PMએ 1 લાખ નિમણૂક પત્રો આપી કહ્યું- ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની ગઈ છે

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સમન્વયને પ્રોત્સાહન આપશે.

PMએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે 1 લાખથી વધારે ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે તથા તેમને અને તેમનાં પરિવારજનોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારમાં યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નોકરીના નોટિફિકેશન અને નિમણૂંક પત્રો આપવા વચ્ચે લાંબો સમય પસાર થવાથી લાંચ-રુશ્વતમાં વધારો થયો હોવાનું જણાવીને PMએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે નિર્ધારિત સમય હેઠળ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે સાથે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવી છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી દરેક યુવાનો માટે તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં સમાન તકો ઊભી થઈ છે. આજે, દરેક યુવાન માને છે કે તેઓ સખત મહેનત અને કુશળતા સાથે તેમની નોકરીની સ્થિતિને મજબૂત કરી શકે છે.

PM મોદીએ જણાવ્યું હતું કે, સરકાર યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં વર્તમાન સરકારે અગાઉની સરકારો કરતાં 1.5 ગણી વધારે નોકરીઓ યુવાનોને આપી છે. PMએ નવી દિલ્હીમાં સંકલિત સંકુલ 'કર્મયોગી ભવન'નાં પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, એનાથી ક્ષમતા નિર્માણની દિશામાં સરકારની પહેલ મજબૂત થશે.

સરકારના પ્રયત્નોને કારણે નવા ક્ષેત્રો ખોલવા અને યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરવા વિશે વાત કરતા PMએ બજેટમાં 1 કરોડ રૂફટોપ સોલાર પ્લાન્ટની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી પરિવારોના વીજ બિલમાં ઘટાડો થશે અને તેઓ ગ્રિડને વીજળી પૂરી પાડીને કમાણી કરી શકશે. તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી લાખો નવી રોજગારીનું સર્જન પણ થશે.

આશરે 1.25 લાખ સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તેનો ઉલ્લેખ કરીને PM મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે આમાંના ઘણા સ્ટાર્ટઅપ્સ ટિયર 2 અથવા ટિયર 3 શહેરોના છે. આ સ્ટાર્ટઅપ્સ રોજગારીની નવી તકો સર્જી રહ્યા હોવાથી તાજેતરના બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સમાં છૂટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. PMએ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં જાહેર કરવામાં આવેલા 1 લાખ કરોડનાં ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રોજગાર મેળા મારફતે આજે રેલવેમાં પણ ભરતી થઈ રહી છે એ વિશે માહિતી આપતાં PMએ જણાવ્યું હતું કે, જ્યારે મુસાફરીની વાત આવે છે, ત્યારે રેલવે સામાન્ય લોકોની પ્રથમ પસંદગી છે. PM મોદીએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં રેલવેમાં મોટા પાયે પરિવર્તન થઈ રહ્યું છે અને આગામી દાયકામાં આ ક્ષેત્રનું સંપૂર્ણ નવનિર્માણ થશે. તેમણે યાદ કર્યું હતું કે, વર્ષ 2014 અગાઉ રેલવે પર વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હતું તથા તેમણે રેલવે લાઇનોનાં વીજળીકરણ અને ડબલિંગનો ઉલ્લેખ કર્યો હતો તેમજ નવી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી અને પ્રવાસીઓ માટે સુવિધાઓ વધારવાનો ઉલ્લેખ કર્યો હતો. પણ વર્ષ 2014 પછી PMએ જાણકારી આપી હતી કે, રેલવેનાં આધુનિકીકરણ અને અપગ્રેડેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેનની મુસાફરીનાં સંપૂર્ણ અનુભવને પુનઃસંશોધિત કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે વંદે ભારત એક્સપ્રેસ જેવી 40,000 આધુનિક બોગીઓ તૈયાર કરવામાં આવશે અને આ વર્ષના બજેટ હેઠળ સામાન્ય ટ્રેનોમાં ઉમેરવામાં આવશે, જેથી મુસાફરોને સુવિધા અને સવલતોમાં વધારો થશે.

કનેક્ટિવિટીની દૂરોગામી અસરનો ઉલ્લેખ કરીને PMએ નવા બજારો, પ્રવાસન વિસ્તરણ, નવા વ્યવસાયો અને કનેક્ટિવિટીમાં સુધારો થવાને કારણે લાખો રોજગારીના સર્જનનો ઉલ્લેખ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, વિકાસને વેગ આપવા માટે માળખાગત સુવિધામાં રોકાણને વેગ આપવા માટે વધારવામાં આવી રહ્યું છે. PMએ કહ્યું હતું કે, તાજેતરનાં બજેટમાં માળખાગત સુવિધામાં રોકાણ માટે રૂ. 11 લાખ કરોડ અંકિત કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, નવી રેલવે, રોડ, એરપોર્ટ અને જળમાર્ગોની પરિયોજનાઓ રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

નવી નિમણૂકોમાંની ઘણી અર્ધસૈનિક દળોમાં છે તેની નોંધ લેતા, PMએ અર્ધલશ્કરી દળોની પસંદગી પ્રક્રિયામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને માહિતી આપી હતી કે આ જાન્યુઆરીથી પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે. આ દરેકને લાખો ઉમેદવારોને સમાન તક આપશે. તેમણે સરહદ અને ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓ માટે ક્વોટામાં વધારા વિશે પણ માહિતી આપી હતી.

PMએ વિકસિત ભારતની સફરમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. PMએ કહ્યું હતું કે, આજે 1 લાખથી વધારે કર્મયોગીઓ જોડાઈ રહ્યાં છે, તેઓ આ યાત્રાને નવી ઊર્જા અને ગતિ પ્રદાન કરશે. તેમણે દરેક દિવસ રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કરવા જણાવ્યું હતું. તેમણે તેમને કર્મયોગી ભારત પોર્ટલ વિશે જણાવ્યું હતું, જેમાં 800થી વધારે અભ્યાસક્રમો છે અને 30 લાખ વપરાશકર્તાઓ છે અને તેમણે તેમનો સંપૂર્ણ લાભ લેવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp