લોકસભા સ્પીકરની થશે ચૂંટણી, વિપક્ષ અને સરકારમાં તણાવ, ઓમ બિરલા સામે કે. સુરેશ
લોકસભા સ્પીકર પદ માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતી બની શકી નથી. NDA તરફથી ઓમ બિરલાએ નામાંકન દાખલ કરી દીધું છે. તો વિપક્ષ તરફથી કે. સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે પણ નામાંકન દાખલ કરી દીધું છે. હવે બુધવારે સવારે 11:00 વાગ્યે સ્પીકર પદ માટે મતદાન થશે. કે સુરેશ કેરળથી કોંગ્રેસના સાંસદ છે અને 8મી વખત ચૂંટાઈને લોકસભા પહોંચ્યા છે. આંકડાઓને જોતા સ્પષ્ટ છે કે સ્પીકર પદ પર ચૂંટણીની સ્થિતિમાં NDAનો દાવો મજબૂત છે, પરંતુ INDIA ગઠબંધનને લાગે છે કે તેની પાસે પોતાની તાકત દેખાડવાનો અવસર છે એટલે તેણે ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની શરત પૂરી ન થવા પર ઉમેદવાર જ ઉતારી દીધા છે.
તેની સાથે જ ભારતીય લોકતંત્રના 72 વર્ષોના ઇતિહાસમાં એવું પહેલી વખત થશે, જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી થશે. આ સ્થિતિ માટે રાહુલ ગાંધીએ સરકાર પર જ ઠીકરો ફોડ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષે સ્પીકર પદ માટે સરકારનું સમર્થન કરવાનો નિર્ણય લીધો હતો. અમારું કહેવું હતું કે તમે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપી દો. એવી પરંપરા પણ રહી છે. તો વિપક્ષ તરફથી ઉમેદવાર ઉતારવા પર પિયુષ ગોયલે કહ્યું કે, અમે શરતોના આધાર પર સમર્થનની વાતને નકારીએ છીએ. વિપક્ષ તરફથી શરતના આધાર પર સમર્થનની વાત કહેવામાં આવી રહી હતી. એવું લોકસભાની પરંપરામાં ક્યારેય થયું નથી. લોકસભા સ્પીકર કે પછી ડેપ્યુટી સ્પીકર કોઈ પાર્ટીના હોતા નથી, પરંતુ આખા સદનના હોય છે.
રાહુલ ગાંધીએ આખી ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે, રાજનાથ સિંહનો કાલે સાંજે મલ્લિકાર્જૂન ખરેગે પર ફોન આવ્યો હતો. તેમણે સ્પીકર માટે વિપક્ષ પાસે સમર્થન માગ્યું હતું. તેના પર ખરગેએ કહ્યું કે, ડેપ્યુટી સ્પીકરનું પદ જો વિપક્ષને આપી દેવામાં આવે તો અમે સ્પીકર માટે સમર્થન કરીશું. તેના પર રાજનાથે જવાબ આપ્યો હતો કે હું તમને પાછો કોલ કરીશ, પરંતુ અત્યાર સુધી કોઈ વાત ન કરી. તેનાથી સ્પષ્ટ છે કે આ લોકો સંવાદ ઇચ્છતા નથી, પરંતુ ટકરાવના રસ્તા પર જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ભાજપે એકલાના જ 240 સાંસદ છે, એ સિવાય TDPના 16, JDUના 12 અને એકનાસ્થ શિંદે ગ્રુપના 7, ચિરાગ પાસવાનને પાર્ટીના 5 સાંસદ સહિત લગભગ 290 સાંસદોનું સમર્થન NDA પાસે છે. એટલું જ નહીં અકાલી દળ સહિત ઘણા અન્ય દળો અને કેટલાક અપક્ષ નેતાઓનું પણ સરકારને સમર્થન મળવાની આશા છે. આ જ કારણ છે કે તેણે પણ વિપક્ષને પોતાની તાકતનો અનુભવ કરાવવાનો નિર્ણય લીધો છે અને સ્પીકર પર પર ચૂંટણી માટે તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp