હવે હિમાચલના મંડીમાં મસ્જિદનો વિવાદ, અહીં તો તેને તોડી પાડવાનો આદેશ આપી દીધો છે

PC: himachal.ptcbharat.com

શિમલા પછી હવે હિમાચલના મંડીમાં એક મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મસ્જિદના 'ગેરકાયદે સ્ટ્રક્ચર'ને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર H.S. રાણાની કોર્ટે 13 સપ્ટેમ્બરે આ નિર્ણય આપ્યો હતો. આ મસ્જિદ 30 વર્ષ જૂની હોવાનું કહેવાય છે અને તેમાં ત્રણ માળ છે. આરોપ છે કે, આ મસ્જિદના બે માળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. આ આક્ષેપો સાચા હોવાનું જણાતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે મસ્જિદ કમિટીને 30 દિવસનો સમય આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કાં તો મસ્જિદ કમિટી પોતે જ ગેરકાયદે બાંધકામ તોડી નાખે, નહીં તો વહીવટીતંત્ર કાર્યવાહી કરશે. જો કે, આ અંતિમ આદેશ નથી. આ નિર્ણય સામે 30 દિવસની અંદર અપીલ કરી શકાય છે.

અગાઉ મસ્જિદ વિવાદને લઈને હિંદુ સંગઠનોએ બજારમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ મસ્જિદ મંડીના જેલ રોડ પર આવેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે હિંદુ સંગઠનોએ જેલ રોડ બ્લોક કરીને હંગામો મચાવ્યો હતો. પોલીસે મસ્જિદની આસપાસ બેરિકેડિંગ કરીને વિસ્તારને સુરક્ષિત કર્યો હતો. તેમજ ભીડને કાબુમાં લેવા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મંડીના DC અપૂર્વ દેવગણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર કાયદા અને નિયમો અનુસાર કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, મંડી શહેરના સાત વોર્ડમાં BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ સિવાય DCએ કહ્યું કે, જો કોઈ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ આ મામલે હિમાચલના CM સુખવિંદર સિંહ સુખુનું નિવેદન પણ સામે આવ્યું છે. CM સુખુએ કહ્યું, 'મંડીમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો છે. મસ્જિદ વિવાદને લઈને એક સમિતિની રચના કરવામાં આવશે. આ એક શાંતિપ્રિય રાજ્ય છે, જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. કોઈ ધર્મ કે જાતિને ઠેસ નહીં પહોંચે. અમારી સરકાર કાયદો અને વ્યવસ્થા મુજબ કાર્યવાહી કરશે, ગેરકાયદે બાંધકામ સ્વીકાર્ય નથી, પરંતુ ગેરકાયદે બાંધકામનું પણ કાયદાની અંદર રહીને કાર્યવાહી કરવામાં આવશે.'

હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં આ પ્રકારનો બીજો કિસ્સો છે, જ્યાં લોકો અને હિંદુ સંગઠનોએ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કર્યો હતો. ગત સપ્તાહની શરૂઆતમાં શિમલાના સંજૌલીમાં પણ મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp