એક તરફ પુતિને કર્યા PM મોદીના વખાણ, આ બાજુ સાઉદી સાથે મળી ભારતની સાથે કરી ચાલાકી

PC: bazaar.businesstoday.in

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના PM નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને તેમને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમના નેતૃત્વમાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિનની આ ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે ભારતે રશિયાને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના મુદ્દે ભાવ ઘટાડવા અને ઉત્પાદન વધારવાની અપીલ કરી છે. હાલમાં કાચા તેલની કિંમતોમાં 30 ટકાનો વધારો થયો છે. તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC પ્લસના બે સૌથી મોટા ખેલાડીઓ સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે.

સાઉદી અરેબિયા અને રશિયાએ આ ચાલાકીનો ઉપયોગ કરીને તાજેતરના મહિનાઓમાં તેલની આવકમાં અબજો ડોલરની કમાણી કરી છે. આ બંને દેશોએ જુલાઈ 2023માં તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ 100 ડૉલર પર પહોંચી ગઈ. હાલમાં તે 93 ડૉલર પ્રતિ બેરલના ભાવે વેચાઈ રહ્યું છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રશિયા ભારતને લગભગ 80 ડૉલર પ્રતિ બેરલના ભાવે તેલ વેચી રહ્યું છે, જે પશ્ચિમ દ્વારા નિર્ધારિત કિંમતની મર્યાદા કરતાં લગભગ 20 ડૉલર વધુ છે. અહેવાલમાં જણાવાયું છે કે, સાઉદી અરેબિયા અને રશિયા સહિતના OPEC+ ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂક્યા પછી જુલાઈના મધ્યભાગથી રશિયાની મુખ્ય તેલ નિકાસ કરતી યુરલ વેસ્ટર્ન પ્રાઇસ રેન્જ 60 ડૉલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થઈ રહી છે.

ભારત, જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે, 2022માં મોસ્કો પર પશ્ચિમી પ્રતિબંધોને પગલે દરિયાઈ માર્ગે રશિયન તેલનો પ્રમુખ ખરીદનાર બની ગયો હતો. તે સમયે ભારત ઓછા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદતું હતું અને તેને રિફાઈન્ડ કરીને યુરોપિયન માર્કેટમાં ઊંચા ભાવે વેચતું હતું, પરંતુ હવે રશિયાની મનસ્વીતાને કારણે તેને નુકસાન થઈ રહ્યું છે. ભારત તેની જરૂરિયાતના 87 ટકાથી વધુ તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં રશિયા અને સાઉદી વચ્ચેના ગઠબંધનના કારણે તેલ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની અસર ભારતીય તેલ બજાર પર પણ પડી છે. ભારત આ મુદ્દે તેલ ઉત્પાદક દેશો સાથે સતત વાત કરી રહ્યું છે, પરંતુ તેનો કોઈ ફાયદો થતો દેખાતો નથી.

આ દરમિયાન, વિશ્વવ્યાપી તેલ સંકટને વધુ વધારવા માટે રશિયાએ વધુ એક પગલું ભર્યું હતું, તેણે ડીઝલ અને ગેસોલિનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી વિશ્વભરના દેશોમાં રશિયન યુરલની માંગમાં વધારો થયો છે, કારણ કે યુરલ તેલ સામાન્ય રીતે વધારે પ્રમાણમાં ડીઝલ ઉત્પાદન કરે છે, જે ભારતના કુલ શુદ્ધ બળતણ વપરાશના 2/5મો હિસ્સો છે. મંગળવારે ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરીથી તેલ ઉત્પાદક દેશોને તેલ ઉત્પાદન વધારવાની અપીલ કરી હતી.

એનર્જી ડેટા પર નજર રાખનારી કંપની વોર્ટેક્સાના ડેટા અનુસાર, ભારતે ઓગસ્ટમાં રશિયા પાસેથી દરરોજ 14.6 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. ગયા મહિને આ આંકડો 19.1 લાખ બેરલ પ્રતિ દિવસ હતો. ડેટા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ભારતે સાઉદી અરેબિયામાંથી તેલની આયાત જુલાઈમાં 4.84 લાખ બેરલ પ્રતિ દિવસથી વધારીને ઓગસ્ટમાં 8.20 લાખ બેરલ પ્રતિ દિવસ કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને રશિયાના સંબંધો દાયકાઓથી મજબૂત રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp