કોણ હતા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જેમની યાદમાં બનેલી અજમેર શરીફ દરગાહ

PC: wikipedia.org

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી શાહી જામા મસ્જિદના સર્વેક્ષણને લઈ થયેલો હંગામો હજુ પૂરો થયો નથી, ત્યાં અચાનક રાજસ્થાનના અજમેરનું નામ હેડલાઈન્સમાં આવી ગયું છે. કારણ છે અજમેર શરીફ દરગાહ સંબંધિત એક અરજી. રાજસ્થાનના અજમેરની એક સ્થાનિક અદાલતે બુધવારે (7 નવેમ્બર 2024) પ્રખ્યાત અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણની માંગ કરતી અરજી પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને અજમેર દરગાહ સમિતિને નોટિસ પાઠવી હતી.

અરજીકર્તાનો દાવો છે કે, અગાઉ અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હતું. આ મંદિર તોડીને દરગાહ બનાવવામાં આવી હતી. કોર્ટે આ અંગે ASIને નોટિસ મોકલી હોવાના કારણે ટૂંક સમયમાં અહીં પણ સર્વે કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અરજીકર્તા હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, અજમેર શરીફ દરગાહ કાશી અને મથુરાની જેમ મંદિર છે. ચાલો જાણીએ શું છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહ, કોણ હતા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જેની યાદમાં આ દરગાહ બનાવવામાં આવી હતી.

હકીકતમાં, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પર્શિયન મૂળના સુન્ની મુસ્લિમ ફિલસૂફ અને ધાર્મિક વિદ્વાન હતા. તેઓ ગરીબ નવાઝ અને સુલતાન-હિંદ તરીકે પણ જાણીતા હતા. એવું કહેવાય છે કે, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી 13મી સદીમાં ભારતીય ઉપખંડમાં આવ્યા અને રાજસ્થાનના અજમેરમાં રહેવા લાગ્યા હતા. અહીં રહીને તેમણે સુન્ની ઇસ્લામના ચિશ્તી આદેશની સ્થાપના કરી અને તેનો ફેલાવો કર્યો. અજમેરમાં દરરોજ હજારો અને લાખો લોકો જે દરગાહની મુલાકાત લે છે તે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની જ દરગાહ છે.

નિષ્ણાતો કહે છે કે, 'સૂફી' શબ્દ અરબી શબ્દ 'સફ' પરથી આવ્યો છે. તેનો અર્થ એવો થાય છે કે, જે ઊનનાં કપડાં પહેરે છે. આ શબ્દનો બીજો સંભવિત મૂળ 'સફા' છે, જેનો અરબીમાં અર્થ 'શુદ્ધતા' પણ થાય છે. સૂફી સુલ્હ-એ-કુલ એટલે કે શાંતિ અને સદભાવનામાં માને છે. અહીંની પીરી-મુર્શીદીની પરંપરા ભારતની ગુરુ-શિષ્ય પરંપરા જેવી જ છે.

ઈતિહાસકારોનું કહેવું છે કે, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનો જન્મ ઈરાનના સિસ્તાનમાં ઈ.સ. 1143માં થયો હતો. તે હાલમાં ઈરાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં સ્થિત છે. ચિશ્તીએ તેમના પિતાનો વ્યવસાય છોડીને આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કર્યું. આ દરમિયાન તેઓ પ્રખ્યાત સંત હઝરત ખ્વાજા ઉસ્માન હારુનીને મળ્યા. થોડા દિવસો પછી, તેમણે મોઇનુદ્દીન ચિશ્તીને પોતાના શિષ્ય બનાવ્યા અને તેમને દીક્ષા આપી. જ્યારે મોઇનુદ્દીન ચિશ્તી 52 વર્ષના હતા ત્યારે તેમને શેખ ઉસ્માન પાસેથી ખિલાફત મળી હતી. આ પછી તેઓ હજ, મક્કા અને મદીના ગયા. ત્યાંથી તેમણે મુલતાન થઈને ભારતમાં પ્રવેશ કર્યો.

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ઈ.સ. 1192માં અજમેર આવ્યા હતા. એવું કહેવાય છે કે, આ તે સમય હતો જ્યારે મુહમ્મદ ઘોરીએ તરાઈનની બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. ચિશ્તીના શૈક્ષણિક ઉપદેશો સાંભળ્યા પછી, સ્થાનિક લોકો તેમના પ્રભાવ હેઠળ આવવા લાગ્યા. તેમના ભક્તોમાં રાજાઓ, સમ્રાટો, શ્રીમંત લોકો અને ગરીબ તમામ લોકો હતા. તેમના મૃત્યુ પછી મુઘલ બાદશાહ હુમાયુએ તેમની કબર ત્યાં બનાવી હતી. મુહમ્મદ બિન તુઘલક, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં, દારા શિકોહ અને ઔરંગઝેબ જેવા શાસકોએ અજમેરમાં તેની દરગાહની મુલાકાત લીધી હતી.

દર વર્ષે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિ પર 'ઉર્સ' નામનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, તેમની મૃત્યુની વર્ષગાંઠ પર લોકો શોક મનાવવાને બદલે ઉજવણી કરે છે. તેની પાછળનું કારણ એ છે કે, ચિશ્તીના અનુયાયીઓનું માનવું છે કે, આ દિવસે શિષ્ય તેના ઉપરી એટલે કે ભગવાનને ફરીથી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp