેશ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp