શું UP BJPમા બધુ બરાબર છે? CM યોગીએ કહી દીધું- 'બેકફૂટ પર આવવાની જરૂર નથી'

PC: twitter.com

લોકસભા ચૂંટણી પછી BJPની પ્રથમ રાજ્ય કાર્ય સમિતિની બેઠક લખનઉમાં યોજવામાં આવી હતી. આ દરમિયાન CM યોગીએ BJP કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકરોને પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે, બેકફૂટ પર આવવાની જરૂર નથી. CM યોગીએ કહ્યું કે, તાજેતરની લોકસભાની ચૂંટણી પહેલા BJPએ PM મોદીના નેતૃત્વમાં 2014, 201, 2019 અને 2022માં વિપક્ષને હરાવ્યા હતા. CM યોગીએ સામાન્ય ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે 2014, 2017 અને 2022માં જેટલા ટકા મતો BJPની તરફેણમાં હતા... BJP 2024માં પણ તેટલી જ સંખ્યામાં મત મેળવવામાં સફળ રહી છે. પણ હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં BJPને UPમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હતા, 80 બેઠકો ધરાવતા રાજ્યમાં BJPને માત્ર 33 બેઠકો મળી હતી.

કારોબારીની બેઠકમાં CM યોગીએ કહ્યું કે, જ્યાં આપણે વધુ પડતા આત્મવિશ્વાસમાં હોઈએ છીએ અને એવું લાગે છે કે, આપણે જીતી જઈશું ત્યાં ઘણી વાર આપણને નુકસાન થઇ જાય છે. જેના કારણે વિપક્ષો ઉછળ કૂદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે 500 વર્ષની રાહનો અંત કર્યો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ડબલ એન્જિન સરકારનું સપનું સાકાર થયું છે. BJPના કાર્યકરોએ કોઈપણ સંજોગોમાં બેકફૂટ પર આવવાની જરૂર નથી.

UPમાં 10 સીટો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને CM યોગીએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવતા કહ્યું કે, BJP તમામ 10 સીટો પર પેટાચૂંટણી જીતશે. પરંતુ આ માટે દરેક કાર્યકર્તાએ આજથી જ એકત્ર થવું પડશે. આપણે આને એક ઝુંબેશ ગણીને એકત્રીકરણ કરવું પડશે. આપણે આ માટે અહીં ભેગા થયા છીએ. CM યોગીએ કહ્યું કે, આપણે જીતની પરંપરા જાળવી રાખવી પડશે. તેને આગળ વધારવાનું છે. અહીં તમને જણાવી દઈએ કે, 10 જુલાઈએ 7 રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં INDIA બ્લોકે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે BJPને નુકસાન થયું છે. INDIA બ્લોકે 13માંથી 10 બેઠકો જીતી છે, જ્યારે BJPને માત્ર 2 બેઠકો મળી છે. પેટાચૂંટણીમાં મળેલી સફળતાને કારણે INDIA બ્લોકનું મનોબળ ઊંચું છે.

પેટાચૂંટણીની સાથે CM યોગીએ UPમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે 2027માં પણ જીતનો સિલસિલો જાળવી રાખવો પડશે, આ માટે આપણે આજથી જ સંકલ્પ લેવો પડશે. BJP પાસે જિલ્લામાં મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, બ્લોક પ્રમુખ, ચેરમેન અને કાઉન્સિલર પણ છે. પણ અહીં જો જરાપણ નુકસાન થયું તો તેની સીધી અસર ત્યાં (વિધાનસભાની ચૂંટણી) પડશે. તેથી, તે બ્લોક ચીફ હોય કે ચેરમેન, મેયર હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય હોય કે વિધાન પરિષદના સભ્ય, લોકસભાના સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ... દરેકે સંગઠન સાથે ઉત્તમ સંકલન કરીને કામ કરવું પડશે. સંગઠન જે પણ નિર્ણય કરે તેની સાથે ઉભા રહીને કમળના ફૂલને વિજયી બનાવવાના સંકલ્પ સાથે આગળ વધો.

CM યોગીએ કાર્યકર્તાઓને કહ્યું કે, વિશ્વની શક્તિઓ જાણે છે કે સમાજ જો વિખરાયેલો હશે તો તે આસાન શિકાર બની જશે, જો તે એક થશે તો તેની સામે ગમે તેટલી મોટી શક્તિઓ પણ તૂટી પડશે. ચૂંટણી વખતે તમારી તાકાતનું જાતિના નામે વિભાજન કરીને અને સત્યને તોડવા મરોડવાનું પાપ થયું, તેને લઈને આપણે સાવધાન રહેવું પડશે. તેમણે કહ્યું કે, આજે દરેક પાસે સ્માર્ટફોન છે. પરંતુ શું કારણ હતું કે વિરોધીઓ શંકાસ્પદ ષડયંત્રને પાર પાડવામાં સફળ રહ્યા હતા? આપણે આ અંગે જાગૃત રહેવું પડશે. તેમણે કહ્યું કે, BJPના કાર્યકરોએ જોવું જોઈએ કે, સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે. જો કાર્યકરોએ BJPની યોજનાઓ, દલિત મહાપુરુષો અને વિચારકોની સિદ્ધિઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારો સુધી પહોંચાડી હોત, તો શક્ય છે કે પરિણામો અલગ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp