રમતગમતમાં, ક્યારેય પરાજય થતો નથી, તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો: PM

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા PMએ કહ્યું હતું કે, રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર તેમના કોચ અને પરિવારના સભ્યોને પણ શુભકામનાઓ પાઠવું છું.

આ કાર્યક્રમમાં બોલતા PM મોદીએ જણાવ્યું હતું કે, સંસદ ખેલ મહાકુંભમાં જોવા મળેલો ઉત્સાહ અને આત્મવિશ્વાસ આજે દરેક ખેલાડી અને દરેક યુવાનોની ઓળખ બની ગયો છે. રમતગમત પ્રત્યેની સરકારની ભાવના મેદાન પરના ખેલાડીઓની ભાવનાથી પ્રતિબિંબિત થાય છે. વર્તમાન સરકાર દ્વારા આ પ્રકારની રમતગમત સ્પર્ધાઓના આયોજનમાં સતત થઈ રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડતા PMએ કહ્યું હતું કે, સાંસદ ખેલ મહાકુંભ એ જિલ્લાઓ અને રાજ્યોમાં લાખો પ્રતિભાશાળી રમતવીરો માટે એક મંચ પ્રદાન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તે નવી અને આવનારી પ્રતિભાને ઓળખ કરવા અને તેનો ઉપયોગ કરવા માટેનું એક માધ્યમ પણ બની ગયું છે. PM મોદીએ ખાસ કરીને મહિલાઓને સમર્પિત એક સ્પર્ધાના આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત PM મોદીએ સાંસદ ખેલ મહાકુંભમાં પાલીની 1100થી વધારે શાળાના બાળકો સહિત 2 લાખથી વધારે રમતવીરોની ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમણે ઇવેન્ટ મારફતે આ એથ્લેટ્સને આપવામાં આવેલા અપવાદરૂપ પ્રોત્સાહન અને તકને સ્વીકારી. PM મોદીએ પાલીનાં સંસદ સભ્ય પી પી ચૌધરીને તેમનાં ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

રાજસ્થાન અને દેશના યુવાનોને આકાર આપવામાં રમતગમતની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકતા PM મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનના બહાદુર યુવાનોએ સશસ્ત્ર દળોમાં તેમની સેવાથી લઈને રમતગમતમાં તેમની સિદ્ધિઓ સુધી, સતત દેશનું નામ રોશન કર્યું છે. મને વિશ્વાસ છે કે તમે રમતવીરો આ વારસાને આગળ ધપાવવાનું ચાલુ રાખશો.

રમતગમતની પરિવર્તનકારી શક્તિ પર પ્રકાશ પાડતા PMએ કહ્યું હતું કે, રમતગમતની સુંદરતા માત્ર જીતવાની ટેવ કેળવવામાં જ નહીં, પણ સ્વ-સુધારણા માટે સતત પ્રયાસ કરવામાં પણ રહેલી છે. રમતગમત આપણને શીખવે છે કે ઉત્કૃષ્ટતાની કોઈ મર્યાદા નથી, અને આપણે આપણી બધી શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. 

PM મોદીએ જણાવ્યું હતું કે, રમતગમતની સૌથી મોટી તાકાતમાંની એક એ છે કે તે યુવાનોને વિવિધ દુર્ગુણોથી દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. રમતગમત સ્થિતિસ્થાપકતા પેદા કરે છે, એકાગ્રતાને પ્રોત્સાહન આપે છે અને આપણને એકાગ્ર રાખે છે. તેથી, રમતગમત વ્યક્તિગત વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

યુવાનોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા PM મોદીએ જણાવ્યું હતું કે, હાલની સરકાર, પછી તે રાજ્ય હોય કે કેન્દ્રીય સ્તરે હોય, યુવાનોના હિતોને પ્રાથમિકતા આપે છે. રમતવીરોને વધુ તકો પૂરી પાડીને, પસંદગી પ્રક્રિયાઓમાં પારદર્શકતા સુનિશ્ચિત કરીને અને સંસાધનોની ફાળવણી કરીને સરકારે ભારતીય રમતવીરોને મોટો ટેકો આપ્યો છે.

PM મોદીએ છેલ્લાં એક દાયકામાં રમતગમતનાં બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે, ટોપ્સ સહિત વિવિધ યોજનાઓ હેઠળ સેંકડો રમતવીરોને નાણાકીય સહાયની જોગવાઈ અને દેશભરમાં અનેક રમતગમત કેન્દ્રોની સ્થાપના વિશે વાત કરી હતી. ખેલો ઇન્ડિયા રમતોત્સવ અંતર્ગત PMએ જાણકારી આપી હતી કે, 3,000થી વધારે રમતવીરોને દર મહિને રૂ. 50,000ની સહાય કરવામાં આવે છે. પાયાના સ્તરે લાખો રમતવીરો લગભગ 1,000 ખેલો ઇન્ડિયા કેન્દ્રોમાં તાલીમ લઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 100થી વધુ ચંદ્રકો સાથે નવો વિક્રમ સાથે અસાધારણ દેખાવ કરવા બદલ ભારતીય રમતવીરોની પ્રશંસા પણ કરી હતી..

PMએ કહ્યું હતું કે, માર્ગો અને રેલવે જેવા આધુનિક માળખાગત સુવિધાઓ પર રૂ. 11 લાખ કરોડનાં રોકાણથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. 40,000 વંદે ભારત પ્રકારની બોગીઓની જાહેરાત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ જેવી પહેલોનો સૌથી મોટા લાભાર્થી આપણા યુવાનો છે, એમ PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ ઉપરાંત PM મોદીએ પાલીમાં હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો, જેમાં આશરે રૂ. 13,000 કરોડનાં મૂલ્યનાં માર્ગોનું નિર્માણ, રેલવે સ્ટેશનો, પુલોનો વિકાસ અને 2 કેન્દ્રીય વિદ્યાલય, પાસપોર્ટ સેન્ટર અને મેડિકલ કોલેજ સહિત શૈક્ષણિક અને આઇટી કેન્દ્રોની સ્થાપના સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલોનો ઉદ્દેશ પાલીનાં લોકો માટે જીવનની ગુણવત્તા વધારવાનો અને તેમની સંપૂર્ણ સુખાકારીમાં પ્રદાન કરવાનો છે.

અંતમાં PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાન અને ભારતનાં દરેક નાગરિક, ખાસ કરીને યુવાનોને વ્યાપક વિકાસલક્ષી પહેલો મારફતે સશક્ત બનાવવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે યુવાનોમાં દ્રઢ નિશ્ચય અને સ્થિતિસ્થાપકતાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં રમતગમતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જે આખરે દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં પ્રદાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp