હવે મહિલાઓ બનશે મંદિરોની પૂજારી,ત્રણે તાલીમ પૂર્ણ કરી, એકે ગણિતમાં MSc કર્યું છે

PC: india.postsen.com

મંદિરોમાં કેટલી મહિલા પૂજારીઓ જોવા મળે છે? કદાચ એકાદ બે ક્યાંક દેખાય જાય. જો કે, એ અલગ વાત છે કે, આજ સુધી મેં કોઈ મહિલા પૂજારીને મંદિરમાં પૂજા કરતી જોઈ નથી. તે એક સંજોગ હોય શકે છે. જોકે હવે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. તમને જાણીને આનંદ થશે કે, તમિલનાડુ સરકારની પહેલ પર પ્રથમ વખત ત્રણ મહિલાઓએ તિરુચિરાપલ્લીના શ્રીરંગમમાં શ્રી રંગનાથર મંદિર દ્વારા સંચાલિત આર્ચાકર ટ્રેનિંગ સ્કૂલમાં પૂજારી બનવાની તાલીમ પૂર્ણ કરી છે. મતલબ કે, હવે આ મહિલાઓ મંદિરની પૂજારી બની શકશે.

આ પહેલ વિશે બોલતા, CM M.K, સ્ટાલિને કહ્યું કે, તે 'સમાવેશ અને સમાનતાના નવા યુગની' શરૂઆત છે. તેમણે કહ્યું કે, જ્યારે મહિલાઓ પાઈલટ અને અવકાશયાત્રી બની રહી હતી ત્યારે પણ તેમને ઘણા મંદિરોમાં પૂજારી બનવાની મંજૂરી ન હતી, કારણ કે તેમને અશુદ્ધ માનવામાં આવત હતી. તે દેવીઓના મંદિરોમાં પણ પૂજારી બની શકતી ન હતી, પરંતુ હવે મહિલાઓ પણ પવિત્ર સ્થાનોમાં પ્રવેશ કરી રહી છે. તે સમાવેશીતા અને સમાનતાનો નવો યુગ લાવી રહી છે. આ એક પરિવર્તનની શરૂઆત છે.

મંદિરના પૂજારી બનવા માટે, S. રામ્યા, S. કૃષ્ણવેની અને N. રંજીથાએ શ્રી રંગનાથ સ્વામી મંદિર સાથે સંકળાયેલા અર્ચાકર (પૂજારી) પેયિરચી પલ્લી ખાતે તાલીમ લીધી હતી. હકીકતમાં, 2021માં DMK સરકાર સત્તામાં આવ્યા પછી, પૂજારીઓને તાલીમ આપવા માટેની આવી સંસ્થાઓને પુનર્જીવિત કરવામાં આવી હતી. આ માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેની શરૂઆત 2007માં તત્કાલિન CM M. કરુણાનિધિએ કરી હતી. ત્રણેય મહિલાઓ તેમના કૌશલ્યોને વધુ નિખારવા માટે મુખ્ય મંદિરોમાં વધુ એક વર્ષ વિતાવશે અને તે પછી, તેમની યોગ્યતાના આધારે, તેઓ પૂજારી તરીકે નિયુક્ત થઈ શકે છે.

રમ્યાએ ગણિતમાં MSc કર્યું છે. તે બેંકિંગમાં જવાની અથવા શિક્ષક બનવાની આશા રાખતી હતી. તેનું કહેવું છે કે, તેને માહિતી મળી છે કે, તમામ જાતિની મહિલાઓ અને પુરુષોને પૂજારી બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ પછી તે આ કાર્યક્રમમાં જોડાઈ. તે કહે છે, 'હું ખુબ ઉત્સાહિત હતી...જ્યારે મહિલાઓ દરેક જગ્યાએ નોકરીઓ કરી શકતી હોય ત્યારે આ કરી શકવા માટે પણ સક્ષમ હોવી જોઈએ.' આમ પણ જ્યારે મંદિરો, ધાર્મિક વિધિઓ અને પૂજાની વાત આવે તો હું તેનાથી અજાણી નથી.

રામ્યાએ વધુમાં કહ્યું કે, શરૂઆતમાં મંત્ર શીખવો મુશ્કેલ હતો. આ ભગવાનની પૂજા છે, પરંતુ તેની પ્રક્રિયા ચોક્કસ અને તીવ્ર છે. એક નાના બાળકની સંભાળ રાખવાની જેમ, અમારે માથાથી લઈને પગ સુધી આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અમે પંચરત્નમ આગમ વિશે શીખ્યા. તે મુખ્યત્વે તમિલમાં છે જો કે તેમાં કેટલાક સંસ્કૃત તત્વો પણ છે. રામ્યાએ વધુમાં જણાવ્યું કે, તેના દાદા અને કાકા ગામડાઓમાં નાના-નાના સમારોહ માટે પૂજા કરાવતા હતા. મેં પણ તેમની સાથે બે વાર પૂજા કરાવી છે.

રામ્યાનું કહેવું છે કે, 'અમને મહિલા પૂજારી બનવાનો કોઈ ડર નથી. અમને આશા છે કે, આનાથી વધુને વધુ મહિલાઓને પૂજારી બનવાની તક મળશે. અમારી બેચમાં 22 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી માત્ર ત્રણ જ મહિલાઓ હતી, પરંતુ એક મહિના પહેલા શરૂ થયેલી નવા બેચમાં 17 છોકરીઓ છે!'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp