..હવે ઉદ્ધવ ઠાકરેનો વારો! BJP નેતાનો દાવો; મહારાષ્ટ્રમાં પણ...
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી હવે મહારાષ્ટ્રના BJPના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે પણ જેલ જઈ શકે છે. BJPના ધારાસભ્ય અતુલ ભાટખાલકરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ભ્રષ્ટાચારના કારણે એક વર્તમાન CM જેલમાં જઈ શકે છે, એક ભૂતપૂર્વ CM કે જેમણે ટકાવારી (કમિશન) નક્કી કરી હતી તે પણ જેલમાં જઈ શકે છે.'
શુક્રવારે BJPના નેતા કિરીટ સોમૈયાએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દારૂનું કૌભાંડ થયું છે અને જાન્યુઆરી 2022માં ઠાકરે સરકારે પણ દારૂનું કૌભાંડ કર્યું હતું. તેમણે કહ્યું, 'તત્કાલીન CM ઉદ્ધવ ઠાકરેએ જાન્યુઆરી 2022માં એક્સાઈઝ વાઈન પોલિસીમાં ફેરફાર કર્યો હતો. સંજય રાઉત પરિવારે મહારાષ્ટ્રમાં અશોક ગર્ગ મેગ્પી DFS પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી હતી. અમે મહારાષ્ટ્રના આ વાઈન/દારૂ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.'
આ નિવેદનો સવાલો ઉભા કરી રહ્યા છે કે, શું ઉદ્ધવ ઠાકરેને પણ EDની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે? BJPના નેતાઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર પર મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. ઉદ્ધવના નેતૃત્વમાં ભ્રષ્ટાચારના આરોપી ઘણા નેતાઓ CM એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય રવિન્દ્ર વાયકર પણ ઉદ્ધવને છોડીને CM શિંદેની પાર્ટીમાં જોડાયા હતા. કોઈપણ રીતે, તપાસ એજન્સીઓ આવા ઘણા નેતાઓનો પીછો કરી રહી છે, જેઓ ઠાકરેની પાર્ટીમાં છે. અનિલ પરબ, વૈભવ નાઈક, રાજન સાલ્વી, સંજય રાઉત, કિશોરી પેડનેકર સહિત સેના UBTના ઘણા નેતાઓની તપાસ કરવામાં આવી છે. આ નેતાઓ સામે ED, ઈન્કમટેક્સ તપાસ ચાલી રહી છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના લાંબા સમયથી સત્તામાં હતી અને BJP આ સમયગાળા દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહી છે. ખાસ કરીને કોવિડના સમયગાળા દરમિયાન ટકાવારીના હિસાબે પૈસા લેવાના આક્ષેપો પણ થયા હતા. CM એકનાથ શિંદેએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ષડયંત્ર, ભ્રષ્ટાચાર અને કમિશનનો એજન્ડા અમલમાં મૂક્યો હતો.
મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે ઉદ્ધવ ઠાકરેનો બચાવ કરતા કહ્યું, 'BJPના નેતાઓ નક્કી કરી રહ્યા છે કે, કોની ધરપકડ કરવામાં આવશે. આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? ભારતના લોકો આ જોઈ શકે છે અને તેઓ તે મુજબ જનાદેશ આપશે. હસન મુશ્રીફ, છગન ભુજબળ, અજિત પવાર જેવા નેતાઓ કે, જેઓ આરોપોનો સામનો કરી રહ્યા હતા, તેમણે BJP સાથે ગઠબંધન કર્યું છે અને હવે શાંતિથી સૂઈ રહ્યા છે. BJP એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. લોકશાહી માટે આ ખતરનાક સંકેત છે.'
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી NDAને ટક્કર આપી રહી છે. રાજકીય વર્તુળોમાં કહેવામાં આવી રહ્યું છે કે, ધરપકડ દ્વારા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતાઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. આમાંના કોઈપણ કેસમાં એજન્સી દ્વારા ઉદ્ધવનું કનેક્શન સ્થાપિત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પણ ઊભો થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્ર વાઇન નીતિ બહાર પાડવામાં આવી હતી, જેમાં 1000 ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતા વિભાગીય અને વૉક-ઇન સ્ટોર્સમાં વાઇનના વેચાણને મંજૂરી આપવામાં આવી હતી.
તત્કાલીન CM કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 'શેલ્ફ-ઇન-શોપ' પદ્ધતિ એવા સુપરમાર્કેટ અને વૉક-ઇન સ્ટોર્સમાં લાગુ થશે, જેનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર કે તેથી વધુ છે અને જે મહારાષ્ટ્રની દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ છે. વાઇન વેચતી સુપરમાર્કેટોએ વાઇન વેચવા માટે રૂ. 5,000ની ફી ચૂકવવી પડશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે સુપરમાર્કેટ પૂજા સ્થાનો અથવા શૈક્ષણિક સંસ્થાઓની નજીક છે, તેમને દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ સિવાય જે જિલ્લાઓમાં દારૂબંધી લાગુ છે, ત્યાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યમાં તત્કાલીન પ્રવર્તમાન નીતિ મુજબ દારૂની બોટલો માત્ર માન્ય દારૂની દુકાનોમાં જ વેચી શકાતી હતી. ત્યારપછી 2022માં નવી નીતિ હેઠળ, રાજ્ય સરકારે તમામ પ્રકારની દારૂની બોટલો પર બલ્ક લિટર ઉત્પાદન દીઠ એક્સાઇઝ ડ્યુટી તરીકે રૂ.10 વસૂલ્યા હતા.
2022માં, પાત્રા ચાલ કેસની તપાસ કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સંજય રાઉતના કથિત સહયોગી સુજીત પાટકરના નિવાસસ્થાનની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટકર શિવસેના નેતા સંજય રાઉતની પુત્રીઓ સાથે દારૂ વિતરણ કંપનીમાં વધારાના ડિરેક્ટર છે. પાટકર અને સંજય રાઉતની પુત્રીઓ પૂર્વશી અને વિધિતા મેગ્પી DFS પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીમાં ભાગીદાર છે, જે દારૂનું વિતરણ કરે છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે, કંપનીનો મુખ્ય વ્યવસાય વાઈન ટ્રેડિંગમાં બદલાઈ ગયો છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ રેકોર્ડ દર્શાવે છે કે, પાટકર અને સંજય રાઉતની પુત્રીઓને 16 એપ્રિલ, 2021ના રોજ પેઢીમાં વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp