'દેશના પિતા નહીં, દેશના લાલ હોય છે', કંગના ફરી વિવાદમાં, કોંગ્રેસ નારાજ
BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ થયો છે. ગાંધી જયંતિના અવસર પર કંગનાએ એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે આ ભારત માતાના આ લાલ. આ સાથે કંગનાએ દેશના પૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર પણ પોસ્ટ કરી છે. કંગનાની આ પોસ્ટ પર કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા રાજ કુમાર વર્માએ કહ્યું છે કે, કંગના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, દેશ આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આજે ભારતના પૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ છે. આ અવસર પર PM નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પ્રસંગે કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કંગનાએ લખ્યું છે કે, 'દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે આ ભારત માતાના આ લાલ' આની નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, 'જય જવાન, જય કિસાન'ના ઉદ્ઘોષક, પૂર્વ PM ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.' આ પોસ્ટની આગળની સ્લાઈડ પર, કંગનાએ એક વીડિયો સંદેશમાં લખ્યું છે, 'સ્વચ્છતા એટલી જ મહત્વપૂર્ણ છે, જેટલી સ્વતંત્રતા છે, આપણા PM મહાત્મા ગાંધીના આ વિઝનને તેમની જન્મજયંતિ પર આગળ લઈ રહ્યા છે.'
કંગનાની આ પોસ્ટ પર કોંગ્રેસ નેતા રાજ કુમાર વર્માએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, 'કંગના રનૌત વારંવાર રાષ્ટ્ર વિરોધી વાતો કહી રહ્યા છે. તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ. BJP કંઈ કરી રહ્યું નથી. એક તરફ PM ગાંધીજીને ફૂલ અર્પણ કરી રહ્યા છે અને બીજી તરફ BJP સાંસદો ગાંધીજી વિરુદ્ધ આવી વાતો કરી રહ્યા છે, કંગના સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
ત્યાં સુધી કે, પંજાબ BJPના નેતા હરજીત ગ્રેવાલે પણ કંગનાની પોસ્ટને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, 'કંગના રનૌત દ્વારા ગાંધી વિશે આપવામાં આવેલ નિવેદન શરમજનક છે. તેઓ ગાંધીને પસંદ નથી કરતા પણ લાલ બહાદુર શાસ્ત્રીને પસંદ કરે છે. તેઓ ગાંધીજીનું અપમાન કેવી રીતે કરી શકે? ગાંધીજી વિના ભારતને આઝાદી કેવી રીતે મળી હોત? કંગનાને કંઈ ખબર નથી. કંગનાના મંતવ્યો ગોડસેના મંતવ્યો છે. મંડીના લોકોએ તેમને સાંસદ બનાવીને ભૂલ કરી.'
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કંગના પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. થોડા દિવસો પહેલા જ કંગનાએ કહ્યું હતું કે, ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ફરીથી લાગુ કરવા જોઈએ. કંગનાએ દલીલ કરી હતી કે, આ ત્રણેય કાયદા ખેડૂતો માટે ફાયદાકારક છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ખેડૂત સંગઠનોના વિરોધને કારણે સરકારે તેમને રદ્દ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો દેશના વિકાસમાં શક્તિનો આધારસ્તંભ છે. હું તેમને અપીલ કરવા માંગુ છું કે, તેઓ પોતાના ભલા માટે કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરે.'
આ અગાઉ કંગનાએ એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે, ખેડૂતોના આંદોલન દ્વારા ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાની તૈયારીઓ છે. જો આપણું ટોચનું નેતૃત્વ મજબૂત નહીં હોતે તો અહીં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાતા વધુ સમય નહીં લાગતે.
ભારતીય જનતા પાર્ટીએ કંગનાના આ નિવેદનોથી પોતાને દૂર રાખ્યા હતા અને તેને પાર્ટીનું સત્તાવાર નિવેદન કહેવાને બદલે તેને કંગનાનું અંગત નિવેદન ગણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp