ભારતીય ક્રિકેટરોને 11 કરોડ આપવા બદલ મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષ નારાજ, ગરીબોને...
મહારાષ્ટ્રમાં, વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને શિવસેનાએ CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારની T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે, આમ કરીને સરકાર જાતે જ પોતાની પીઠ થપથપાવવા માંગે છે. ત્યાર પછી વિરોધ પક્ષોએ કહ્યું કે, તેમને ક્રિકેટરોની સિદ્ધિ પર ગર્વ છે, પરંતુ સરકારી તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની જરૂર નથી. તેમણે CM શિંદેને આ રકમ પોતાના ખિસ્સામાંથી આપવા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કોંગ્રેસ પર આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. વિધાન ભવનમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં ટીમના ચાર મુંબઈ ખેલાડીઓ, કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી, પત્રકારો સાથે વાત કરતા, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, 'રાજ્યની તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની શું જરૂર હતી? આ તો જાતે પોતાની પીઠ થપથપાવવા જેવું છે... તિજોરી ખાલી થવા દો... ગરીબોને મરવા દો. પરંતુ સરકાર પોતાની પીઠ થપથપાવવા માંગે છે.'
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું, 'રાજ્યની તિજોરીમાંથી ખેલાડીઓને 11 કરોડ રૂપિયા ચૂકવવાની જરૂર નહોતી. દરેક વ્યક્તિને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે અને તેઓને પૂરતી ઈનામી રકમ મળે છે. CM શિંદેએ પોતાના ખિસ્સામાંથી 11 કરોડ રૂપિયા આપવા જોઈએ.' વડેટ્ટીવાર કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને દાનવે શિવસેના (UBT) સાથે સંકળાયેલા છે. BJPના વિધાન પરિષદ દરેકરે એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'વિજય વડેટ્ટીવારની વિચારસરણી વિકૃત અને નાનકડી છે. T20 ટીમના વર્લ્ડ કપ જીતવાથી સમગ્ર રાષ્ટ્ર ખુશ છે.' તેમણે કહ્યું, 'લોકોએ જોયું છે કે, કેવી રીતે ક્રિકેટ ચાહકો મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે (વિજય સરઘસ દરમિયાન) મોટી સંખ્યામાં ક્રિકેટરો પર તેમનો પ્રેમ વરસાવવા અને તેમની પ્રશંસા કરવા ભેગા થયા હતા. પરંતુ વડેટ્ટીવાર આ કાર્યક્રમનું પણ રાજનીતિકરણ કરવા માંગે છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp