'મુસ્લિમ મત જોઈએ છે, ઉમેદવાર નહીં...' નેતાનું દર્દ છલકાયું,લોકોને જવાબ અપાતો નથી
મહારાષ્ટ્ર કોંગ્રેસ અને તેના સહયોગી મહા વિકાસ આઘાડી (MVA) જૂથ વચ્ચેનો આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના નેતા મુહમ્મદ આરિફ 'નસીમ' ખાને રાજ્યમાં કોઈપણ મુસ્લિમ નેતાને ઉમેદવારી ન આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીની પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરે, કારણ કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) જૂથે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.
રાજ્યના પૂર્વ મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, 'મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી MVAએ એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.' તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના ઘણા મુસ્લિમ સંગઠનો, નેતાઓ અને પાર્ટીના કાર્યકરો આશા રાખતા હતા કે, કોંગ્રેસ લઘુમતી સમુદાયમાંથી ઓછામાં ઓછા એક ઉમેદવારને નોમિનેટ કરશે, પરંતુ કમનસીબે એવું બન્યું નહીં.'
60 વર્ષીય કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો હવે તેમને પૂછે છે કે, 'કોંગ્રેસને મુસ્લિમ વોટ જોઈએ છે, પણ ઉમેદવાર કેમ નહીં? ખાને પત્રમાં ભાવનાત્મક રીતે લખ્યું કે, આ તમામ કારણોને લીધે હું મુસ્લિમોનો સામનો કરી શકતો નથી, અને મારી પાસે તેમને આપવા માટે કોઈ જવાબ નથી.' ખાને એમ પણ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રચાર સમિતિમાંથી પણ રાજીનામું આપી રહ્યા છે.
કોંગ્રેસ શિવસેના (UBT) અને NCP (શરદચંદ્ર પવાર) સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેઓ વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ના ઘટક છે. મુહમ્મદ આરીફ ખાન મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટની રેસમાં હતા, પરંતુ પાર્ટીએ આ મતવિસ્તાર માટે શહેર એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડને પસંદ કર્યા. તેમણે 2019ની વિધાનસભાની ચૂંટણી મુંબઈમાં ચાંદીવલીથી લડી હતી, જ્યાં તેઓ માત્ર 409 મતોથી હારી ગયા હતા.
મીડિયા સૂત્રો સાથે અલગથી વાત કરતા, ખાને કહ્યું કે, કોંગ્રેસ લાંબા સમયથી ચાલી આવતી સમાવિષ્ટતાની વિચારધારાથી ભટકી ગઈ હોય તેવું લાગે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, તેમને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને આ સામાજિક જૂથોના પક્ષના કાર્યકરો તરફથી ફોન આવ્યા હતા, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે ટિકિટ ફાળવતી વખતે કોંગ્રેસે તેમની અવગણના કેમ કરવામાં આવી.
ગુસ્સે ભરાયેલા ખાને કહ્યું, 'હું એ પ્રશ્નનો સામનો કરી શકતો નથી કે શા માટે અન્યાય (લઘુમતી જૂથો સાથે) કરવામાં આવ્યો. પાર્ટી તેની સર્વસમાવેશક વિચારધારા અને તમામ સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાથી ભટકી ગઈ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp