દુનિયાના એ સ્થળો જેના પર પ્લેન ઉડાડવા પર છે પ્રતિબંધ, ભારતનું પણ એક સ્થળ સામેલ

PC: zeenews.india.com

હાલમાં જ સોશિયલ મીડિયા પર એ વાતની ચર્ચા થવા લાગી છે કે, દુનિયામાં કઈ એવી જગ્યાઓ છે જેના ઉપરથી વિમાન કે હવાઈ જહાજો નથી ઉડી શકતા. આ ચર્ચા ત્યારે સામે આવી જ્યારે નેપાળમાં એક ભયાનક અકસ્માત થયો અને આ અકસ્માતમાં વિમાનમાં સવાર એક પણ વ્યક્તિ જીવિત નહીં બચ્યો.

નો-ફ્લાય ઝોન સ્થાયી અને અસ્થાયી બંને રીતે હોય છે. કોઈપણ રાષ્ટ્રીય અથવા અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો માટે સરકાર તે સ્થળને અમુક સમય માટે નો-ફ્લાય ઝોન જાહેર કરી દે છે. કેટલીક વાર યુદ્ધ ક્ષેત્રને પણ નો-ફ્લાય ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવે છે. પરંતુ તે છતાં પણ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જેને સ્થાયી રીતે નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવી છે. આવો આ વિશે જાણીએ.

ડિઝની પાર્ક, કેલિફોર્નિયા

દુનિયાભરના લોકોમાં ડિઝની પાર્ક ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્થળ એટલું જ જાદુઈ છે જેટલી તમે કલ્પના કરી શકો છો. પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ ડિઝની પાર્કની ઉપરથી પ્લેનની ઉડાન પર પ્રતિબંધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 9/11 બાદ ડિઝની પાર્ક સહિતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તિબેટ

તિબેટને દુનિયાના સૌથી ઊંચા પ્રદેશોમાંનો એક માનવામાં આવે છે, આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ 16000 ફૂટ સુધી છે. તેની સીમાઓની અંદર આવેલા ઊંચા પર્વતોને કારણે આ ખૂબસુરત સ્થળ પર વિમાન ઉડાડવવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષાને કારણે આ સ્થળ નો-ફ્લાય ઝોન છે.

માચુ પિચ્ચુ

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ પેરુનું માચુ પિચ્ચુ પણ નો-ફ્લાય ઝોન છે. આ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે જેને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આ ઐતિહાસિક સ્થળ દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં આવેલું છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી 2,430 મીટરની ઉંચાઈ પર ઉરુબામ્બા ખીણની ઉપર એક પહાડ પર આવેલું છે. આ સ્થળના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે તે ફેમસ છે, સાથે જ દુર્લભ વન્યજીવો અને વનસ્પતિના જીવનની સંખ્યા માટે જે ફક્ત અહીં જ ઉગે છે તેના માટે પણ તે પ્રખ્યાત છે.

મક્કા

ઇસ્લામ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. કોઈ પણ પેસેન્જર વિમાનને મક્કા અને ખાસ કરીને પવિત્ર કાબા ઉપરથી ઉડવાની મંજૂરી નથી. તે હજ યાત્રાનું અંતિમ સ્થળ અને ઇસ્લામિક આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે પ્રસિદ્ધ છે.

તાજ મહેલ

ભારતનાં આગ્રામાં સ્થિત તાજમહેલ દુનિયાની વાસ્તુકલાની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી સુંદર ધરોહરમાંથી એક છે. યુનેસ્કોએ તાજમહેલના મહત્વને ધ્યાનમાં રાખતા 1983મા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે નામ આપ્યું હતું. તેની ઉપર પણ વિમાન નથી ઉડી શકતા. રિપોર્ટ્સ મુજબ, તાજમહેલ અને ત્યાં આવનારા પ્રવાસીઓની સુરક્ષાને કારણે 2006મા તેને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો હતો.

બકિંઘમ પેલેસ

યુનાઇટેડ કિંગડમનો બકિંઘમ પેલેસ પણ નો-ફ્લાય ઝોન વિસ્તાર છે. તે બ્રિટેનના શાહી ઘરનું કાર્યાલય અને પ્રતીક છે. બ્રિટનની રાણી કે રાજા અહીં રહે છે. મહેલ અને શાહી પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે બ્રિટનમાં ઘણી અન્ય જગ્યાઓ પણ સામેલ છે. તેમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ, સંસદના સદન અને UKના વડા પ્રધાનના સત્તાવાર નિવાસ સામેલ છે.

બાર્સેલોનાનો ગાવા સ્થિત વિસ્તાર

બાર્સેલોનાના ગાવા સ્થિત એક વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ નો-ફ્લાય ઝોન જાહેર છે. રિપોર્ટ્સ મુજબ, અહીં ફ્લોરા ફૉના ખૂબ જ દુર્લભ છે. તેને ધ્યાનમાં રાખીને, સરકાર નથી ઈચ્છતી કે ત્યાંની હવાને દૂષિત કરવામાં આવે. એક રસપ્રદ તથ્ય એ પણ કહેવામાં આવે છે કે, આ વિસ્તારમાં સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીનું ઘર પણ છે.

આ બધા સિવાય દુનિયામાં અસ્થાયી રૂપે ઘણી જગ્યાઓ પર નો-ફ્લાય ઝોનનો નિયમ લગાવી દેવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, નો-ફ્લાય ઝોનનો મતલબ એ વિસ્તાર કે જેના ઉપર કોઈ પણ પ્રકારના હવાઈ જહાજ, ફ્લાઈટ, વિમાન, પ્લેન, લડાકુ વિમાન, હેલિકોપ્ટર ઉડાવવા પર પ્રતિબંધ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp